પ્રતિકાર રેલી પહેલા કોંગ્રેસના અનેક નેતાઓને નજરકેદ કરાયા, હાર્દિક પટેલની અટકાયત
ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ અને યુવા નેતા હાર્દિક પટેલને સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા શહેરનું વોરંટ બતાવી અને સાંતેજ પોલીસ દ્વારા અટકાયત કરાઈ છે. જેના બાદ હાર્દિક પટેલને સાંતેજ પોલીસ સ્ટેશન લઇ જવાયા
Trending Photos
ગૌરવ પટેલ/અમદાવાદ :હાથરસની પીડિતાને ન્યાય અપાવવા માટે અમદાવાદના કોચરબ આશ્રમથી સાબરમતી આશ્રમ સુધી આજે પ્રતિકાર રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે એ પહેલા જ કોંગ્રેસના નેતાઓની અટકાયત શરૂ કરાઈ છે. કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલની તેમના નિવાસસ્થાનેથી અટકાયત કરાઈ છે. તો બીજી તરફ, કોંગ્રેસના નેતા શૈલેષ પરમારની પણતેમના ઘરથી અટકાયત કરાઈ છે. ઈમરાન ખેડાવાલાને તેમના ઘરમાં નજરકેદ કરાયા છે. તો જિગ્નેશ મેવાણીને એનેક્સી ખાતે નજરકેદ કરાયા છે. કોંગ્રેસની પ્રતિકાર રેલી શરૂ થઈ ગઈ છે. આ રેલીને પોલીસ દ્વારા મંજૂરી આપવામાં આવી નથી, તેથી અસંખ્ય કાર્યકર્તાઓની અટકાયત કરાઈ છે.
કોની કોની અટકાયત કરાઈ
કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા, ધારાસભ્ય નૌશાદ સોલંકીની અટકાયત, અનિલ નારગડે, તરુણ વાઘેલા, શહેર કોંગ્રેસ પ્રમુખ શશીકાંત પટેલ, એએમસીના વિપક્ષના નેતા દિનેશ શર્મા સહિત અસંખ્ય નેતાઓની અટકાયત કરાઈ છે. તો અન્ય કોંગ્રેસના નેતાઓ જે રેલીમાં પહોંચ્યા ન હતા, તેઓને તેમના ઘરે જ નજરકેદ કરાયા છે. મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ પ્રતિકાર રેલી માટે એકઠા થયા છે. તેથી પોલીસ દ્વારા મોટાપાયે અટકાયત કરાઈ છે. રેલી કોઈ પણ સંજોગોમાં ન નીકળી દેવાની સરકારની સીધી સૂચના હોવાથી કાર્યકર્તાઓની અટકાયત કરાઈ છે.
આ પણ વાંચો : માલિકોની મોટી અવઢવ, ‘મલ્ટીપ્લેક્સ શરૂ કરીશું, તો પણ બતાવવા માટે નવી ફિલ્મો ક્યાં છે?’
રેલીને વિખેરાઈ દેવાઈ હતી
મોટી સંખ્યામાં કોગ્રેસના કાર્યકર્તાઓ બેનર લઈને કોંગ્રેસ કાર્યાલયમાંથી બહાર નીકળ્યા હતા. કાર્યકર્તાઓ દ્વારા સૂત્રોચ્ચાર કરાયા હતા. પરંતુ જેમ જેમ કાર્યકર્તાઓ આગળ વધતા ગયા તેમ તેમ પોલીસ દ્વારા કાર્યકર્તાઓની અટકાયત કરાઈ હતી. પોલીસે રેલી નીકળે તે પહેલા જ વિખેરી દીધી હતી. પ્રતિકાર રેલીને મંજૂરી આપવામાં આવી નથી, છતાં કોંગ્રેસ દ્વારા રેલી કાઢવામાં આવી હતી. તેથી પોલીસ દ્વારા અટકાયતી પગલા લેવાયા હતા. જે પણ નેતાઓએ રેલીની આગેવાની કરી છે તેમની અટકાયત કરાઈ છે. કોવિડને કારણે કોઈ પણ વ્યક્તિને ટોળાશાહીમાં એકઠા થવાની મંજૂરી અપાતી નથી તેથી અટકાયત કરાઈ હતી.
મુખ્યમંત્રી રાજીનામુ આપે - નૌશાદ સોલંકી
અટકાયત કરાયા બાદ નૌશાદ સોલંકીએ કહ્યું કે, સરકારનો અમારી રેલીને અટકાવવનો પ્રયાસ નિંદનીય છે. અમને ગાંધીજીની પ્રતિમાને નંદન પણ ન કરવા દીધા. ગુજરાત પોલીસ ઉત્તર પ્રદેશના રાહે જઈ રહી છે. આજનો દિવસ કાળો દિવસ છે. આ હવે ગાંધીનુ ગુજરાત રહ્યું નથી, મુખ્યમંત્રી રાજીનામુ આપી દે.
પ્રતિકાર રેલી પહેલા નજરકેદ
હાર્દિક પટેલ પ્રતિકાર રેલીમાં ભાગ લેવા નીકળે તે પહેલા જ અટકાયત કરાઈ છે. અટકાયત બાદ હાર્દિક પટેલને ધ્રાગંધ્રા પોલીસ દ્વારા વોરંટના આધારે ધરપકડ કરાઈ છે અને સાંતેજ પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ અને યુવા નેતા હાર્દિક પટેલને સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા શહેરનું વોરંટ બતાવી અને સાંતેજ પોલીસ દ્વારા અટકાયત કરાઈ છે. જેના બાદ હાર્દિક પટેલને સાંતેજ પોલીસ સ્ટેશન લઇ જવાયા હતા. તો વિપક્ષના ઉપનેતા શૈલેષ પરમારની પણ તેમના ઘરેથી વાડજ પોલીસે અટકાયત કરી હતી.
પોલીસનો ચુસ્ત બંદોબસ્ત
હાથરસ મુદ્દે આયોજિત કરાયેલી પ્રતિકાર રેલી મામલે કોંગ્રેસ ઓફિસ બહાર પોલીસનો મોટો કાફલો સવારથી જ ખડકી દેવાયો હતો. રેલીને મંજૂરી ન હોવાથી અટકાયતી પગલાં શરૂ કરાયા હતા. રેલી માટે કોંગ્રેસના નેતાઓ ઘરમાંથી બહાર નીકળતાની સાથે જ અટકાયતની સંભાવના બની હતી. જેમાં શરૂઆત હાર્દિક પટેલથી થઈ હતી. તો કોચરબ આશ્રમ ખાતે પોલીસનો જડબેસલાક બંદોબસ્ત ખડકી દેવાયો હતો. પાલડીથી લઈ સાબરમતી આશ્રમ સુધી પોલીસ બંદોબસ્ત ખડકી દેવાયો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે