ગાંધીનગરમાં કેમ કોઈ દિવસ રસ્તા નથી તૂટતા? બીજે નવા બ્રિજ પણ કેમ તૂટી જાય છે? જાણો મંત્રીજીનો જવાબ

ગાંધીનગરમાં મંત્રીઓની અવરજવર હોય છે શું એટલે ગાંધીનગરના રસ્તા હંમેશા ચકાચક હોય છે? સરકાર ગાંધીનગરમાં બેસે છે શું એટલે ક્યારેય ગાંધીનગરના રસ્તા તૂટતા નથી?

ગાંધીનગરમાં કેમ કોઈ દિવસ રસ્તા નથી તૂટતા? બીજે નવા બ્રિજ પણ કેમ તૂટી જાય છે? જાણો મંત્રીજીનો જવાબ

શંખનાદ 2022/ZEE24કલાકઃ ગુજરાત સરકારના સહકાર અને માર્ગ-મકાન મંત્રી જગદીશ વિશ્વકર્મા પણ ઝી24કલાકના ચૂંટણીલક્ષી કાર્યક્રમ શંખનાદ 2022માં ઉપસ્થિત રહ્યાં. અને તેમણે પણ વિવિધ સવાલોના સહજ રીતે જવાબ આપ્યાં. આ સમયે તેમની સાથે મંચ લાઠીથી ધારાસભ્ય અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા વિરજી ઠુમ્મર હતાં. બન્ને વચ્ચે કેટલાંક મુદ્દાઓ પર થોડી ગરમા-ગર્મી પણ થઈ. અને સ્વભાવિક રીતે ચૂંટણીલક્ષી કાર્યક્રમ હોવાથી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં લઈને બન્ને વચ્ચે આક્ષેપ-પ્રતિઆક્ષેપો પણ થયાં. આ મુદ્દે વિરજી ઠુમ્મરે આક્ષેપ કર્યોકે, ગુજરાતમાં બે-પાંચ બ્રિજ ને રોડ-રસ્તા બનાવી સરકાર વાહવાહી લૂંટે છે. એકપણ રોડ-રસ્તાના ઠેકાણાં હોતા નથી. સહકાર ક્ષેત્રે પણ ભાજપે કોઈ ખાસ કામો કર્યા નથી.

રોડ-રસ્તાની હાલત તેમ સાવ ખસ્તા છે?
માર્ગ-મકાન મંત્રી જગદિશ વિશ્વકર્માએ આ મુદ્દે જણાવ્યુંકે, ગુજરાત રાજ્યમાં અંદાજે 2 લાખ 20 હજાર કિલો મીટરનું રસ્તાઓનું નેટવર્ક પથરાયેલું છે. જેમાં દર વર્ષે અંદાજે 10 હજાર કિ.મી. નવા રોડનું નિર્માણ થાય છે. જોકે, આ રસ્તાઓમાં કોઈપ પ્રકારની ગેરરીતિ જાણાય તો કોન્ટ્રાક્ટરો અને સંબંધિત અધિકારીઓ સામે કડકમાં કડક પગલાં લેવામાં આવે છે. આગામી સમયમાં પણ જોઈ કોઈ બેદરકારી જણાશે તો તેમની સામે સખત કાર્યવાહી કરવામાં આવશે.

ગાંધીનગરમાં કેમ રસ્તા નથી તૂટતા? 
ગાંધીનગરમાં મંત્રીઓની અવરજવર હોય છે શું એટલે ગાંધીનગરના રસ્તા હંમેશા ચકાચક હોય છે? સરકાર ગાંધીનગરમાં બેસે છે શું એટલે ક્યારેય ગાંધીનગરના રસ્તા તૂટતા નથી? આ સવાલોનો જવાબ આપતાં માર્ગ-મકાન મંત્રી જગદિશ વિશ્વકર્માએ જણાવ્યુંકે, મંત્રી હોય કે સામાન્ય માણસો રસ્તા બધાના માટે સરખાં જ હોય છે. ક્યાં પણ રસ્તાની બેદરકારી સામે આવે તો અમે કોન્ટ્રાક્ટરને બ્લેક લીસ્ટ કરીને તેની સામે કાર્યવાહી કરીએ છીએ. રસ્તા ખરાબ થાય તે તેણે આપેલી ગેરેંટી અંતર્ગત તેણે વિના મૂલ્યે રસ્તા રિપેર કરીને આપવાના હોય છે.

નવા બનેલાં બ્રિજ કેમ તૂટી જાય છે?
આ મુદ્દે જગદિશ વિશ્વકર્માએ જણાવ્યુંકે, દરેક બાબતો સરકારના હાથમાં હોતી નથી. સરકાર દરેક બ્રિજ અને રોડ-રસ્તાઓનું મોનિટરિંગ કરતી હોય છે. ક્યાંય પણ કોઈપણ પ્રકારની ખામી જણાય તો આ અંગે સખત પગલાં લેવામાં આવે છે. હું પ્રજાને ખાત્રી આપું છુંકે, જો ભવિષ્યમાં પણ કોન્ટ્રાક્ટરની આવી કોઈ બેદરકારી સામે આવશે તો તેની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે.

સહકારી ક્ષેત્રથી સામાન્ય જનતાને શું લાભ?
કાર્યક્રમ દરમિયાન રાજ્ય સરકારના સહકાર અને માર્ગ-મકાન મંત્રી જગદિશ વિશ્વકર્માને પૂછવામાં આવ્યું કે, સહકારી ક્ષેત્રના રાજકારણથી પ્રજાને શું લાભ થાય છે? આ સવાલના જવાબમાં જગદિશ વિશ્વકર્માએ જણાવ્યુંકે, સહકાર વિભાગએ સરકારનો ખુબ અગત્યનો વિભાગ છે. અને એજ કારણોસર કેન્દ્રની મોદી સરકારે પણ કેન્દ્રમાં સહકાર વિભાગની રચના કરી અને કેન્દ્રિય ગૃહમંત્રી અમિતશાહને તેની જવાબદારી પણ સોંપી છે. સહકારી ક્ષેત્રનું માળખું ખુબ જ વિશાળ છે. સહકાર વિભાગને કારણે વિવિધ મંડળીઓમાં સહકારી ક્ષેત્રના સંગઠનોમાં અને વિવિધ સહકારી સંસ્થાઓમાં બની બેઠેલાં પ્રમુખો અને ચેરમેનો કે જે સત્તાન દૂર ઉપયોગ કરતા હોય તેમને અટકાવવામાં આવ્યાં છે. ઘણે ઠેકાણે તેમને હટાવવામાં પણ આવ્યાં છે. ભારતીય જનતા પાર્ટીએ સહકારી ક્ષેત્રે માધુપુરા અને મહેસાણા સહકારી બેંક જેવી સંસ્થાઓના પતનને અટકાવ્યું છે. સહકારી ક્ષેત્રમાં ભાજપે આ બેંકોને બચાવવાનું મોટું કામ કર્યું છે. 

શું ભાજપ ઓબીસી અનામત ખતમ કરવા માંગે છે?
જગદિશ વિશ્વકર્માએ જણાવ્યુંકે, હું એક ઓબીસી નેતા છું અને આપણાં પ્રધાનમંત્રી મોદી પોતે પણ ઓબીસી સમાજમાંથી આવે છે. ઓબીસીને બંધારણ તરફથી જે હક આપવામાં આવ્યાં છે તે યથાવત રહેશે. આઝાદીના આટલા વર્ષો વીતી ગયા ત્યાં સુધી કોંગ્રેસે કેમ ઓબીસી આયોગ ન બનાવ્યું.

શું 2022માં ભાજપ માટે કોંગ્રેસ પડકાર બની શકે? 
આ મુદ્દે જગદિશ વિશ્વકર્માએ જણાવ્યુંકે, અમારી પાર્ટીના શીર્ષ નેતા પ્રધાનમંત્રી મોદીને દુનિયાભરના નેતાઓમાં લોકપ્રિયતાની બાબતે સૌથી વધારે રેટિંગ મળે છે. જ્યારે કોંગ્રેસ પાસે તો નેતાઓની જ કમી છે. રાષ્ટ્રીય કોંગ્રેસ હોય કે ગુજરાત કોંગ્રેસ એ પરિવારવાદથી જ ચાલે છે. ખાસ કરીને ગુજરાત કોંગ્રેસની ટીમ કોઈના કંટ્રોલમાં નથી.   

2022માં શું પરિણામ આવશે? 
આ મુદ્દે જવાબ આપતા જગદિશ વિશ્વકર્માએ જણાવ્યુંકે, વર્ષ 2022માં ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓમાં ઘરેઘરે કમળ ખિલશે, ભાજપનો ભવ્ય વિજય જશે. કોંગ્રેસની વાયદાઓની વણઝાર અને AAP ની રેવડી ગુજરાતમાં નહીં ચાલે. કોંગ્રેસના સુપડાસાફ થઈ જશે અને આપનું ઝાડુ પણ ક્યાંય ખોવાઈ જશે. ગુજરાતની પ્રજા ખોબલે ખોબલા ભરીને પ્રધાનમંત્રી મોદીની વિઝનને ધ્યાનમાં રાખીને ભાજપને જ મત આપશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news