અનેક વાર રિપેર કરાયેલા મહેસાણાના આ બ્રિજમાં ભ્રષ્ટાચારનું મોટું ગાબડું! 10 વર્ષ જ હાલત કફોડી

મહેસાણા શહેરના વિસનગર લિંક રોડ પર આવેલા આંબેડકર બ્રિજને આજે વહેલી સવારથી લોકોની અવરજવર માટે તાત્કાલિક બંધ કરી દેવાયો. બંધ કરવાનું કારણ એ હતું કે બ્રિજની મધ્યમાં એક્સપાન્શન જોઈન્ટ માં ગાબડું પડી ગયું.

અનેક વાર રિપેર કરાયેલા મહેસાણાના આ બ્રિજમાં ભ્રષ્ટાચારનું મોટું ગાબડું! 10 વર્ષ જ હાલત કફોડી

તેજસ દવે/મહેસાણા: મહેસાણાનો એક એવો બ્રિજ કે જેનો રોડ દર વર્ષે ચોમાસામાં તૂટી જાય છે. મહેસાણાનો એક એવો બ્રિજ કે જેનું આયુષ્ય અંદાજે 50 વર્ષનું હોવાનું અધિકારી કહી રહ્યા છે. પરંતુ 10 વર્ષમાં જ તૂટવા લાગ્યો. મહેસાણાનો એક એવો બ્રિજ કે જેને રીસરફેસ માટે ગ્રાન્ડ પણ ફાળવી દેવાઈ હતી. પણ સમયસર રિપેર ન કરાતા ઉપરથી નીચે દેખાય એવું આરપાર બ્રિજમાં ગાબડું પડી ગયું. આવો તો આપને બતાવીએ મહેસાણાનો ભ્રષ્ટાચાર થી ભરપૂર ભરાયેલો આ બ્રિજ કે જે હવે લોકો માટે જોખમી બની ગયો છે. કે જેનું બબ્બે વખત ઉદ્ઘાટન અને નામાભિધાન કાર્યક્રમ ધામધૂમથી કરવામાં આવ્યા હતા. 

મહેસાણા શહેરના વિસનગર લિંક રોડ પર આવેલા આંબેડકર બ્રિજને આજે વહેલી સવારથી લોકોની અવરજવર માટે તાત્કાલિક બંધ કરી દેવાયો. બંધ કરવાનું કારણ એ હતું કે બ્રિજની મધ્યમાં એક્સપાન્શન જોઈન્ટ માં ગાબડું પડી ગયું. અને આ ગાબડું એવડું મોટું હતું કે એ ગાબડામાં નથી દેખાતો ઉપરનો ડામર કે નથી દેખાતું એના નીચેનું કોન્ક્રીટ , સીધું દેખાય છે તો બ્રિજની ઉપરથી આર પર નીચેનો ભાગ. જી હા આ ગાબડું નહીં પણ બ્રિજમાં હોલ પડી ગયો હોય એમ આરપાર દેખાઈ રહ્યું છે. આ ગાબડા માં બ્રિજની અંદરના સળિયા પણ બહાર સ્પષ્ટ દેખાય છે. કોંક્રિટ અને કપચી હાથમાં લેતા ખરવા લાગે છે. 

— Zee 24 Kalak (@Zee24Kalak) February 14, 2024

હવે તમને એમ લાગશે કે આ બ્રિજ વર્ષો જૂનો હશે પરંતુ હકીકતમાં આ બ્રિજને બને માત્ર દસ વર્ષ જ થયા છે. તા.10.02.2014 એ આ બ્રીજનું ઉદઘાટન અને તા.14.04.2017 એ આ બ્રીજનું નામાભિધાન કરાયું હતું. ઉદ્ઘાટન અને નામાભિધાન બાદ પણ દર વર્ષે જ્યારે ચોમાસામાં સામાન્ય વરસાદ પડે એટલે બ્રિજના રોડનું ધોવાણ થાય અને મોસ્ટ મોટા ખાડા પડે અને સળિયા દેખાવા લાગે. ચોમાસું જાય એટલે ફરીથી રોડને રી સરફેસ કરી રીપેર કરી દેવાય. પણ અત્યાર સુધી કોઈએ એવી તપાસ ના કરી કે બ્રિજ બનાવનાર એજન્સીએ આ બ્રિજને ગુણવત્તા વાળો ભ્રષ્ટાચાર મુક્ત બ્રીજ બનાવ્યો છે કે નહીં! આખરે જાણે ભ્રષ્ટાચાર છાપરે ચડીને પોકારતું હોય એમ બ્રિજના મધ્ય ભાગમાં એક્સપાન્શન જોઈન્ટ માં અચાનક ગાબડું પડી ગયું. અને ઘટનાને પગલે માર્ગ અને મકાન વિભાગ અને રેલવેના અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા. સ્થળ સ્થિતિ ની ગંભીરતા જોતા બ્રિજ બંને બાજુથી તાત્કાલિક બંધ કરી દેવાયો.

બ્રિજમાં પડેલા ગાબડાને પગલે સ્થળ પર દોડી આવેલા આર એન્ડ બી ના અધિકારીને સવાલ કરતા અધિકારી ડી આર પટેલ જાણે બ્રિજ બનાવનાર એજન્સી નો બચાવ કરતા હોય એમ કોણે બ્રિજ બનાવ્યો એનો જવાબ આપવાના બદલે રેકર્ડ જોવું પડશે કહી જવાબ આપવાનું ટાળ્યું હતું. તો ગુણવત્તા અને આગળ શું કરાશે ના સવાલ સામે બ્રિજ એક્સપર્ટ બોલાવી એસ્ખપાન્સન જોઇન્ટ ને નુકશાન રિપેર કરાશેનો જવાબ આપ્યો હતો. અધિકારીના જણાવ્યા મુજબ 7 વર્ષ બાદ બ્રિજ રીસરફેસ જોબ નંબર આવેલો હતો. જે ભાગમાં નુકશાન છે ત્યાં સ્પેશ્યલ માસ્ટિક આસ્પાલ્ટ કરવાના હતા. એ પગલાં જોઇન્ટ અને સ્લેબ તૂટતાં નિષ્ણાત ની સલાહ કામ કરવામાં આવશે. 2014 માં બ્રિજ કોને બનાવ્યો એ નથી ખબર, રેકોર્ડ જોઇને કહીશું તેવું અધિકારી જણાવી રહ્યા છે. બ્રિજ બને 10 વર્ષ થયા, બબ્બે વાર ઉદઘાટન થયા પણ હજુ બ્રીજની ગુણવત્તા મામલે એક્સપર્ટ નક્કી કરશે એવું અધિકારી જણાવી રહ્યા છે. 

દિવાળી સમયે 50 લાખ રી સરફેસ માટે ગ્રાન્ટ ફાળવાઇ હતી પણ સમયસર રિપેર ના કરાયો તેનો જોબ નંબર ચાલુ હોવાનું જણાવ્યું. બ્રિજ મુદ્દે જવાબદારી કોની ? તે સવાલ કરતા જવાબદાર કોઈ નહિ ટ્રાફિક ચલાવવો જ પડે , NHAI પાસે ખાતરી કરવી પડે, તેવો અધિકારીનો જવાબ હતો. અધિકારી એ પણ જાણે છે અને જણાવી પણ રહ્યા છે કે ઓછામાં ઓછું બ્રિજ નું આયુષ્ય 50 વર્ષ હોવું જોઈએ. અને હજુ આ ગાબડું પડવા છતાં અધિકારી બચાવ કરતા એમ જણાવે છે કે બ્રિજ નથી પડ્યો પણ જોઇન્ટ ને નુકશાન છે. તો બીજી તરફ સ્થાનિકો દ્વારા આ બ્રિજને નવો બનાવવામાં આવે તે માંગ કરી રહ્યા છે આસપાસ રહેણાંક વિસ્તાર હોવાથી જો કોઈ અચ્છનીય ઘટના ઘટે તો જાનમાલ ને મોટું નુકસાન થઈ શકે એમ છે જેથી નવો બ્રિજ બનાવવા લોકમાંગ ઉઠી છે.

મહેસાણા નો આંબેડકર બ્રિજ જ્યારથી બન્યો ત્યારથી વિપક્ષ નેતા અને સ્થાનિકો દ્વારા અવારનવાર તંત્રને રજૂઆતો કરવામાં આવી છે કે એને યોગ્ય રીતે રીપેર કરવામાં આવે પરંતુ હજુ સુધી તંત્ર જાણે આંખ આડા જ કામ કર્યા એવું આ ઘટના પરથી સ્પષ્ટ જણાઈ આવે છે. જો દર વર્ષે બ્રિજ રીપેર કરવામાં આવે છે તો દર વર્ષે ફરીથી કેમ તૂટે છે એ સવાલ ઊભા થાય છે. અને રિપેર કરવામાં ગુણવત્તા વાળું મટીરીયલ વાપરવામાં આવે છે તો એક જ વર્ષમાં ફરીથી તૂટી કેમ જાય છે. એ તો ઠીક પરંતુ 2014માં બનેલો બ્રિજ માત્ર 10 વર્ષમાં આવી હાલતમાં કેમ? આ બ્રિજ કઈ એજન્સી એ બનાવ્યો છે ? તેનું નામ પણ અધિકારીઓ કેમ છુપાવી રહ્યા છે આ સવાલો ઊભા થઈ રહ્યા છે અને જો આ એજન્સી આવા જ કામ કરતી હોય તો બીજા કયા કામો એજન્સી એ કર્યા છે કે કરવાની છે તેની સામે પણ કાર્યવાહી થવી જોઈએ તે જરૂરી છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news