સયાજી હોસ્પિટલમાં 4 કલાક ઓક્સિજન ખૂટતા અફરાતફરી, વિનોદ રાવે સુપરીટેન્ડન્ટને ખખડાવ્યા

સયાજી હોસ્પિટલમાં 4 કલાક ઓક્સિજન ખૂટતા અફરાતફરી, વિનોદ રાવે સુપરીટેન્ડન્ટને ખખડાવ્યા
  • ડો.વિનોદ રાવએ એસએસજીના સુપરીટેન્ડેન્ટને રીતસર ખખડાવ્યા હતા. હોસ્પિટલ તંત્ર સામે OSD વિનોદ રાવે કાર્યવાહી કરી હતી. તેમણે સુપરીટેન્ડન્ટ ડો. રંજન ઐયરને શો કોઝ નોટિસ ફટકારી

રવિ અગ્રવાલ/વડોદરા :કોરોનાના વધતા કેસ અને વધી રહેલા મોતના આંકડા વચ્ચે વડોદરાની સયાજી હોસ્પિટલમાં ઓક્સિજનનો જથ્થો (oxygen shortage) એકાએક ખૂટી પડ્યો હતો. ઓક્સિજનનો જથ્થો ખૂટતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ત્યારે વડોદરાના ઓએસડી વિનોદ રાવ સયાજી હોસ્પિટલમાં તાત્કાલિક દોડી આવ્યા હતા. ગઈકાલે સાંજે 4 કલાકથી ઓકિસજનનો જથ્થો ખૂટતાં ભાગદોડ થઈ હતી. અધિકારીઓની બેદરકારીના કારણે સમયસર ઓક્સિજન બોટલ પહોંચ્યા હતા. જોકે, બાદમાં તાત્કાલિક ઓક્સિજનનો જથ્થો આવી જતા સ્થિતિ સામાન્ય થઈ હતી. 

આ પણ વાંચો : આરોગ્ય કમિશનરનો આદેશ, તમારી સરકારી-ખાનગી હોસ્પિટલો ઓક્સિજનના વપરાશનો રેકોર્ડ રાખે 

સયાજી હોસ્પિટલના સુપરીટેન્ડેન્ટ રંજન ઐયરને શો કોઝ નોટિસ
સયાજી હોસ્પિટલમાં ઓક્સિજન ખૂટી પડવાનો મામલાને ઓએસડી વિનોદ રાવે ગંભીરતાથી લીધો હતો. ડો.વિનોદ રાવએ એસએસજીના સુપરીટેન્ડેન્ટને રીતસર ખખડાવ્યા હતા. હોસ્પિટલ તંત્ર સામે OSD વિનોદ રાવે કાર્યવાહી કરી હતી. તેમણે સુપરીટેન્ડન્ટ ડો. રંજન ઐયરને શો કોઝ નોટિસ ફટકારી છે. સાથે જ કહ્યું કે, જે ઘટના બની એ ગેરવહીવટનું ઉદાહરણ છે. ઉલ્લેખનીય છે કે, ભૂતકાળમાં પણ સયાજી હોસ્પિટલમાં પેશન્ટ મેનેજમેન્ટ સર્વિસમાં ધાંધિયા સામે આવી ચૂક્યા છે. સારા ડોક્ટરના બદલે નજીકના ડોક્ટરની નિમણૂક કરવા પર ધ્યાન અપાયું, મૃતદેહોને સગાઓને સોંપવાનું સંચાલન પણ અયોગ્ય જણાયું હતું. ત્યારે ઓએસડી દ્વારા આ તમામ મુદ્દાઓની ગંભીર નોંધ લઈ કાર્યવાહી કરાશે.

108 લોકોનો કોરોનાએ ભોગ લીધો 
છેલ્લા 24 કલાકમાં વડોદરામાં 108 લોકોનો કોરોનાએ ભોગ લીધો છે. કોરોનાના સંક્રમણથી વડોદરાના જાણીતા કિર્તનકાર, ડોક્ટર તેમજ વીજ કંપનીના કર્મચારીનું મોત નિપજ્યું છે. તો સરકારી ચોપડે 24 કલાકમાં 712 નવા દર્દીઓ નોંધાયા છે. શહેરમાં સારવાર લેતા દર્દીઓની સંખ્યા 6 હજારને પાર પહોંચી ગઈ છે. તો વડોદરા ગ્રામ્ય વિસ્તારોમાં પણ કોરોનાના દર્દીઓની સંખ્યામાં ઉછાળો થયો છે. 

મોત વધતા અંતિમ ક્રિયા માટે લાકડાની માંગ વધી 
શહેર તેમજ આસપાસના સ્મશાનોમાં અંતિમ ક્રિયાનો આંકડો સતત વધી રહ્યો છે. આ કારણે સ્મશાનોમાં લાકડાની માંગમાં તોતિંગ વધારો થયો છે. કોરોના મહામારીના કારણે લાકડાની માંગમાં ચાર ગણો વધારો થયો છે. કોરોનાની બીજી લહેર પહેલા રોજ ચાર ટન લાકડાની જરૂર પડતી હતી, ત્યારે હાલ માંગ વધીને 16 થી 18 ટન પહોંચી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news