ગુજરાતના આ વિસ્તારોમાં વાવાઝોડા સાથે કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડ્યો, રાજકોટના પાટીયાળી ગામે કરા પડ્યા

રાજકોટ સહિત સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારે પવન ફૂંકાયો છે. વીજળીના ચમકારા વચ્ચે વાવાઝોડા જેવું વાતાવરણ ઉભું થયું છે. જ્યારે સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં વરસાદી વાતાવરણ વચ્ચે છાંટા પડ્યા છે.

ગુજરાતના આ વિસ્તારોમાં વાવાઝોડા સાથે કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડ્યો, રાજકોટના પાટીયાળી ગામે કરા પડ્યા

ઝી બ્યુરો/અમદાવાદ: હવામાન વિભાગની આગહી મુજબ આજે પણ રાજ્યના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદ પડી રહ્યો છે. રાજકોટ જિલ્લામાં સતત બીજા દિવસે માવઠું પડ્યું છે. ગોંડલના પાટીયાળી ગામે કરા સાથે કમોસમી વરસાદ વરસ્યો છે. ગાજવીજ સાથે વરસાદ થતાં ઘઉં, જીરું, લસણના પાકને નુકશાન જવાની ભીતિ સેવાઈ રહી છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારે પવન ફૂંકાયો છે. વીજળીના ચમકારા વચ્ચે વાવાઝોડા જેવું વાતાવરણ ઉભું થયું છે. જ્યારે સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં વરસાદી વાતાવરણ વચ્ચે છાંટા પડ્યા છે.

રાજકોટ જિલ્લામાં ભારે વરસાદ

રાજકોટના કોટડા સાંગાણી રોડ પર જમ્મુ કાશ્મીર જેવો માહોલ બન્યો છે. રોડ પર બરફના કરાનો ઠગલા થયા છે. ભારે પવનથી મોટા કરા પડતા રોડ પર બરફની ચાદર છવાઇ ગઈ છે. સોશ્યલ મીડિયામાં હાલ કરાનો અને કરા સાથે રોડનો વિડીયો વાયરલ થયો છે. કમોસમી વરસાદ રાજકોટ જિલ્લાના અમુક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા છે. ઉનાળામાં કમોસમી વરસાદ પડતા ખેડૂતોના પાકને નુકસાન થશે. ગોંડલ તાલુકાના પાટીયાળી ગામે કમોસમી વરસાદ સાથે કરા પડ્યા. તો લોધીકા તાલુકાના પણ અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે. ગાજવીજ સાથે કમોસમી વરસાદ પડતા ખેડૂતો ચિંતિત બન્યા છે. ભારે વરસાદ પડશે તો ઘઉં, જીરુ, લસણ સહિતના પાકને મોટા પ્રમાણમાં નુકસાન થશે. કમોસમી વરસાદથી જગતનો તાત ચિંતાતુર બન્યો છે.

સિહોર પંથકમાં વરસાદ
સિહોર પંથકમાં વરસાદ હવામાન વિભાગની આગાહીના પગલે જિલ્લામાં વરસાદી માહોલ બન્યો છે. ભાવનગર બાદ સિહોર પંથકમાં વરસાદ શરૂ થયો છે. સિહોર શહેરમાં કડાકા ભડાકા સાથે વરસાદી માહોલ બન્યો છે. હાલ જોરદાર પવનના સુસવાટા સાથે ધીમીધારે વરસાદ શરૂ થયો છે. સિહોરના અમુક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો છે. તાલુકા પંથકમાં મીની વાવાઝોડા જેવી સ્થિતિ બની છે.

બોટાદમાં કડાકા ભડાકા સાથે વરસાદ 
બોટાદમાં પણ વરસાદી માહોલ છે. બોટાદ શહેર અને જિલ્લામાં વાતાવરણમાં પલ્ટો આવ્યો છે. શહેર અને જિલ્લામાં જોરદાર પવનના સુસવાટા સાથે કડાકા ભડાકા સાથે વરસાદ શરૂ થયો છે. બોટાદ શહેરમાં મીની વાવાઝોડું જેવી સ્થિતિ બની છે. વીજપુરવઠો ખોરવાયો છે. જિલ્લાના બોટાદ, ગઢડા, બરવાળા પંથકમા કડાકા ભડાકા સાથે વરસાદી માહોલ બન્યો છે.

ભાવનગરમાં કડાકા ભડાકા સાથે વરસાદ
ભાવનગરમાં વરસાદ વરસી રહ્યો છે. સાંજે શહેરના વાતાવરણમાં એકાએક ફેરફાર થયો હતો અને ત્યારબાદ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ શરૂ થયો છે. વીજળીના ચમકારા સાથે શહેરમાં ધીમીધારે વરસાદ પડી રહ્યો છે.

અમરેલી જીલ્લામાં વરસાદ
અમરેલી જીલ્લામાં સતત બીજા દિવસે કમોસમી વરસાદ પડી રહ્યો છે. ધારી પંથકમાં સતત બીજા દિવસે કમોસમી વરસાદના ઝાપટા પડતા ખેડુતો ચિંતાતુર બન્યા છે. અમરેલીના ગોવિંદપુર, કુબડા, સુખપુર, દલખાણીયા સહિતના ગામોમાં કમોસમી વરસાદના હળવા ઝાપટાં પડ્યા છે. સતત બીજા દિવસે કમોસમી વરસાદના ઝાપટા પડતા ખેતી પાકને નુકસાન પહોંચ્યું છે. તમને જણાવી દઈએ કે ગઈકાલે પણ આ જ વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો.

પાટીયાળી ગામે કમોસમી વરસાદ સાથે કરા પડ્યા
ગોંડલ તાલુકાના પાટીયાળી ગામે કમોસમી વરસાદ સાથે કરા પડ્યા છે. ગાજવીજ સાથે કમોસમી વરસાદ પડતા ખેડૂતો ચિંતિત બન્યા છે. ભારે વરસાદ પડશે તો ઘઉં, જીરુ, લસણ સહિતના પાકને મોટા પ્રમાણમાં નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.

લોધીકા પંથકમાં વરસાદ
રાજકોટના લોધીકા પંથકમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ ચાલુ થયો છે. કમોસમી વરસાદને લઈ ખેડૂતોમાં ચિંતાના વાદળો ઘેરાયા છે. લોધીકા પંથકના વિવિધ ગામડાઓમાં કમોસમી વરસાદ વરસ્યો છે.

કોલાવડ રોડ પર ભારે પવન સાથે વરસાદ
કાલાવડ રોડ ઉપર ધૂળની ડમરી ઉડી છે. ભારે પવન ફૂંકાતા વાતાવરણમાં એકાએક પલટો આવ્યો છે. તેમજ ભારે પવન સાથે વરસાદી માહોલ સર્જાયો છે. 

કોલીથડમાં કમોસમી વરસાદ 
ગોંડલના કોલીથડમાં કમોસમી વરસાદ થયો છે. ગોંડલના કોલીથડ ગામમાં કરા પડ્યા છે તેમજ ગાજવીજ સાથે વરસાદ વરસ્યો છે. કમોસમી વરસાદથી જગતનો તાત ચિંતાતુર બન્યો છે.

આજે પણ કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદની શક્યતા 
હવામાન વિભાગની આગહી મુજબ રાજ્યના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદની શક્યતા છે. 5 માર્ચે ઉત્તર ગુજરાતમાં પણ વરસાદ વરસી શકે છે. 7 માર્ચ સુધી સોરાષ્ટ્ર-કચ્છ સહિત જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે.  6 અને 7 તારીખે સુરત, નવસારી, વલસાડમાં વરસાદની શક્યતા છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને અરબી સમુદ્રમાં સક્રિય થયેલા ટ્રફની અસરથી રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news