અમદાવાદના આ વિસ્તાર માટે જાહેર થયા ટ્રાફિકના નવા નિયમો, પોલીસ કમિશનરનું જાહેરનામું
25 ડિસેમ્બરથી અમદાવાદના કાંકરિયા તળાવમાં કાર્નિવલની શરૂઆત થવાની છે. આ દરમિયાન ત્યાં મોટી સંખ્યામાં લોકો પહોંચતા હોય છે. તેવામાં અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા ટ્રાફિક અંગે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
Trending Photos
અમદાવાદઃ અમદાવાદ શહેરના કાગડાપીઠ તથા મણિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ કાંકરિયા તળાવ ખાતે 'કાંકરિયા કાર્નિવલ' ઉત્સવનું આયોજન તા.૨૫/૧૨/૨૦૨૪થી તા.૩૧/૧૨/૨૦૨૪ સુધી કરવામાં આવનાર છે. આ માટે અમદાવાદ શહેર પોલીસ કમિશનર , જી.એસ.મલિક દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. સુચારુ ટ્રાફિક નિયમનની જાળવણીના હેતુસર નીચે જણાવેલ વિસ્તારને 'નો પાર્કિંગ ઝોન' તથા 'નો સ્ટોપ' તથા 'નો યુ ટર્ન' જાહેર કરવામાં આવ્યો છે.
(૧) કાંકરિયા ચોકી ત્રણ રસ્તા થઈ રેલવે યાર્ડ થઈ ખોખરા બ્રિજ, દેડકી ગાર્ડન, સિદ્ધિ વિનાયક હોસ્પિટલ ચાર રસ્તા, મચ્છી પીર ચાર રસ્તા થઈ પુષ્પકુંજ સર્કલ થઈ અપ્સરા સિનેમા ચાર રસ્તા થઇ ફુટબોલ ચાર રસ્તા થઈ લોહાણા મહાજનવાડી થઈ પરત કાંકરિયા ચોકી સુધીના સર્કલ ઉપર તેમજ સમગ્ર કાંકરિયા તળાવ ફરતે ટુ વ્હીલરથી ઉપરના કોઈ પણ પ્રકારનાં વાહનો સ્ટોપ થઇ શકશે નહીં. વળી, તમામ વાહનો નિર્ધારિત પાર્કિંગ જગ્યા સિવાય બીજી કોઈ પણ જગ્યાએ પાર્ક થઈ શકશે નહીં.
(૨) સમગ્ર કાંકરિયા તળાવ ફરતે સર્કલ રોડ ટુ લેનમાં હોવા છતાં કોઈ પણ જગ્યાથી યુ ટર્ન લઇ શકાશે નહીં. આ સમગ્ર વિસ્તારને 'નો યુ ટર્ન' ઝોન તરીકે જાહેર કરવામાં આવે છે.
(૩) તેમજ પોલીસ કમિશનર, અમદાવાદ શહેર નાઓના આમુખમાં નિર્દિષ્ટ કરેલ જાહેરનામાઓથી શહેરમાં અવર-જવર કરવા ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવેલ છે તેવા તમામ પ્રકારના માલવાહક અને પેસેન્જર વાહનોની નીચે જણાવેલ માર્ગો પર સવાર કલાક ૮.૦૦થી રાત્રિના કલાક ૦૧.૦૦ સુધી અવર- જવર કરવા ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવે છે.
દાણીલીમડા ચાર રસ્તા થઇ શાહ આલમ થઇ કાંકરિયા તરફ આવતો મુખ્ય રોડ.
ચંડોળા પોલીસ ચોકી ત્રણ રસ્તાથી શાહ આલમ થઈ કાંકરિયા તરફ આવતો મુખ્ય રોડ.
મણિનગર રેલવે સ્ટેશનથી મણિનગર ચાર રસ્તાથી રામબાગ ચાર રસ્તા થઇ કાંકરિયા તરફ આવતો રોડ.
કાગડાપીઠ ટીથી વાણિજ્ય ભવન થઈ કાંકરિયા તરફ આવતો રોડ.
રાયપુર દરવાજાથી બીગબજારથી પારસી અગિયારી ચાર રસ્તા થઇ કાંકરિયા તરફ આવતો મુખ્ય રોડ.
ગુરુજી બ્રિજથી આવકાર હોલ ચાર રસ્તાથી હીરાભાઈ ટાવરથી ભૈરવનાથ ચાર રસ્તા થઈ કાંકરિયા તરફ આવતો રોડ.
અપવાદ : સદર કાર્યક્રમ સાથે સંકળાયેલાં વાહનો, ફરજમાં રોકાયેલાં સરકારી વાહનો, ફાયર બ્રિગેડ, એમ્બ્યુલન્સનાં વાહનો તેમજ આકસ્મિક સંજોગોમાં વાહન સાથે અવર-જવર કરનારને આ જાહેરનામું લાગું પડશે નહી.
આ જાહેરનામાનો અમલ ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ની કલમ-૩૩ની જોગવાઈ હેઠળ મહત્તમ સમયમર્યાદાને આધિન રહીને તા.૨૫/૧૨/૨૦૨૪થી તા.૩૧/૧૨/૨૦૨૪ સુધી કરવાનો રહેશે.
આ જાહેરનામાના આદેશોનું ઉલ્લંઘન કરનાર ઇસમ ભારતીય ન્યાય સંહિતા (BNS) ૨૦૨૩ની કલમ-૨૨૩ અને ગુજરાત પોલીસ અધિનિયમ કલમ ૧૩૧ મુજબ શિક્ષાને પાત્ર થશે.
આ હુકમ અન્વયે અમદાવાદ કમિશ્નરેટમાં ફરજ બજાવતાં સંયુક્ત/અધિક પોલીસ કમિશનરના દરજ્જાથી પોલીસ કોન્સ્ટેબલ સુધીનો હોદ્દો ધરાવનાર તમામ પોલીસ અધિકારી / કર્મચારીઓને આ જાહેરનામાનો ભંગ કરનાર ઇસમો સામે ભારતીય ન્યાય સંહિતા (BNS) ૨૦૨૩ની કલમ-૨૨૩ તથા ગુજરાત પોલીસ અધિનિયમ કલમ-૧૩૧ મુજબ ફરિયાદ માંડવા માટે અધિકૃત કરવામાં આવે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે