2023માં સુરતને ઈન્ટરનેશનલ કક્ષાનું એરપોર્ટ મળશે, બનશે મુંબઈ એરપોર્ટનું બીજુ ઓપ્શન
પેસેન્જર વૃદ્ધિની ટકાવારી મામલે પણ સુરત એરપોર્ટ દેશમાં અવ્વલ છે. હાલ ચાલતી તથા નવી એરલાઈનોએ પણ સુરતથી વધુ ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ ફ્લાઇટો શરૂ કરવા તત્પરતા દર્શાવી છે
Trending Photos
ચેતન પટેલ/સુરત :353 કરોડના ખર્ચે સુરત એરપોર્ટના વિસ્તરણ અને ડેવલોપમેન્ટના કામ ચાલી રહ્યા છે. 2023 સુધી વિકાસના કામો પૂર્ણ થશે તે સ્થિતિમાં સુરત એરપોર્ટ મુંબઇનો વિકલ્પ બની શકશે. અત્યારે મુંબઇમાં કોઇ નવી ડોમેસ્ટિક કે ઇન્ટરનેશનલ ફલાઇટ્સ શરૂ કરવા માટે સ્લોટની મોટી સમસ્યા નડે છે. સુરત એરપોર્ટ (surat airport) મુંબઇની નજીક હોવાથી ટર્મિનલ બિલ્ડીંગ વિસ્તરણ, એપ્રન અને પેરેલલ ટેક્સી વેના પ્રોજેક્ટ પૂરા થયા પછી મુંબઇનો અને પૂણે એરપોર્ટનો વિકલ્પ બનશે.
એરપોર્ટનું વિસ્તરણ ઇન્ટરનેશનલ એરપોર્ટના કક્ષાનું થઇ રહ્યું છે. ગયા વર્ષે એટલે કે 2019માં સુરત એરપોર્ટથી અવરજવર કરનારા પેસેન્જરોની સંખ્યા 16 લાખ જેટલી નોંધાઇ હતી. જેમાં શારજાહ-સુરતની એક માત્ર ઇન્ટરનેશનલ ફ્લાઇટને બાદ કરતા 90 ટકાથી વધુ પેસેન્જર ડોમેસ્ટિક સેક્ટરમાંથી મળ્યા હતા. પેસેન્જર વૃદ્ધિની ટકાવારી મામલે પણ સુરત એરપોર્ટ દેશમાં અવ્વલ છે. હાલ ચાલતી તથા નવી એરલાઈનોએ પણ સુરતથી વધુ ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ ફ્લાઇટો શરૂ કરવા તત્પરતા દર્શાવી છે.
પરંતુ હાલના ટર્મિનલ બિલ્ડીંગનું કદ અને મર્યાદિત ક્ષમતા ઉપરાંત એકમાત્ર રન-વે પરનું ભારણ હવે અવરોધરૂપ સાબિત થઈ રહ્યા છે. આ તમામ પ્રોજેક્ટ 2023 સુધીમાં પૂર્ણ થવાની સંભાવના છે, જે પછી સુરત એરપોર્ટ તેની ક્ષમતા પ્રમાણે ખીલી શકશે. મુંબઇ એરપોર્ટથી આશરે 25% થી 30% મુસાફરો દક્ષિણ ગુજરાતના હોય છે, પ્રોજેક્ટ પૂર્ણ થતાં જ મુંબઇ એરપોર્ટ પરનો ભાર ઓછો થશે અને તેનો સીધો ફાયદો સુરત એરપોર્ટને તો મળશે જ.
સુરત એરપોર્ટમાં આ સુવિધાઓ મળશે
- નવું ટર્મિનલ 25,520 ચો.મી.ના ક્ષેત્રમાં તૈયાર થશે, જે દર કલાકે 1200 ઘરેલું અને 600 આંતરરાષ્ટ્રીય મુસાફરોને સંચાલિત કરવામાં સક્ષમ હશે.
- આધુનિક સુવિધાઓથી સજ્જ આ ટર્મિનલમાં 20 ચેક-ઇન કાઉન્ટર્સ, 5 એરોબ્રિજ, 5 બેગેજ બેલ્ટ, 475 વાહનો અને કાર પાર્કિંગ હશે.
- વિસ્તરણથી નવી ફ્લાઇટ્સમાં વધારો થશે, નવી એરલાઇન્સના માર્ગ ખૂલશે.
- ફ્લાઇટ પાર્કિંગની વધતી સુવિધાને કારણે એરલાઇન્સ સુરતને બેઝ બનાવી શકે છે. સુરતમાં નાઈટ પાર્કિંગ થઈ શકે છે.
- સુરતમાં એક સાથે હાલના 5 ને બદલે 23 વિમાનો પાર્કિંગ થઇ શકશે.
- એપ્રોનનું વિસ્તરણ અને રન-વેને સમાંતર ટેક્સી ટ્રેકનું નિર્માણ થશે.
- એરોબ્રિજ 2થી વધીને 5 થશે, જેનો એરલાઇન્સ કંપનીને સીધો ફાયદો થશે.
- ફ્લાઇટ ટર્નઅરાઉન્ડ સમય ઘટાડવામાં તે મદદરૂપ થશે. સમયનો બચાવ થશે અને મુસાફરો પણ ટર્મિનલ બિલ્ડિંગથી સીધા જ ફ્લાઇટમાં પ્રવેશ કરી બહાર નીકળી શકશે.
એરપોર્ટના જુના એપ્રનથી ઓછી બેઠકવાળી ફ્લાઇટ ઓપરેટ થઇ શક્શે
સુરત એરપોર્ટના ડેવલોપમેન્ટ પ્રોજેક્ટમાં જુનો એપ્રન પણ ઉપયોગમાં આવી જતા તે એપ્રનનો ઉપયોગ ઓછી બેઠકોવાળા ફ્લાઇટ માટે ઉપયોગમાં લઇ શકશે. જેથી મુખ્ય એપ્રનને અલાયદો બનાવી શકાશે. તે ઉપરાંત 20 ચેક-ઇન કાઉન્ટરો હોવાને કારણે લાંબી લાઇનોથી છુટકારો મળશે. એર લાઇનને વધુ કાઉન્ટર ફાળવી શકાશે. જેથી બોર્ડિંગ પાસ અને ક્લિયરન્સ સુવિધા વહેલી તકે ઉપલબ્ધ થઈ જશે.
ટર્મિનલ વિસ્તરણનો સૌથી મોટો ફાયદો આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સના આગમન પ્રસ્થાનમાં થશે. હાલમાં સુરત એરપોર્ટ પર માત્ર રાત્રિના સમયે જ ઇન્ટરનેશનલ ફ્લાઇટનું સંચાલન થઇ રહ્યું છે. પરંતુ ટર્મિનલના વિસ્તરણ પછી એરપોર્ટ પર 24 કલાક ડોમેસ્ટિક કે ઇન્ટરનેશનલ ફ્લાઇટની અવરજવર શક્ય બનશે. હાલ ટર્મિનલ નાનું હોવાને કારણે, દિવસ દરમિયાન ઘરેલું અને રાત્રિના સમયે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ ચલાવવા માટે સક્ષમ છે, જે ટર્મિનલ વિસ્તરણ પછી સ્થાનિક વિભાગ અને આંતરરાષ્ટ્રીય વિભાગને અલગ પાડવા માટે સક્ષમ હશે. સ્લોટ્સની ઉપલબ્ધતા ન હોવાને કારણે, ઘણી એરલાઇન્સ કંપનીઓ સુરત આવતા અચકાઇ રહી છે. તે બાધ પણ દૂર થશે.
પેરેલલ ટેક્સી વે બનવાથી એક જ સમયે અનેક ફ્લાઇટોનું સંચાલન થઈ શકશે. સુરત એરપોર્ટનો હયાત રન-વે 2905 મીટરનો છે. તે પૈકી વેસુ એન્ડથી 2300 મીટરનો રન-વે ફ્લાઇટ ઓપરેટીંગ માટે મળી રહ્યો છે. જ્યારે ડુમસ તરફથી 2905 મીટરનો પૂરેપૂરો રન-વે મળે છે, જે એરબસ અને બોઇંગ કંપનીઓના આવતા મધ્યમથી મોટા કદના એરક્રાફ્ટ માટે પૂરતો માનવામાં આવે છે.
સુરત એરપોર્ટ પર પેરેલલ વે પ્રોજેક્ટ સાકાર થશે, તો વિમાનો સતત સુરત એરપોર્ટ પરથી ટેક-ઓફ કે લેન્ડ થઇ શકશે. લેન્ડ થઈ ગયેલી કે ટેક-ઓફ માટે જઈ રહેલી ફ્લાઇટ રન-વેને અવરોધયા વિના ટેક્સી વે ના માધ્યમથી જ પાર્કિંગ કે હેંગરથી રન-વે વચ્ચે આવ-જા કરશે. અત્યારે ટેક-ઓફ કે લેન્ડિંગ માટેની આવાર-જવર પણ રન-વે પરજ થતી હોવાથી ઓછા સમય અંતરાલમાં વધુ ફ્લાઇટો સમાવવી શક્ય થતી નથી અથવા એક સમયે 2-3 ફ્લાઇટ હોય છે ત્યારે વિમાનને લેન્ડિંગ માટે સુરત એરપોર્ટની નજીકના વિસ્તારનો ચકરાવો લેવો પડે છે જેમાંથી મુક્તિ મળી શકશે.
સુરત એરપોર્ટનું ડેવલપમેન્ટ ઇન્ટરનેશનલ એરપોર્ટ કક્ષાનું થયા પછી ઇન્ટરનેશનલ ફ્લાઇટની સંખ્યામાં તો વધારો થશે જ, પણ સાથે સાથે સુરતના જેમ્સ એન્ડ જવેલરી, ટેક્સટાઇલ, જરી, કેમિકલ એન્ડ એન્જીનિયરીંગ, ટુરિઝમ અને રિયલ એસ્ટેટ ઉદ્યોગને પણ ફાયદો થશે. ‘વી વર્ક ફોર વર્કિંગ એરપોર્ટ એટ સુરત’ ગ્રુપના સંજય જૈનનું કહેવું છે કે, 2023 સુધીમાં એરપોર્ટના ડેવલપમેન્ટ પ્રોજેક્ટ પુરા થશે તે દરમિયાન સુરતને બેંગકોક, સિંગાપોર અને દુબઇ જેવી નવી ફ્લાઇટ મળી શકે છે.
એવિએશન મંત્રાલયે કેટલાક દેશો સાથે બાયલેટરલ કરાર કરવાની જરૂર છે. ટર્મિનલ વિસ્તરણમાં જુન 2021 સુધીમાં પ્રથમ આગમન હોલ તૈયાર થઇ શકે છે. જ્યારે પ્રસ્થાન હોલ અને સંપૂર્ણ ટર્મિનલ બિલ્ડીંગ ઓક્ટોબર 2021 સુધી ખુલ્લું થાય તો શિયાળામાં આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ પરનો પ્રતિબંધ દૂર થવા સાથે નવી ઇન્ટરનેશનલ ફ્લાઇટ મળી શકે છે. સુરત ડાયમંડ બુર્સનો પ્રોજેક્ટ પૂર્ણ થયા પછી ઇન્ટરનેશનલ કાર્ગો ટર્મિનલની જરૂર ઉભી થશે. સુરત એરપોર્ટ પર આંતરરાષ્ટ્રીય કાર્ગો સુવિધા માટે પણ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. સુરત ડાયમંડ બુર્સ તૈયાર થયા પછી આંતરરાષ્ટ્રીય કાર્ગો ટર્મિનલની જરૂરિયાત ઊભી થશે. હાલનું ડોમેસ્ટિક કાર્ગો ટર્મિનલ ત્યારે નાનું પડશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે