ગુજરાતના ખેડૂતોની આક્રમક લડત સામે PepsiCo ઘૂંટણિયે પડ્યું, પરત ખેંચશે કેસ

PepsiCo મુદ્દે લાંબી અને આક્રમક લડત આપ્યા બાદ ખેડૂતોની જીત થઈ છે. પેપ્સીકો ઈન્ડિયા કંપની ખેડૂતો પર કરેલા કેસો પાછા ખેંચવાનો નિર્ણય કર્યો છે. કંપનીએ 4 ખેડૂતો પર 1-1 કરોડનો દાવો કર્યો છે. 

ગુજરાતના ખેડૂતોની આક્રમક લડત સામે PepsiCo ઘૂંટણિયે પડ્યું, પરત ખેંચશે કેસ

અતુલ તિવારી/અમદાવાદ :PepsiCo મુદ્દે લાંબી અને આક્રમક લડત આપ્યા બાદ ખેડૂતોની જીત થઈ છે. પેપ્સીકો ઈન્ડિયા કંપની ખેડૂતો પર કરેલા કેસો પાછા ખેંચવાનો નિર્ણય કર્યો છે. કંપનીએ 4 ખેડૂતો પર 1-1 કરોડનો દાવો કર્યો છે. ચારેતરફથી દબાણ વધતા અંતે કંપનીએ કેસ પાછા ખેંચવા પડ્યા હતા. આજે કોમર્શિયલ કોર્ટમાં પેપ્સીકો કેસ પાછા ખેંચવાની ઔપચારિકતા પૂરી કરશે. આ કેસમાં રાજ્ય સરકાર પણ ખેડૂતોના વ્હારે આવી હતી. 

બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લીમાં બટાકા પકવતા ચાર ખેડૂતો સામે પેપ્સીકો કંપનીએ કેસ કર્યો હતો. બટાટાના બિયારણના કોપીરાઈટ ભંગ મુદ્દે કંપનીએ ખેડૂતો સામે કેસ કરી રૂપિયા 1-1 કરોડનો દાવો પણ કર્યો છે. સાથે જ અમુક બટાકાના કોપીરાઈટ હોવાનો કંપનીએ આક્ષેપ કર્યો છે. ત્યારે કંપનીના આ નિર્ણય સામે ગુજરાતના તમામ ખેડૂતો એકજૂટ થઈને કંપનીનો વિરોધ કર્યો હતો. તથા કંપનીને બોયકોટ કરવાના પણ સૂર આલાપ્યા હતા. ત્યારે હવે કંપનીએ કેસ પાછા ખેંચવાનો નિર્ણય કર્યો છે. જોકે, કંપનીએ કેસ પાછા ખેંચવા અંગે હજુ પક્ષકારો કે તેમના વકીલને જાણ નથી કરી. રાજ્યના મુખ્ય સચિવ સાથે આજે કંપનીની બેઠક યોજાશે. જેમાં કૃષિ વિભાગના અધિક મુખ્ય સચિવ પણ બેઠકમાં હાજર રહેશે. ત્યારે આ મુદ્દે હવે ખેડૂતોને રાહત આપતા સમાચાર મળ્યાં છે. 

ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ પેપ્સીકોએ કેસ પરત ખેંચવાની તૈયારી બતાવી હતી અને ખેડૂતો પરવાનગી વગર FC5 બટાકા ન વાવે તેવી શરત મૂકી હતી. જો ખેડૂતો FC5 બટાકા વાવે તો બીજ ફરજિયાત પેપ્સીકો પાસેથી જ લે અને બટાકા માત્ર પેપ્સીકોને જ ખેડૂતો આપે તેવી પણ શરત મૂકી હતી. ઉલ્લેખનીય છે કે, પેપ્સીકો કંપનીએ પહેલા 2 ખેડૂતો સામે કોમર્શિયલ કોર્ટમાં કેસ કર્યો અને તેની પહેલા અન્ય 7 એમ કુલ 9 ખેડૂતો સામે કેસના કિસ્સા બહાર આવ્યા છે. 

પેપ્સીકોએ દુનિયાભરમાં કર્યા છે કેસ
અમેરિકાની પેપ્સિ-કો કંપનીએ ગુજરાતના બટાકા પેદા કરતાં 4  ખેડૂતો પર ગુના નોંધ્યા બાદ ગુજરાતના ખેડૂત સંગઠનોએ કંપની સામે લડી લેવા માટે 24 એપ્રિલ 2019થી આંદોલન શરૂ કરવાની જાહેરાત કરી છે. પેપ્સી-કોએ દુનિયામાં સેંકડો ખેડૂતો પર આવા દાવા કર્યા છે. અમેરિકા અને કેનેડાના કેટલાયે ખેડૂતો જેલમાં છે. હવે ગુજરાતમાં તે જ વ્યૂહરચના અપનાવવામાં આવી રહી છે. 

ખેડૂત સંગઠનો થયા એક
રાજ્યના ખેડૂતો માટે સંકટ સર્જનાર પેપ્સીકોના કેસ મુદ્દે ખેડૂત સંગઠનો એક થયા હતા. ખેડૂત સંગઠનોએ કહ્યું હતું કે, ખેડૂતોએ ગભરાવાની જરૂર નથી, જો તેમણે વાવેતર કર્યું અને ઉત્પાદન કર્યા બાદ અન્ય કોઇ સ્થળે વેચાણ કર્યું હોય તો પણ ખેડૂતોએ કોઇ ગુનો કર્યો નથી. આ મુદ્દે ખેડૂત સંગઠનો પણ કામ કરી રહ્યા છે અને સરકારને પણ ચેતવ્યા છે કે આ મુદ્દે ખેડૂતોને અન્યાય ન થવો જોઇએ. સરકારી નિયમો અનુસાર ખેડૂતોને કોઇ કંઇ કરી શકે તેમ નથી. પેપ્સીકો કંપનીએ ખેડૂતો પર કેસ કરીને મોટી ભૂલ કરી છે, ખેડૂતોને ખોટી રીતે ફસાવાઇ રહ્યા છે. કારણ કે પેપ્સીકો સામે હરિફાઇ વધી રહી છે. તેના કારણે આ પ્રકારના ખોટા કેસ થયા છે, આ મુદ્દે ખેડૂત સંગઠનો પણ લડત આપી રહ્યા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news