સુરતના બિલ્ડરે ભાગીદારોથી કંટાળીને મોત વ્હાલુ કર્યું, પોતાની જ કન્સ્ટ્રક્શન સાઈડ પર ઝેર પીધું

Surat News : ત્રણ ભાગીદારોને પોતાની આત્મહત્યા માટે જવાબદાર ગણીને સુરતના બિલ્ડરે મોત વ્હાલુ કર્યું

સુરતના બિલ્ડરે ભાગીદારોથી કંટાળીને મોત વ્હાલુ કર્યું, પોતાની જ કન્સ્ટ્રક્શન સાઈડ પર ઝેર પીધું

ચેતન પટેલ/સુરત :સુરતના પાલ ગૌરવ પથ-પાલનપુર વિસ્તારમાં નિર્માણાધીન કલ્યાણ રેસિડન્સીવાળી જમીનના માલિક સાથેના આર્થિક વિવાદોથી કંટાળીને આપઘાત કર્યો છે. છેલ્લા કેટલાક સમયથી સતત માનસિક તણાવમાં રહેતા બિલ્ડર અનિલ પટેલે ઝેરી દવા પી આપઘાત કરી લેતા ચકચાર મચી ગઇ છે. બીજી તરફ પરિવારને જમીન માલિક સાથેના વિવાદ અંગેના ઉલ્લેખવાળી સ્યુસાઇડ નોટ પણ મળી આવી છે. જો કે આ બનાવમાં પરિવારે પોલીસને કોઈ પણ પ્રકારની સ્યુસાઈડ નોટ નહિ આપતા પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

પોતાની જ કન્સ્ટ્રક્શન સાઈડ પર મૃત મળ્યાં બિલ્ડર 
પ્રાપ્ત માહિતી અનુસાર, અડાજણના ગંગેશ્વર મહાદેવ મંદિર નજીક વેસ્ટર્ન સેવન સીઝ બંગલોમાં બિલ્ડર અનિલ રમણ પટેલ રહે છે. તેઓ મંગળવારે સાંજે 8 વાગ્યે રોજના ક્રમ મુજબ ઘરે પહોંચ્યા ન હતા. તેમનો મોબાઇલ ફોન પણ બંધ હોવાથી પરિજનોએ શોધખોળ કરી હતી. શોધખોળ દરમિયાન તેઓ પાલ ગૌરવ પથ રોડ પર તેમની કન્સ્ટ્રક્શન સાઇટના પાર્કિંગમાંથી ઝેરી દવા પીધેલી હાલતમાં મળી આવ્યા હતા. બિલ્ડર અનિલ પટેલને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. પરંતુ તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. સ્વભાવે મિલનસાર અનિલ પટેલના આપઘાતની જાણ થતા સગાસંબંધીઓ હોસ્પિટલ ખાતે દોડી ગયા હતા અને અડાજણ પોલીસ પણ દોડી આવી હતી. પરિવારને અનિલભાઈના પેન્ટના ખિસ્સામાંથી સ્યુસાઇટ નોટ પણ મળી આવી હતી.

મારી મોતનું કારણ શંકરકાકા, જતીન અને ગણપતકાકા છે
બિલ્ડર અનિલ પટેલ પ્રેસનોટમાં લખ્યુ હતું કે, જતીને 3 મહિનાથી માનસિક ત્રાસ આપ્યો છે, સાથે શંકરકાકા પણ એ જ રીતે વર્તન કરતા હતા, હવે સહન નથી થતું. હું કોઇ કસ્ટમર કે વેપારીને જવાબ નથી આપી શકતો, મારે રોજ નવા નવા બહાના બતાવવા પડે છે. મારી મોતનું કારણ શંકરકાકા, જતીન અને ગણપતકાકા છે. મને કોઇ સમજવા જ રાજી નથી. બહુ સમજાવ્યા પણ મને આપઘાત કરવા મજબૂર કરી દીધો. મેં જે કંઇ કર્યુ કંપની માટે જ, મેં સસ્તા ફ્લેટ વેચ્યા અને કંપની માટે જ વ્યાજે લીધા હતા. એમા મારો કોઇ સ્વાર્થ ન હતો. કાકા લોકો મારી કોઇ વાત સમજાવ માંગતા જ ન હતા, છેવટે મેં આ પગલું ભર્યુ.

ઉલ્લેખનીય છે કે હોસ્પિટલ ખાતે એકઠા થયેલા લોકોમાં એવું ચર્ચાય રહ્યું હતું કે નિર્માણાધીન કલ્યાણ રેસીડન્સીવાળી જમીનના માલિક શંકર પટેલ, જતીન પટેલ અને અનિલ પટેલ વચ્ચે છેલ્લા ત્રણ-ચાર મહિનાથી આર્થિક બાબતે વિવાદ ચાલી રહ્યો હતો. જે અંતર્ગત જમીન માલિક દ્વારા કેટલાક આક્ષેપો કરવામાં આવતા માનસિક તણાવમાં રહેતા અનિલ પટેલે આપઘાતનું આંત્યાતિક પગલું ભરી લીધું હતું. જો કે બીજી તરફ આ બનાવમાં પરિવારે પોલીસને કોઈ પણ પ્રકારની સ્યુસાઈડ નોટ નહિ આપતા પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news