મંદીમાં પણ સુરત અને રાજકોટ સરકાર માટે દુઝણી ગાય સાબિત થયા, ઈકોનોમિકલ ગ્રોથમાં ટો-10 લિસ્ટમાં પહોંચ્યા
Trending Photos
ચેતન પટેલ/સુરત :ટેક્સટાઇલ અને હીરા ઉદ્યોગ પર હાલ મંદીના વાદળો મંડરાઈ રહ્યાં છે. છેલ્લા બે વર્ષથી મંદીની અસરના કારણે ઉદ્યોગ મુશ્કેલીમાં છે, છતાં સુરત શહેર ફરી એક વખત ઈકોનોમિકલ ગ્રોથમાં દુનિયાના દેશમાં નંબર 1 બન્યું છે. ગુજરાતના તમામ શહેરોમાંથી સુરતનો જીડીપી ગ્રોથ નંબર એક પર છે. આ સરવે દેશની કોઈ સંસ્થા નહિ, પરંતુ ઓક્સફોર્ડ ઈકોનોમિક્સ સરવેમાં બહાર આવ્યો છે. આગામી બે દાયકામાં ભારતના શહેરોમાં સૌથી વિકસતા શહેરોની યાદીમાં અગ્રેસર શહેરોના નામોની જાહેરાત કરાઈ છે.
ગુજરાતના 2 શહેરોનો ટોપ-10માં સમાવેશ
દેશભરમાં મંદીનો માહોલ છે અને ખાસ કરીને જ્યારે ગુજરાતની વાત કરવામાં આવે તો સુરતના બે મુખ્ય ઉદ્યોગ ટેકસ્ટાઇલ અને ડાયમંડ પણ મંદીના ગ્રહણથી અછૂત નથી. પરંતુ સૌથી આશ્ચર્યની વાત એ છે કે, મંદી હોવા છતાં સુરતનો જીડીપી ગ્રોથ અન્ય શહેરો કરતા ખૂબ જ સારો છે. ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાતમાં જીડીપી ગ્રોથમાં સુરતે બાજી મારી છે. આ વાત કોઈ સરકારી કે ખાનગી સંસ્થાના સરવેના આંકડાઓ નથી કહેતા, આ સરવે વિશ્વના વિશ્વાસપાત્ર કહેવાતા ઓકસફોર્ડ ઇનોમિક્સના સરવેમાં જાહેર કરાયો છે. આ સરવેમાં ગુજરાતના બે શહેર સુરત અને રાજકોટનો સમાવેશતો ટોપ-10માં થાય છે. સુરત તો ટોચ પર છે.
હોંગકોંગની કટોકટીનો સુરતનો ફાયદો થયો
એક તરફ મંદીનો માર અને બીજી બાજુ પણ પોતાનો જીડીપી ગ્રોથ કેવી રીતે સચવાઈ શકવો એ સુરતના ઉદ્યોગકારોએ સાબિત કર્યું છે. જેમ્સ એન્ડ જ્વેલરી પ્રમોશન કાઉન્સિલના ચેરમેન દિનેશ નાવડિયાએ જણાવ્યુ છે કે, ટેક્સટાઇલમાં વેલ્યુ એડીશન અને હીરા ઉદ્યોગમાં હાલ હોંગકોંગમાં ચાલી રહેલ કટોકટીની સ્થિતિમા સુરતને લાભ થયો છે. સુરતના ઉદ્યોગો હવે પ્રત્યક્ષ રીતે અન્ય દેશો સાથે કનેક્ટ થઇ રહ્યા છે, જેનાથી ઉદ્યોગોને લાભ મળી રહ્યો છે. નોટબંધી અને જીએસટી પછી બંને ઉદ્યોગમાં આર્થિક મંદી સ્પષ્ટ જોવા મળી રહી છે. તેમ છતાં ઓક્સફોર્ટ ઇકોનોમિક્સ દ્વારા જાહેર કરાયેલા સરવેએ સૌને આશ્ચર્યમાં મૂકી દીધા છે.
રાજકોટ 8.33 ટકાના વૃદ્ધિદર સાથે સાતમા ક્રમે
દિનેશ નાવડિયાએ જણાવ્યુ હતુ કે, છેલ્લા બે વર્ષથી મંદીમાં બંને ઉદ્યોગ છે, પરંતુ ધીમે ધીમે લોકો જીએસટીને સમજવા લાગ્યા છે અને સરકાર પણ બદલાવ કરી રહી છે. ઉદ્યોગ પણ અવનવા પ્રયોગ કરી રહ્યા છે. જેના કારણે ઉદ્યોગને નવી દિશા મળી છે. સાથે જેમ્સ એન્ડ જ્વેલરી અને ગોલ્ડ જ્વેલરીના એક્સપોર્ટમાં પણ વધારો થયો છે. ઓક્સફોર્ડ ઈકોનોમિક્સના સરવે અનુસાર સુરતનો વાર્ષિક ગ્રોથ સરેરાશ 9.17 ટકાનો રહેવાની શક્યતા છે. જ્યારે ગુજરાતનું જ અન્ય શહેર રાજકોટ 8.33 ટકાના વૃદ્ધિદર સાથે સાતમા ક્રમે છે.
તાજેતરમાં જ ઓક્સફોર્ડ ઇકોનોમિક્સ ગ્લોબલ સિટીઝનું રિસર્ચ જાહેર થયુ છે. જેમાં સૌથી વધુ ઈકોનોમિક ગ્રોથ રેટ ધરાવતાં ટોપ ટેન શહેરોની યાદીમાં સુરતને નંબર 1નું સ્થાન આપવામાં આવ્યું છે. ઓક્સફોર્ડના સર્ચ ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્શન(જીડીપી), લેબર માર્કેટ, વસ્તી, ઇન્કમ, ગ્રાહકોનો ખર્ચ કરવાની ક્ષમતા જેવા મુદ્દાઓને સાંકળી સુરતને દેશમાં સૌથી વધુ ગ્રોથ કરતાં શહેરોની યાદીમાં મોખરે સ્થાન આપવામાં આવ્યું છે. સુરતમાં ઇમર્જિંગ માર્કેટ તથા લેબર-મૂડીરોકાણને આકર્ષવાની ક્ષમતા દેશના વિવિધ શહેરો કરતાં સૌથી વધુ હોવાનો મત પણ વ્યક્ત કરાયો છે. ઓક્સફોર્ડ ઇકોનોમિક્સ સરવેને જો સુરતના ટેક્સ કનેક્શન સાથે જોડીએ તો આવનારા સમયમાં સુરત સરકાર માટે દુઝણી ગાય સાબિત થશે.
વર્ષ 2035 સુધી સુરતમાંથી ડાયરેક્ટ અને ઇન ડાયરેકટ ટેક્સ કલેકશન પાંચ લાખ કરોડથી વધુ થઈ જશે. હાલ વર્ષ 2018માં આઇટી, જીએસટી અને કસ્ટમનું ટેક્સ કલેકશન 23 હજાર કરોડ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે