સુરત : તાપીના પાણી શહેરમાં ન પ્રવેશે માટે ફ્લડ ગેટ બંધ કરાયા, તો બીજી સમસ્યા ઉભી થઈ
Trending Photos
તેજશ મોદી/સુરત :તાપી નદીના ઉપરવાસમાં થયેલા ભારેથી અતિભારે વરસાદને પગલે ઉકાઈ ડેમની સપાટી રુલ લેવલ વટાવી ચૂકી છે. ઉકાઈ ડેમની હાલની સપાટી હાલ 337.24 ફૂટ થઈ છે. ઉકાઈ ડેમમાં પાણીની આવક 2 લાખ ક્યૂસેક છે. જ્યારે 1.92 લાખ ક્યૂસેક પાણી તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. પાણી છોડવામાં આવતા કોઝવેનું સ્તર ભયજનકથી 3.5 મીટર ઉપર વહેતાં તાપી નદીનાં પાણી શહેરમાં ન પ્રવેશે તે માટે સેન્ટ્રલ ઝોનના પાંચ અને કતારગામ ઝોનના બે ફ્લડગેટ બંધ કરવામાં આવતાં ગટરિયાં પૂર લોકોનાં ઘરમાં ઘૂસવા માંડ્યા છે.
ઉકાઇ ડેમના ડાર્ક ઝોનમાં ભારે વરસાદના કારણે ડેમમાં 6 લાખ ક્યુસેક જેટલો પાણીઓ આવરો થઇ રહ્યો હતો. પરિસ્થિતિને ધ્યાને લઇને મનપા કમિશનર અને કલેક્ટર સાથે સિંચાઇ વિભાગની બેઠકમાં આગામી દિવસોમાં વરસાદની પરિસ્થિતિ તેમજ તાપી નદીની વહન ક્ષમતા અંગે ચર્ચા કરવામાં આવી હતી. સિંચાઇ વિભાગ અને પીવાના પાણી સહિતની બાબતોને ધ્યાને લઇને તાપી નદીની સુરત શહેરમાં વહન ક્ષમતા 2 લાખ ક્યુસેક હોવાનું જણાયું હતું. જેને ધ્યાને લઇને ડેમમાંથી 1.92થી 1.95 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું. રુલ લેવલ મેઇન્ટન કરવા ગણતરી કરીને પાણી છોડવામાં આવે છે.
ઉકાઈમાંથી પાણી છોડતા શહેરનો વિયરકમ કોઝવે પાણીમાં ગરકાવ થયો છે. કોઝવેની ભયજનક સપાટી 6 મીટર છે. જ્યારે અત્યારે તાપી કોઝવેથી 3.8 મીટર ઉપરથી વહી રહ્યો છે. હાલ કોઝવે પર પાણીનું લેવલ 9.8 મીટર છે. શહેરમાં તાપી નદીના પાણી નહી પ્રવેશે તે માટે ફ્લડ ગેટો બંધ કરી દેવામાં આવ્યાં છે. જેને કારણે સ્ટ્રોર્મ ડ્રેનેજના પાણી બેક મારતાં ગટરિયા પુર આવ્યા હતાં. ત્યારે ડીવોટરીંગ પંપની મદદથી પાણીના નિકાલની કામગીરી કરાઈ રહી છે. સેન્ટ્રલ ઝોનના 5 અને કતારગામ ઝોનના 3, રાંદેર ઝોનના 3 ફ્લડ ગેટો બંધ કરવામાં આવ્યાં છે.
શહેરના કાદરશાળની નાળ, ભરીમાતા, હોડી બંગલો, પંડોળ સહિતના વિસ્તારમાં ગટરનાં પાણી બેક મારતાં 2થી 3 ફૂટ જેટલા પાણી લોકોના ઘરમાં ભરાઈ ગયાં હતાં. જ્યારે અડાજણમાં સરિતાસાગર પાસેથી તાપીનું પાણી ઘૂસવાનું શરૂ થતાં લોકોના જીવ પડીકે બંધાઈ ગયા હતા. અડાજણના રેવાનગરમાંથી 250 લોકોનું સ્થળાંતર કરી નજીકની સરકારી શાળામાં રહેવા માટે વ્યવસ્થા કરવામાં આવી હતી. ધાસ્તીપુરા વિસ્તારમાં પાણી ભરાતા ખાનસાબના ભાઠુના 50 જેટલા સ્થાનિક રહીશોનુ સ્થળાંતર કરી ને તેઓને સોદાગરવાડ સ્કૂલ નંબર 145 ખાતે રાખવામાં આવ્યાં છે. તેઓને ફૂડ પેકેટ વિતરણ કરાયું હતું. પાણી વધતાં સાવચેતીરૂપ વરીયાવ વિસ્તારના હળપતિવાસ ખાતે રહેતાં 107 લોકોનું સ્થળાંતર સલામત સ્થાને કરવામાં આવ્યું હતું.
સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે