આ તે કેવી મનમાની : મન કી બાત કાર્યક્રમમાં ગેરહાજર વિદ્યાર્થિનીઓને દંડ ફટકારાયો

Mann Ki Baat : પ્રધાનમંત્રી મોદીના મન કી બાત કાર્યક્રમમાં હાજર ન રહ્યા, તો વડોદરાની એમએસ યુનિવર્સિટીએ હોસ્ટેલની વિદ્યાર્થીનીઓ પાસેથી દંડ વસૂલ્યો

આ તે કેવી મનમાની : મન કી બાત કાર્યક્રમમાં ગેરહાજર વિદ્યાર્થિનીઓને દંડ ફટકારાયો

Vadodara News : તાજેતરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મન કી બાત કાર્યક્રમનો 100 મો એપિસોડ યોજાયો હતો. દેશભરમાં મન કી બાત સાંભળવાનો કાર્યક્રમ વિવિધ સ્થળોએ યોજવામાં આવ્યો હતો. પરંતુ મન કી બાત કાર્યક્રમમાં હાજર ન રહેનાર વિદ્યાર્થીઓને દંડ ફટકારાયો હોય તેવો કિસ્સો સામે આવ્યો છે. વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલમાં મન કી બાત કાર્યક્રમમાં હાજર નહિ રહેનાર વિદ્યાર્થીનીઓ પાસેથી 50 રૂપિયા દંડ લેવામાં આવ્યો હોવાનું બહાર આવ્યું છે. જોકે, આ બાદ યુનિવર્સિટીના સત્તાધીશોએ ઢાંકપિછોડો કરવાનો પ્રયાસ કર્યો હતો. બાદમાં યુનિવર્સિટીના સત્તાધીશોએ દંડની રકમ પરત કરી હતી. 

વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીના ગર્લ્સ અને બોયઝ હોસ્ટેલ કેમ્પસમાં આવેલા તમામ હોલમાં ગત રવિવારે પીએમ મોદીના મન કી બાત કાર્યક્રમના ૧૦૦મા એપિસોડનુ પ્રસારણ કરવામાં આવ્યુ હતુ. આ કાર્યક્રમમાં હાજર રહેવા તમામ વિદ્યાર્થીઓને ફરજિયાત રહેવા સૂચના આપવામાં આવી હતી. પરંતુ ગર્લ્સ હોસ્ટેલની વિદ્યાર્થીનીઓની પરીક્ષા હોવાને કારણે તેઓ કાર્યક્રમમાં હાજર રહી શકી ન હતી. 

તો બીજી બાજુ, ગર્લ્સ હોસ્ટેલમાં આવેલા કે જી હોલમાં મન કી બાત કાર્યક્રમમાં યુવતીઓ હાજર રહી શકી ન હતી. તેથી તેમની ગેરહાજરીની નોંધ કાર્યક્રમમાં લેવાઈ હતી. બીજા દિવસે ગેરહાજર 20 જેટલી વિદ્યાર્થીનીઓ પાસેથી 50 રૂપિયા દંડ વસૂલવામાં આવ્યો હતો. મન કી બાત કાર્યક્રમમાં હાજર ન રહેનાર વિદ્યાર્થીનીઓએએ 50 રૂપિયા દંડ પેટે ભર્યા હતા.

તો વિદ્યાર્થીનીઓએ દંડ આપીને બીજા દિવસે રિસીપ્ટ માંગી હતી કે, તેઓએ કઈ બાબતનો દંડ ભર્યો છે. તેથી આ મુદ્દે વિવાદ વધશે તેવુ લાગતા જ હોસ્ટલના સત્તાધીશોએ દંડની રકમ પરત આપી હતી. 

તો બીજી તરફ, કેજી હોલના વોર્ડને મન કી બાત સાંભળવા માટે હાજર નહીં રહેનાર વિદ્યાર્થિનીઓ પાસેથી દંડ લેવાની વાતને ખોટી ગણાવીને કહ્યુ હતુ કે, આવી કોઈ ઘટના બની જ નથી.જે પણ ચર્ચાઓ ચાલી રહી છે તે સાવ ખોટી છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news