હવે આંદોલનથી જ જળ આવશે, બનાસકાંઠાના 125 ગામોએ તળાવની માટી કળશમાં ભરીને સંકલ્પ કર્યો

125 ગામોના હજારો ખેડૂતો ટ્રેક્ટરો દ્વારા કરમાવત તળાવ ખાતે પહોંચ્યા હતા અને ત્યાં જઈને તેમને શાસ્ત્રોક્ત વિધિ દ્વારા કરમાવત તળાવમાં ભૂમિપૂજન કર્યું 

હવે આંદોલનથી જ જળ આવશે, બનાસકાંઠાના 125 ગામોએ તળાવની માટી કળશમાં ભરીને સંકલ્પ કર્યો

અલકેશ રાવ/બનાસકાંઠા :બનાસકાંઠામાં પાણીના તળ ઊંડા જતા અનેક તાલુકા મથકોમાં પાણીની વિકટ સમસ્યા ઉભી થતાં ઠેર ઠરે જળ આંદોલન થઈ રહ્યા છે, ત્યારે વડગામના વાસીઓએ અનોખુ આંદોલન શરૂ કર્યુ છે. કરમાવત તળાવમાં પાણી ભરવાની સાથે 125 ગામોના ખેડૂતોએ કરમાવત તળાવમાં પહોંચી ભૂમિપૂજન કર્યુ હતું. તેમજ તળાવની માટી કળશમાં ભરીને પોતાના ગામડાઓમાં લઈ જઈને તળાવ ભરવાની માંગ સાથે જળ આંદોલનની શરૂઆત કરી છે.

બનાસકાંઠાના વડગામના જલોત્રા નજીક આવેલ કરમાવત તળાવમાં પાણી ભરવાની માંગ સાથે આજે વડગામ અને પાલનપુર તાલુકાના 125 ગામોના ખેડૂતો એકઠા થયા હતા. સભા ભરીને જળ આંદોલનની શરૂઆત કરી હતી. જોકે ત્યાર બાદ 125 ગામોના હજારો ખેડૂતો ટ્રેક્ટરો દ્વારા કરમાવત તળાવ ખાતે પહોંચ્યા હતા અને ત્યાં જઈને તેમને પંડિતની ઉપસ્થિતમાં શાસ્ત્રોક્ત વિધિ દ્વારા કરમાવત તળાવમાં ભૂમિપૂજન કર્યું હતું અને ત્યાર બાદ ખેડૂતોએ પોતાના સાથે લાવેલ કળશમાં કરમાવત તળાવની પવિત્ર માટી ભરી હતી. કરમાવત તળાવ ભરવાની માંગ સાથે આંદોલન કરવાનો સંકલ્પ કર્યો હતો. ખેડૂતો કળશમાં ભરેલ માટી પોતાના ગામડાઓમાં લઇ જઇ મંદિરમાં લઈ જઈને તેનું પૂજન કરીને ગામના લોકો સાથે સંકલ્પ કરીને કરમાવત તળાવ ભરવાની માંગને પ્રબળ બનાવવાનો નિર્ધાર કર્યો હતો. 

ઉનાળામાં વડગામના મોટાભાગના અને પાલનપુરના અનેક ગામડાઓમાં પાણીની વિકટ પરિસ્થિતિ ઉભી થઇ છે. સિંચાઇ માટે પાણીની તંગી વર્ષોથી છે, પણ હવે પીવાના પાણીની પણ સમસ્યા સર્જાય તેમ છે. જેથી 125 ગામોના લોકો તાત્કાલિક કરમાવત તળાવમાં નર્મદાના પાણી નાંખી તળાવને ભરવાની માંગ કરી રહ્યા છે. જેથી આ પંથકમાં પાણીના તળ ઊંચા આવે અને ખેડૂતોની પાણીની સમસ્યાનો અંત આવે. જેથી ખેડૂતો સહિત મહિલાઓએ આજે કરમાવત તળાવમાં પહોંચીને તળાવ ભરવાની માંગ કરી હતી.

ખેડૂત શામળભાઈ પટેલે જણાવ્યું કે, અમારા ગામમાં પાણીના તળ ખૂબ જ ઊંડા ગયા છે, આજે અમે અહીં આવીને ભૂમિ પૂજન કર્યું છે. અમે અહીંથી કળશમાં માટી ભરીને અમારા ગામમાં લઈ જીઈને લોકોને તળાવ ભરવાની માંગનો સંકલ્પ લીધો છે. પાણી વગર અમારે જીવવું જ કેવી રીતે અમારી ખેતી સુકાઈ રહી છે, પશુઓ માટે પાણી નથી. આ તળાવ ભરવામાં આવે તેવી અમારી માંગ છે.

આ પણ વાંચો : 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news