આ વખતે સફેદ રણની ચમક માણવા જોવી પડશે લાંબી રાહ! દિવાળી પર પ્લાન હોય તો જાણી લેજો!
વિશ્વ વિખ્યાત આ રણ આ વર્ષે કચ્છમાં આવેલ અતિભારે વરસાદના કારણે હજુ સુધી કચ્છના સફેદ રણમાં પાણી ભરાયેલું છે અને દરિયાની જેમ ઠેર ઠેર પાણી જ જોવા મળી રહ્યું છે. સફેદ રણના આ દ્ર્શ્યો દરિયા જેવા દેખાઈ રહ્યા છે.
Trending Photos
રાજેન્દ્ર ઠક્કર/કચ્છ: કચ્છનું સફેદ રણ કે જે દુનિયાભરના લાખો પ્રવાસીઓને આકર્ષે છે અને લાખો પ્રવાસીઓ નવેમ્બરથી ફેબ્રુઆરી સુધીમાં રણોત્સવની મુલાકાતે આવતા હોય છે. વિશ્વ વિખ્યાત આ રણ આ વર્ષે કચ્છમાં આવેલ અતિભારે વરસાદના કારણે હજુ સુધી કચ્છના સફેદ રણમાં પાણી ભરાયેલું છે અને દરિયાની જેમ ઠેર ઠેર પાણી જ જોવા મળી રહ્યું છે. સફેદ રણના આ દ્ર્શ્યો દરિયા જેવા દેખાઈ રહ્યા છે. સફેદ રણની ચમક હજુ સુધી પ્રવાસીઓને જોવા નહીં મળે દૂર દૂર સુધી જ્યાં નજર પહોંચે છે ત્યાં પાણી જ પાણી જોવા મળે છે.
કચ્છ માત્ર સફેદ રણનો નજારો માણવા વિશ્વભરના પ્રવાસીઓ અન્ય રાજ્યો અને દેશોથી આવતા હોય છે તેઓને આ વખતે સફેદ રણનો નજારો જોવા વગર જ પરત જવું પડશે. હજુ દોઢથી બે મહિના સુધી પાણી અહી નહીં સુકાય અને પ્રવાસીઓ કે જે સફેદ રણનો નજારો જોવા આવતા હોય છે તેઓ પાણી જોઈને વિલા મોઢે પરત ફરવું પડશે.તો આગામી 11 નવેમ્બર થી કચ્છના સફેદ રણમાં ઉજવાતો રણોત્સવ યોજવા જઈ રહ્યો છે ત્યારે હજુ સુધી રણમાં વરસાદના પાણી ભરાયાં છે જેને લીધે હજુ સુધી મીઠું પાક્યું નથી માટે આ વખતે રણોત્સવની મજા પણ ખરાબ થશે તેવું લાગી રહ્યું છે.
રણોત્સવ જે સ્થળે યોજાય છે તે ગામના સરપંચ મિયા હુસેને જણાવ્યું હતું કે,રણમાં પાણી તો ભરાયેલું છે પરંતુ નવેમ્બર મહિનાના અંત સુધીમાં રણ બની જશે જેથી કરીને ડિસેમ્બરમાં લોકો રણની મજા માણી શકશે.હાલમાં વારંવાર કમોસમી વરસાદ વરસી રહ્યો છે જેને કારણે રણનો માહોલ મોડું થતું જઈ રહ્યુ છે.હવે જો વરસાદ ના થાય તો રણમાં ભરાયેલ પાણી સુકાઈ જશે અને ડિસેમ્બરમાં પ્રવાસીઓ રણોત્સવ માણી શકશે.
સામાન્ય રીતે પ્રવાસીઓ તો દિવાળી વેકેશન શરૂ થતાની સાથે જ કચ્છ ફરવા આવી જતા હોય છે.પરંતુ રણમાં હાલમાં પાણી છે ત્યારે રણમાં આવીને પાણીની મજા માણી શકે અને અમુક સ્થળોએ રણના પેચ જોઈ શકે બાકી કચ્છના અન્ય પ્રવાસનના સ્થળો પર તેઓ પ્રવાસ માણી શકે છે.આ ઉપરાંત ધોરડો થી ધોળાવીરા રોડ ટુ હેવન પણ ખૂબ સારો નજારો હોય છે તો ધોળાવીરા પાસે પણ સફેદ રણનો નજારો જોવા મળે છે.
ઉલ્લેખનીય છે કે વર્ષ 2023-24માં યોજાયેલ રણોત્સવમાં 945 વિદેશી સહિત 4.24 લાખ પ્રવાસી આવ્યા હતા અને સરકારને 3.67 કરોડની આવક થઈ હતી. ત્યારે આ વર્ષે રણમાં પહોંચતા વાર સુધી જે જવાનો રસ્તો છે ત્યાં સુધી બંને તરફ પાણી પાણી જોવા મળી રહ્યો છે ત્યારે આ વખતે દોઢ બે મહિના સુધી પાણી જો નહીં સુકાય તો પ્રવાસીઓ માં જે રણોત્સવ અને કચ્છના સફેદ રણની જે છાપ છે તેના પર અસર થઈ શકે છે અને જોવું એ રહ્યું કે પ્રવાસીઓ ક્યારથી કચ્છના સફેદ રણનો નજારો માણી શકશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે