1984 શીખ રમખાણઃ યશપાલ સિંહને ફાંસી, નરેશ સહરાવતને જન્મટીપની સજા
પટિયાલા હાઈકોર્ટના આ ચૂકાદા બાદ પીડિત પક્ષે સંતોષ વ્યક્ત કરતા જણાવ્યું કે, અમને આશા છે કે અન્ય દોષીતોને પણ ટૂંક સમયમાં જ સજા ફટકારવામાં આવશે
Trending Photos
નવી દિલ્હીઃ 1984 શીખ રમખાણ કેસમાં પટિયાલા હાઈકોર્ટે મહત્વપૂર્ણ ચૂકાદામાં એક દોષિત યશપાલ સિંહને ફાંસીની સજા ફટકારી છે. આ જ કેસમાં અન્ય દોષિત નરેશ સહરાવતને જન્મટીપની સજા ફટકારવામાં આવી છે. પટિયાલા હાઈકોર્ટના આ ચૂકાદા પછી પીડિત પક્ષે સંતોષ વ્યક્ત કર્યો છે. તેમણે જણાવ્યું છે કે, અમને આશા છે કે, ટૂંક સમયમાં જ અન્ય દોષિતોને પણ સજા ફટકારવામાં આવશે.
આ અગાઉ શીખ વિરોધી રમખાણોની તપાસ માટે રચવામાં આવેલી એસઆઈટીએ ગુરૂવારે કોર્ટ દ્વારા દોષીત ઠેરવવામાં આવેલા લોકોને ફાંસીની સજાની માગ કરતા જણાવ્યું હતું કે, આ અપરાધ એક સમુદાય વિશેષના સભ્યો વિરુદ્ધ 'જનસંહાર'નો ભાગ હતો અને તેને દુર્લભથી અતિ દુર્લભની શ્રેણીમાં મુકવો જોઈએ.
એડિશનલ સેશન્સ જજ અજય પાંડેએ બુધવારે રમખાણોના સમયે દક્ષિણ દિલ્હીના મહિપાલપુરમાં હરદેવ સિંહ અને અવતાર સિંહની હત્યા માટે નરેશ શેરાવત અને યશપાલ સિંહને દોષિત ઠેરવ્યા હતા અને 20 નવેમ્બર એટલે કે મંગળવારે તેમને અનુક્રમે ફાંસી અને જન્મટીપની સજા સંભળાવી હતી.
2015માં રચવામાં આવેલી એસઆઈટી દ્વારા ફરી વખત ખોલવામાં આવેલા કેસમાં કોઈને દોષિત ઠેરવવાનો આ પ્રથમ કેસ છે. જોકે, દિલ્હી પોલીસે પુરાવાના અભાવે 1994માં આ કેસ બંધ કરી દીધો હતો, પરંતુ રમખાણોની તપાસ માટે રચવામાં આવેલી એસઆઈટીએ કેસને રીઓપન કર્યો હતો.
દોષિતોના વકીલોએ એસઆઈટીની માગનો વિરોધ કરીને તેમને જીન્મટીપની સજા સંભળાવાની માગ કરી હતી. આ પ્રકારના અપરાધ માટે જન્મટીપની સજા સૌથી ઓછી હોય છે.
અદાલતની કાર્યવાહી દરમિયાન એસઆઈટી તરફથી રજૂ થયેલા સરકારી વકીલ સુરિંદર મોહિત સિંહે જણાવ્યું કે, આ લઘભગ 25 વર્ષના બે નિર્દેષ લોકોની 'નિર્દયી' હત્યાનો મામલો છે. તેમની હત્યા સંપૂર્ણપણે આયોજનબદ્ધ રીતે કરવામાં આવી હતી. કેમ કે દોષિતો પોતાની સાથે કેરોસિન અને હોકી વગેરે સાધનો લઈને આવ્યા હતા. તેમણે જણાવ્યું કે, દિલ્હીમાં આ એકમાત્ર કિસ્સો ન હતો અને લગભગ 3000 લોકોને મારી નાખવામાં આવ્યા છે.
સિંહે જણાવ્યું કે, આ એક નરસંહાર હતો. આ ઘટનાઓની આંતરરાષ્ટ્રીય સ્તરે ચર્ચા થઈ હતી અને તેમાં ન્યાય મેળવવામાં 34 વર્ષનો સમય પસાર થઈ ગયો છે. સમાજને એવો સંકેત જવો જોઈએ જેથી તેઓ આવા ઘૃણાસ્પદ અને નિર્દયી અપરાધોથી દૂર રહે. આ દુર્લભથી પણ અતિદુર્લભ કેસ છે અને તેમાં ફાંસીની સજા સંભળાવવી જોઈએ.
સરકારી વકીલની માગનો વિરોધ કરતા દોષિતોના વકીલ ઓ.પી. શર્માએ જણાવ્યું કે, આ હુમલો આયોજનબદ્ધ ન હતો. અચાનક ભડક્યો હતો. પીડિતો તરફથી આવેલા વકીલ એચ.એસ.ફુલ્કાએ જણાવ્યું કે, "વડા પ્રધાન (ઈન્દિરા ગાંધી)ની હત્યાની દરેક શીખ નિંદા કરી છે. આ અત્યંત દુખદ ઘટના રહી હતી. જોકે, તેનો આશય એ ન હતો કે શીખોને મારી નાખવામાં આવે. શું તેનાથી લોકોને મારવાનું લાયસન્સ મળી જાય છે."
કોર્ટની કાર્યવાહી બાદ જ્યારે દોષિતોને પટિયાલા હાઈકોર્ટના પરિસરમાંથી જેલમાં લઈ જવાતા હતા ત્યારે ભાજપના ધારાસભ્ય મનજિંદર સિંહ સિરસાએ યશપાલ સિંહને લાફો મારી દીધો હતો. આ કેસ હરદેવ સિંહના ભાઈ સંતોખ સિંહની ફરિયાદના આધારે નોંધવામાં આવ્યો હતો. કોર્ટે તેમને ભારતીય દંડ સંહિતાની ધારા 302(હત્યા), 307 (હત્યાનો પ્રયાસ), 395 (હુમલો) અને 324 (ઘાતક હથિયારથી ઈજા પહોંચાડવી) સહિત અનેક ધારાઓ અંતર્ગત દોષિત ઠેરવ્યા હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે