શક્તિપીઠ અંબાજીના મોહનથાળનો પ્રસાદ ભાજપને ભારે પડ્યો, હવે નેતાઓ કરી રહ્યા છે ખુલાસા

મહેસાણાના ભાજપના નેતા રજની પટેલના નામે સોશિયલ મીડિયામાં એક પોસ્ટ વાયરલ થઈ હતી. જેમાં મોહનથાળ બંધ કરાવી ચીકી ચાલુ થવામાં રજનીભાઇ પટેલનો હાથ હોવાના મેસેજ ફરતો થયો હતો. ત્યા

શક્તિપીઠ અંબાજીના મોહનથાળનો પ્રસાદ ભાજપને ભારે પડ્યો, હવે નેતાઓ કરી રહ્યા છે ખુલાસા

ઝી બ્યુરો/અંબાજી: શક્તિપીઠ અંબાજીમાં પ્રસાદનો વિવાદ સતત ઘેરાઈ રહ્યો છે. શ્રદ્ધાળુઓ અને સામાજિક સંગઠનોએ મોહનથાળની જગ્યાએ ચિકીનાં પ્રસાદનો વિરોધ કર્યો છે. શક્તિ ભક્તિ અને આસ્થાના કેન્દ્ર સમાન માઁ અંબાના ધામ અંબાજી મંદિરમાં ભક્તોને મળતો મોહનથાળનો પ્રસાદ વહીવટી તંત્ર દ્વારા બંધ કરી દેવાતા ભક્તોમાં રોષ વ્યાપ્યો છે જેને લઇને હવે ભાજપના નેતાઓની પણ મુશ્કેલી વધતી જઈ રહી છે. અંબાજીમાં મોહનથાળ કે ચીકીનો પ્રસાદ બન્ને માંથી કોની પસંદગી કરવી તે ભાજપના નેતાઓ માટે ગળાનું હાંડકું બની રહ્યું છે. હાલ ભાજપના બે નેતાઓને પ્રસાદ મુદ્દે ખુલાસાઓ કરવા પડી રહ્યા છે અને રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

મહેસાણાના ભાજપના નેતા રજની પટેલના નામે સોશિયલ મીડિયામાં એક પોસ્ટ વાયરલ થઈ હતી. જેમાં મોહનથાળ બંધ કરાવી ચીકી ચાલુ થવામાં રજનીભાઇ પટેલનો હાથ હોવાના મેસેજ ફરતો થયો હતો. ત્યારબાદ લોકોએ સોશિયલ મીડિયામાં અનેક કોમેન્ટો કરી હતી. આ મામલો જ્યારે તૂણ પકડતો જણાયો ત્યારે ભાજપના નેતા રજની પટેલે ખુલાસો કરવો પડ્યો હતો. અંબાજી મંદિરમાં મોહનથાળ બંધ કરવાનો મામલે રજની પટેલે ફેસબુક ઉપર પોસ્ટ કરી ખુલાસો કરતા જણાવ્યું હતું કે, ચીકીના ધંધામાં મારે તથા મારા પરિવારને કોઈ લેવા દેવા નહીં. જગત જનની માં અંબાજી મંદિરને રાજકીય લાભ ખાટવા થઈ રહેલા ઉપયોગ બાબતે દુઃખ વ્યક્ત કર્યું હતું. 

રજની પટેલે ફેસબુક પર કર્યો ખુલાસો
વોટ્સએપ પર ફોરવર્ડ થઈ રહેલ સદંતર ખોટા મેસજ માં અંબાજી ખાતે રજનીભાઈ પટેલ દ્વારા મોહનથાળ ના પ્રસાદ ને બંધ કરાવી ચીક્કી નો પ્રસાદ શરૂ કરાવવા પ્રયાસ થઈ રહ્યા છે જે તદ્દન પાયાવિહોણા મેસેજ છે મારે તથા મારા પરિવાર ને દુર દુર સુધી ચીકી ના ધંધા ને કોઈ લેવાદેવા નથી ,શરમ અને દુઃખ ની વાત છે કે દેશ ના પ્રમુખ યાત્રાધામો માં આવતું જગતજનની માં અંબા ના આસ્થાસ્થાન ને રાજકીય લાભ ખાટવા ઉપયોગ કરાઈ રહ્યો છે માં અંબા આવા લોકો ને સદબુધ્ધિ આપે એજ પ્રાર્થના.

ભાજપના નેતા યજ્ઞેશ દવેનો ખુલાસો
ભાજપના નેતા યજ્ઞેશ દવેએ અંબાજી મંદિરમાં પ્રસાદ મામલે જણાવ્યું હતું કે, એક બ્રાહ્મણ તરીકે મારી અંગત લાગણી છે કે અંબાજી મંદિરમાં મોહનથાળનો જ પ્રસાદ ચાલું રાખવો જોઈએ ચીકીનો પ્રયોગ ન કરવો જોઈએ. આ ટ્વિટ કર્યા બાદ અનેક લોકોએ ભાજપને નેતાઓ આડે હાથ લીધા હતા. જેથી ભાજપના નેતા યજ્ઞેશ દવેએ ખુલાસો કરવો પડ્યો હતો.

No description available.

ભાજપના નેતા યજ્ઞેશ દવેએ જણાવ્યું હતું કે, હું સામાજિક અગ્રણી સાથે ભાજપા કાર્યકર પણ છું ટૂંકા સમયમાં બગડી જતાં મોહનથાળના વિકલ્પે ચીક્કી પણ પ્રસાદ તરીકે પૌષ્ટિક અને લાંબો સમય ટકે છે. આપણે ત્યાં સીગ સાકર ભગવાનના પ્રસાદની પરંપરા છે. ભાજપા સરકાર સર્વધર્મ અને સંપ્રદાયનું સન્માન કરે છે મારા નિવેદનથી લાગ્ણી દુભાઈ હોય તો દિલગીરી છું.

ભારત રક્ષા મંચના સંયોજક કૌશલ જોશીએ જણાવ્યું કે, આવતી કાલે અમે બ્રહ્મ સમાજના અનેક સંગઠનો સહીત લોકો મોટી સંખ્યામાં જિલ્લા કલેકટરને આવેદન પાઠવીશું. જાગીરદાર જશવંતસિંહ વાઘેલાએ જણાવ્યું કે, અમે સૌ સમાજના લોકો આવતીકાલે ભેગા થઇ જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવીશું.

નોંધનીય છે કે, અંબાજી મંદિરમાં વર્ષોથી રાજભોગ તરીકે ચડાવવામાં આવતો મોહનથાળનો પ્રસાદ અંબાજી ટ્રસ્ટ અને વહીવટી તંત્ર દ્વારા બંધ કરી અને મોહનથાળની જગ્યાએ ચીકીનો પ્રસાદ આપવાનું શરૂ કરાતા ભક્તોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જો કે છેલ્લા બે દિવસથી આ નિર્ણય કરાતા ફક્ત બનાસકાંઠા જ નહીં પરંતુ સમગ્ર રાજ્યમાં આ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે. હેર ઠેર લોકો દ્વારા અલગ અલગ રીતે વિરોધ પ્રદર્શિત કરી મોહનથાળનો પ્રસાદ ચાલુ રાખવા માંગ કરાઈ રહી છે. 

જો આવતીકાલે એટલે કે સોમવાર સુધીમાં મોહનથાળનો પ્રસાદ શરૂ નહીં કરાય તો પાલનપુરમાં હિન્દુ સમાજના અનેક સંગઠનો પાલનપુરમાં આવેલી જિલ્લા કલેકટર કચેરી ખાતે પહોંચશે અને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી અંબાજીમાં મોહનથાળનો પ્રસાદ ચાલુ રાખવા માંગ કરાશે અને તે બાદ પણ જો માંગ નહીં સ્વીકારાય તો ઉગ્રમાં ઉગ્ર રજૂઆત કરવાની સંગઠનો દ્વારા ચીમકી ઉચ્ચારાઈ છે.

અંબાજી મંદિરમાં પ્રસાદ મામલે યાત્રિકોમાં સતત આક્રોશ જોવા મળી રહ્યો છે. મોહનથાળનો પ્રસાદ બંધ કર્યાનો આજે બીજો દિવસ છે. રવિવારના પગલે અંબાજી મંદિરમાં શ્રદ્ધાળુઓની ભારે ભીડ જામી હતી. માતાજીનો પ્રસાદ લેવા પણ ભક્તોની લાઈનો જોવા મળી હતી. પરંતું ચીકીનો પ્રસાદ જોઈ યાત્રિકો ભડક્યા હતા. તેઓએ કહ્યું હતું કે, અમારે તો મોહનથાળનો પ્રસાદ જોઈએ. ગમે તે ભોગે મોહનથાળનો પ્રસાદ ફરી શરુ થાય તેવી માંગ ભક્તોએ કરી છે. 

અંબાજી મંદિરમાં વર્ષોથી ધરાવવામાં આવતો મહાપ્રસાદ મોહનથાળ શરૂ કરવા કરણી સેનાએ માંગ કરી છે. કરણી સેનાના જેપી જાડેજાએ જણાવ્યું કે, લાખો માઇ ભક્તોની શ્રદ્ધા સાથે ખિલવાડ કોઈ કાળે ચલાવી નહીં લઈએ. સરકાર આ બાબતે દખલગીરી કરી ઘટતું કરે એવી માંગણી કરી છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news