સુરતની લાજપોર જેલના કેદી બન્યા રત્ન કલાકાર, હીરા ઘસીને કમાવે છે હજારો રૂપિયા

Jail Prisoners Become Ratna Kalakar : સુરતની લાજપોર સેન્ટ્રલ જેલમાં બંદિવાનો બન્યા રત્ન કલાકાર, 5 હજાર થી 20 હજાર રૂપિયાની કમાણી કરી પરિવારને કરી રહ્યા છે આર્થિક મદદ, જેલમાં રહીને શીખ્યા આ કલા

સુરતની લાજપોર જેલના કેદી બન્યા રત્ન કલાકાર, હીરા ઘસીને કમાવે છે હજારો રૂપિયા

Surat News પ્રશાંત ઢીવરે/સુરત : સુરતની લાજપોર સેન્ટ્રલ જેલમાં બંદિવાનો રત્નકલાકાર બનીને પરિવારને આર્થિક રીતે મદદરૂપ થઈ રહ્યા છે. હત્યા, ચોરી, લૂંટ સહિતના ગુનામાં લાજપોર સેન્ટ્રલ જેલમાં બંદિવાનો હીરાને કટીંગ અને પોલિશ કરીને 5 હજાર થી 20 હજાર રૂપિયાની કમાણી કરે છે. પરિવારને આર્થિક રીતે મદદરૂપ થઈ રહ્યા છે.

સુરત સિટી દેશ-વિદેશમાં ડાયમંડ સિટી તરીકે પ્રખ્યાત છે. વિશ્વના 100માંથી 90 હીરા સુરત સિટીમાં કટ અને પોલિશ કરવામાં આવે છે. અહીં હજારો હીરાના એકમો અને કારખાનાઓ છે. પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે હીરાનું યુનિટ સુરતની લાજપોર સેન્ટ્રલ જેલમાં પણ કાર્યરત છે. અહીં રત્ન કલાકાર બીજું કોઈ નહીં પણ જેલમાં સજા ભોગવી રહેલા કેદી છે. દેશ અને વિદેશમાં રહેતા લોકો જે હીરાની જ્વેલરી પહેરે છે તેઓને અંદાજ પણ નહીં હોય કે સુરતની જેલમાં તેમની જ્વેલરીમાંના હીરાને કાપીને પોલિશ કરવામાં આવ્યા છે. અહીંના બંદિવાનો હીરાને કટીંગ અને પોલિશ કરીને 5 હજાર થી 20 હજાર રૂપિયાની કમાણી કરે છે.

સુરત શહેરના સચિન વિસ્તાર ખાતે આવેલા લાજપોર સેન્ટ્રલ જેલમાં આમ તો લૂંટ, ચોરી, હત્યા સહિત અન્ય ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓ અને અપરાધીઓ સજા ભોગવી રહ્યા છે. પરંતુ તેઓ મુખ્યધારા સાથે જોડાય આ માટે જેલની અંદર ખાસ ડાયમંડ યુનિટ ચલાવવામાં આવે છે. આ યુનિટની ખાસ વાત એ છે કે જે લોકો લાલચમાં આવીને એક સમયે ચોરી જેવા ગુનાને આચરી ચૂક્યા છે. તેવા લોકો હવે તેમના હાથથી સૌથી કિંમતી હીરાને કટીંગ અને પોલીશિંગ કરી રહ્યા છે. રોજના 100 જેટલા બંદીવાનો હીરા કટિંગ અને પોલિશ કરી રહ્યા છે. ડાયમંડ યુનિટમાં રત્ન કલાકારો જે રીતે હીરાને આકાર આપે છે. તેવી જ રીતે જેલની અંદરના યુનિટમાં આ કેદીઓ હીરા માટે કટીંગ અને પોલીશિંગ કરી રહ્યા છે.

જેલની અંદર સજા ભોગવી રહેલા બંદીવાનો જ્યારે જેલથી બહાર નીકળે ત્યારે ગુનાહિત પ્રવૃત્તિથી દૂર રહે અને રોજગારી મેળવી શકે આ માટે સ્કિલ ડેવલપમેન્ટ જેલની અંદર તમામ બંદીવાનો માટે કરવામાં આવે છે. જે હાથ ગુનાહિત પ્રવૃત્તિ કરતા હતા આજે તે જ હાથ લાખો રૂપિયાના હીરા કટીંગ અને પોલીશિંગ કરી રહ્યા છે. હીરાને આકાર આપી તેઓ પોતાના પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે. જેલમાંથી ટ્રેનિંગ લઈ અને બંદીવાનો જ્યારે જેલની બહાર નીકળ્યા ત્યારે અનેક હીરા કારખાનામાં નોકરી પણ મેળવી ચૂક્યા છે.

આ અંગે જેલના અધિક્ષક જે. એન. દેસાઈએ જણાવ્યું હતું કે, આપણે જાણીએ છીએ કે સુરત ડાયમંડ સિટી છે. તેના ભાગરૂપે જે બંદીવાનોની સ્કિલ ડેવલપમેન્ટ માટે લાજપોર સેન્ટ્રલ જે. ખાતે શું કરવામાં આવે છે જ્યારે તેઓ બહાર નીકળે ત્યારે રોજગારી મેળવી શકે અને ગુનાહિત પ્રવૃત્તિ છોડે વિવિધ પ્રકારની પ્રવૃત્તિ અહીં કરવામાં આવે છે જેમાંથી એક હાલ સુરત સેન્ટ્રલ જેલની અંદર ચાલી રહેલ ડાયમંડ યુનિટ છે

સાથે તેઓએ જણાવ્યું હતું કે અહીં ડાયમંડ કટીંગ અને પોલીશિંગ કરવામાં આવે છે. અહીં બંદીવાનો ને રોજગારી મળી રહે છે અને તેઓ પોતાના પરિવાર મદદ કરી શકે છે. હાલ સો જેટલા બંદીવાનો હીરા કટીંગ અને પોલિશિંગ કરી રહ્યા છે. આ તમામને અહીં તાલીમ આપવામાં આવે છે અને સ્કિલ ડેવલપમેન્ટ કરવામાં આવે છે. શરૂઆતમાં 5,000 થી લઈ 7,000 થી લઈ 20,000 સુધી આ બંદીવાનો કમાઈ શકે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news