VADODARA: એમ.એસ યુનિવર્સિટીમાં પણ ભરતી કૌભાંડ, શિક્ષિકા ધ્રુસ્કે ધ્રુસ્કે રડી પડી
Trending Photos
રવિ અગ્રવાલ/વડોદરા : શહેરની એમ એસ યુનિવર્સિટીમાં ભરતી કૌભાંડના આક્ષેપ મામલે રાજ્ય સરકારે તપાસ સમિતિ બનાવી છે, જે સમિતિના સભ્યોએ સતત બીજા દિવસે યુનિવર્સટીમાં તપાસ કરી સેનેટ સિન્ડિકેટ સભ્યોના નિવેદનો લીધા હતા. એમ એસ યુનિવર્સિટીના સેનેટ સિન્ડિકેટ સભ્યો અને ધારાસભ્ય કેતન ઈનામદારે મુખ્યમંત્રી, શિક્ષણમંત્રી અને પ્રદેશ ભાજપ પ્રમુખને પત્ર લખી ભરતી કૌભાંડની તપાસ કરાવવા માંગ કરી હતી. જેના આધારે સરકારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પ્રિન્સિપાલ એ એસ રાઠોડ અને ઉત્તર ગુજરાત યુનિવર્સીટીનાં પ્રિન્સિપાલ આર એમ મોડની બે સભ્યોની કમિટી બનાવી યુનિવર્સિટીમાં ભરતી પ્રક્રિયામાં તપાસ કરવાના આદેશ આપ્યા છે.
કમિટીના સભ્યોએ સતત બીજા દિવસે યુનિવર્સિટીમાં સેનેટ સિન્ડિકેટ સભ્યો, શિક્ષકો અને અધ્યાપકોના નિવેદનો લીધા તેમની પાસેથી ભરતીમાં થયેલી ગેરરીતિના પુરાવાઓ પણ મેળવ્યા હતા. ભરતીમાં ગેરરીતિના આક્ષેપ મામલે સેનેટ સિન્ડિકેટ સભ્યોએ સરકારની તપાસ કમિટી પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે, સાથે જ રાજ્ય સરકારનો આભાર પણ વ્યક્ત કર્યો. હાલ તો સમગ્ર મુદ્દે તપાસ થશે.
સરકારે બનાવેલી તપાસ કમિટી સમક્ષ યુનિવર્સિટી સંચાલિત એક્સપરિમેન્ટલ સ્કૂલમાં 7 વર્ષ સુધી શિક્ષકની નોકરી કરતાં દીપા પટેલ પણ પહોંચ્યા હતા. જેમાં તેમણે કમિટીને કેટલાક પુરાવાઓ રજુ કર્યા હતા. જેમાં યુનિવર્સિટીએ રાતોરાત શિક્ષકને નોકરીમાંથી છુટ્ટા કર્યા હતા. તેમની જગ્યાએ યુનિવર્સિટીમાં પ્રોફેસર મંકોડીના પુત્રી પૃથા મંકોડીને નોકરી પર રાખી લીધા. નોકરીમાંથી છુટ્ટા કરવામાં આવેલ શિક્ષિકા મીડિયા સામે વાત કરતાં કરતાં રડી પણ પડ્યા હતા. યુનિવર્સિટીમાં સગાવાદ ચાલતો હોવાનો આક્ષેપ પણ કર્યો હતો. જ્યારે યુનિવર્સિટીના રજિસ્ટ્રારએ કહ્યું કે, સરકારે ભરતી કૌભાંડના આક્ષેપ મામલે તપાસ સમિતિ બનાવી છે. જેના અધિકારીઓ તપાસ કરવા આવ્યા છે, યુનિવર્સિટી તપાસ સમિતિને સંપૂર્ણ સહયોગ કરશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે