સુરતના ઈકો ફ્રેન્ડલી લગ્ન ચારેતરફ ચર્ચામાં, ઓર્ગેનિક રસોઈ, કન્યાદાનમાં ગાય અને કંકોત્રીમાં તુલસીના બીજ
Eco Friendly Wedding : સુરતના પાલ વિસ્તારમાં ખેડૂતે દીકરીના લગ્નમાં આવનાર પેઢીને અનોખો સંદેશ આપ્યો.... ખેડૂત પિતાએ દીકરીને લગ્નમાં ગીર ગાય દાનમાં આપી... ‘નો પ્લાસ્ટિક’ થીમ પર પિતાએ દીકરીના લગ્ન આયોજિત કર્યાં
Trending Photos
Eco Friendly Wedding ચેતન પટેલ/સુરત : હાલ લગ્નસરાની સીઝન ચાલી રહી છે અને લોકો લાખો રૂપિયા ખર્ચીને આધુનિક ઢબે લગ્નપ્રસંગો કરે છે. જોકે આ વચ્ચે જે પાલ વિસ્તારના એક ખેડૂત વિપુલ પટેલે પોતાની પુત્રી રિદ્ધીના અનોખા લગ્ન પ્રકૃતિને અર્પિત કર્યા છે. ઓર્ગેનિક રસોઈ, કન્યાદાનમાં દીકરીને ગાયનું દાન અને કંકોત્રીમાં તુલસીના બીજ મુકીને તેમણે લગ્ન પ્રસંગ થકી આજની પેઢીને પર્યાવરણની જાળવણી કરવા માટે એક મહત્વનો સંદેશો આપ્યો છે.
આજકાલ લોકો લગ્ન સ્થળથી લઈને સજાવટ, ભોજન સમારંભને કેવી રીતે શ્રેષ્ઠ બનાવી શકાય તેના ઉપર દિલ ખોલીને ખર્ચ કરે છે. ગર્ભ શ્રીમંતો લગ્નમાં પાણીની જેમ પૈસા ખર્ચ કરે છે અને દેખાદેખીની લ્હાયમાં આધુનિક લગ્ન પ્રસંગોમાં પર્યાવરણને નુકસાન પણ થઈ રહ્યું છે. આ વચ્ચે પાલ વિસ્તારમાં રહેતા ખેડૂત વિપુલ પટેલે દીકરીના લગ્નપ્રસંગને એવી રીતે માણ્યો છે કે માત્ર લોકો જ નહીં પરંતુ પ્રકૃતિ એટલે કે પર્યાવરણ પર તેને યાદ રાખશે. વિપુલભાઈએ તેમની 23 વર્ષીય દીકરી રિદ્ધિ પટેલના લગ્નમાં ‘નો પ્લાસ્ટિક’ના અભિયાનને અપનાવ્યું છે.
આ અનોખા લગ્નમાં રસોઈ ઓર્ગેનિક છે. જેમાં ઓર્ગેનિક શાકભાજીનો ઉપયોગ કરાયો છે. એટલું જ નહીં પરંતુ રસોઈ મૂકવા માટેની પ્લેટ પણ ઈકો ફ્રેન્ડલી છે. જે પર્યાવરણને નુકસાન થાય નહીં તેવા ફરીથી ઉપયોગમાં લઈ શકાય તેવી સામગ્રીનો ઉપયોગ કરીને જ બનાવી છે. જેથી તે વેસ્ટ માં ન જાય.
આ અંગે ખેડૂત પિતા વિપુલ પટેલે કહ્યું કે, આધુનિકતા દરેક ક્ષેત્રમાં સારી છે, પરંતુ પર્યાવરણના ભોગે નહિ. જેથી મેં આ લગ્ન પ્રસંગમાં ઘરના આંગણામાં ગાય, મધ્યમાં તુલસી ક્યારો અને શુદ્ધ રસોઈની જૂની પરંપરા અપનાવી છે. મારાથી શક્ય એટલો સાર્થક કરવાનો પ્રયત્ન કર્યો છે. અમે મહેમાનોને આમંત્રણ માટે આપેલી કંકોત્રી તુલસીના બીજથી બની છે. જેને કુંડામાં વાવ્યા બાદ તેમાંથી તુલસીનો છોડ ઉગશે. કન્યાદાનમાં અમે દિકરીને ગાયમાતાનું દાન કર્યુ છે અને રસોઈમાં ગાય આધારિત ખેતીથી તૈયાર થતા ઓર્ગેનિક પાકનો જ ઉપયોગ કર્યો છે. જમવાની ડીશમાં પણ યુઝેબલ મટિરીયલનો ઉપયોગ કર્યો છે. જેથી પ્રકૃતિ જળવાયેલી રહે.
આ ઉપરાંત આ લગ્નની એક ખાસ વાત એવી છે કે, જેના લગ્ન થવાના છે એ રિદ્ધીએ સીએની છેલ્લી પરિક્ષા આપી છે અને તેની કમાણીમાંથી 10 ટકા હિસ્સો ગૌમાતાને સમર્પિત કરશે. આ બાબતે પિતા કહે છે કે, અમે અમારા લગ્નપ્રસંગ થકી આજના યુવાઓને આ મેસેજ આપવા માંગીએ છીએ કે તેમની કમાણીમાંથી દસ ટકા હિસ્સો ગૌમાતાને માટે રાખે અને પર્યાવરણની જાળવણી પણ કરે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે