ગામના સરપંચે પ્લોટનાં નામે પોતાના જ ગામની મહિલાઓના લાખો રૂપિયા લુંટ્યા
Trending Photos
શૈલેષ ચૌહાણ/હિમતનગર : પાણપુરના સરપંચે બે મહિલાઓ સાથે પ્લોટના મામલે રૂા.૫.૩૦ લાખની ઠગાઇ કરતા હિમતનગર બી-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાઇ છે. જેન લઈને હવે છેતરપીંડી કરનાર સરપંચ સામે પોલીસે મહિલાની ફરિયાદ આધારે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે. સાબરકાંઠા જીલ્લાના હિંમતનગર નજીકના પાણપુર ગામના સરપંચે દોઢ વર્ષ પહેલા વર્ષ ૨૦૧૯ દરમિયાન હિંમતનગરની બે મહિલાઓને સવગઢ પંચાયતમાં સર્વે નં ૯/૧ માં પ્લોટો અપાવવાનું કહી ત્રણ પ્લોટો પેટે રૂા.૬ લાખ મેળવ્યા હતા. ત્યારબાદ બંને મહિલાઓએ સરપંચ પાસે પ્લોટ તેમજ પ્લોટ ન આપે તો પૈસા પરત કરવાની ઉઘરાણી કરતા રૂા.૭૦ હજાર ચૂકવ્યા બાદ સરપંચ બંને મહિલાઓને રૂા.૫.૩૦ લાખની રકમ ન ચૂકવતા કે પ્લોટ ન અપાવતા મામલો ગરમાયો હતો.
સરપંચે જે સ્થળે પ્લોટ આપવાની વાત કરી હતી તે સર્વે ગામતળનો સર્વે નંબર છે અને ત્યાં હજી ખાડાઓ જ છે કે જ્યાં પ્લોટીંગ પણ કરેલું નથી. ત્યારે સસ્તા પ્લોટ હવામાં આપવાની વાત કરી ઠગાઈ કરી છે. જેને લઈને હવે મહિલાઓના આપેલી મહેનતની રકમ પરત લેવા માટે પોલીસના શરણે પહોચી છે. છેતરપિંડીનો ભોગ બનનાર મહિલાએ પાણપુરના સરપંચ વિરૂધ્ધ હિંમતનગર બી ડીવીજનમાં ઠગાઇનો મામલો દર્જ કરાવતા પોલીસે ગુનો નોધ્યો હતો. ઠગાઇના મામલે હિંમતનગર બી ડીવીજન પોલીસમાં હિમતનગર શહેરમાં રહેતા મેમુનાબીબી ચાંદનીવાલાના પતિ મહંમદઇબ્રાહીમ ચાંદનીવાલાના મિત્ર અને પાણપુર ગામના સરપંચ સાજીદભાઇ ઇસ્માઇલભાઇ રેવાસીયાએ દોઢેક વર્ષ અગાઉ ઘરે આવી પાણપુર ગામમાં પ્લોટ લેવા હોય તો હું તમને લઇ આપુ તેમ કહી પાણપુર ગ્રામ પંચાયતના સર્વે નં.૯/૧ માં ૧ થી ૩૨ પ્લોટો આવેલ છે.
જેમાં એક પ્લોટ ૧૬૦૦ ફૂટનો છે અને તેની કિંમત રૂા.૨ લાખ હોવાની વાત કરી વિશ્વાસ કેળવ્યો હતો. જેથી મેમુનાબીબી ચાંદનીવાલાએ રૂા.૪ લાખમાં બે પ્લોટ નક્કી કર્યા હતા તેમજ તેમના ઘરે કામ કરતા હસનનગરના રઇશાબાનુ સલીમભાઇ શેખે એક પ્લોટ રાખવાને લઈને બંને મહિલાઓએ સાજીદભાઇ રેવાસીયાને પ્લોટો બતાવવા અને જોયા બાદ પૈસા આપવાની વાત કરી હતી. જેને લઈને સરપંચ પ્લોટ પણ બતાવ્યા ન હતા. જેથી બંને મહિલાઓએ જુદી જુદી તારીખે વર્ષ ૨૦૧૯ માં રૂા.૬ લાખ ત્રણ પ્લોટો પેટે આપ્યા હતા. તો સરપંચે પ્લોટ રાખનાર મહિલાને વોટ્સએપથી મેસેજ કરી તમારા પ્લોટોની ફાઇલ તૈયાર થઇ ગયાનું જણાવી રજિસ્ટ્રેશન કરવા રૂા.૧૫ હજાર જિલ્લા પંચાયતમાં આપવા પડશે તેમ કહેતા મહિલાએ અમારી પાસે સગવડ ન હોવાનું જણાવી ના પાડી દીધી હતી.
બાદમાં મહિલાએ સાજીદભાઇ રેવાસીયા પાસે પ્લોટની અને પ્લોટ ન આપે તો પૈસાની ઉઘરાણી કરતા તેઓ વાયદા કરે જતા હતા. વાયદા દરમિયાન વર્ષ ૨૦૨૦ માં તેમની વચ્ચે સમાધાન થતા રૂા.૬ લાખ આપવાની શરતે રૂા.૩૦૦ ના સ્ટેમ્પ પર સમાધાન કર્યુ હતું. તે પેટે જૂન ૨૦૨૦ માં સાજીદ રેવાસીયાએ રૂા.૭૦ હજાર મહિલાને પરત કર્યા હતા અને બાકીના રૂા.૫.૩૦ લાખ પરત કરવાનો વાયદો કર્યો હતો. જે વાયદા બાદ મહિલાએ અનેકવાર સાજીદભાઇ રેવાસીયા પાસે નાણાંની ઉઘરાણી કરવા છતાં પણ નાણાં કે પ્લોટ ન આપતા થાકેલી મહિલાએ હિંમતનગર બી ડીવીજન પોલીસ સ્ટેશનનું શરણુ લીધું હતું. અનેક વિવાદોમાં રહેલા સવગઢના સરપંચનો નવો એક ઠગાઈનો મામલો બહાર આવ્યો છે જેને લઈને હવે પોલીસ પણ હરકતમાં તો આવી છે પરંતુ ઠગાઈ કરનાર સરપંચ પણ ભૂગર્ભમાં જતો રહ્યો છે અને જેલમાં જવાથી બચવા માટે અનેક પ્રયત્નો હાથ ધાર્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે