ગુજરાતની જાણીતી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ કહ્યું; શિક્ષક જ નથી તો કોલેજ આવવાનો શું મતલબ?

વિશ્વ વિખ્યાત એમ.એસ યુનિવર્સિટીમાં શિક્ષકોની અછતના કારણે વિદ્યાર્થીઓ પરેશાન છે. અહી કેટલાક વિદ્યાર્થીઓ તો એવા છે કે જેમને શિક્ષક વિનાની કોલેજમાં જઈને શું મતલબ? એવું વિચારી ટ્યુશન ક્લાસ તરફ દોટ મૂકી છે.

ગુજરાતની જાણીતી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ કહ્યું; શિક્ષક જ નથી તો કોલેજ આવવાનો શું મતલબ?

હાર્દિક દીક્ષિત/વડોદરા: આજે શિક્ષક દિવસ છે રાજ્યની શાળા કોલેજોમાં આજના દિવસની ધામધૂમ થી ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે વિશ્વ વિખ્યાત એમ.એસ યુનિવર્સિટીમાં શિક્ષકોની અછતના કારણે વિદ્યાર્થીઓ પરેશાન છે. અહી કેટલાક વિદ્યાર્થીઓ તો એવા છે કે જેમને શિક્ષક વિનાની કોલેજમાં જઈને શું મતલબ? એવું વિચારી ટ્યુશન ક્લાસ તરફ દોટ મૂકી છે.

એવુ કહેવાય છે કે એક શિક્ષક સમાજનું ઘડતર કરવામાં ખૂબ મહત્વની ભૂમિકા ભજવે છે. પરંતુ આ સુવિચારથી એમ એસ યુનિવર્સિટી ના સત્તાધીશોને કોઈ લેવા દેવા નથી. કારણ કે જો સત્તાધીશોને શિક્ષકનું મહત્વ ખબર હોત તો આજે યુનિવર્સિટીનું શિક્ષણ કાર્ય ટલ્લે ન ચઢ્યું હોત. વિશ્વ વિખ્યાત એમ.એસ. યુનિવર્સિટી છેલ્લા ઘણા સમયથી શિક્ષકોની અછતને કારણે ઘણા સમયથી ચર્ચામાં છે. અહીંનું મેનેજમેન્ટ પોતાની ઢીલી કાર્યપદ્ધતિના કારણે વિદ્યાર્થીઓમાં વગોવાયેલા છે.

ત્યારે શિક્ષક દિનના દિવસે આ યુનિવર્સિટી ફરી એક વખત વિવાદમાં આવી છે.તમને જાણી ને નવાઇ લાગશે કે જે યુનિવર્સિટીમાં એડમિશન લેવા હજારો વિદ્યાર્થીઓ પડાપડી કરતા હોય છે ત્યાં અહી આવેલી કોમર્સ ફેકલ્ટી માં હજી સુધી એફ.વાય.બી.કોમના વર્ગ શરૂ જ થયા નથી. જેની પાછળ હંગામી શિક્ષકોની અછત પણ કારણભૂત સાબિત થઈ રહી છે, અહી નવી શિક્ષણ નીતિ અંતર્ગત કોર્સમાં ફેરફાર ને કારણે પણ વિલંબ થયો હોવાની ચર્ચા ચાલી રહી છે. કોમર્સ ફેકલ્ટીમાં હજી સિલેબસનું ડિસ્કશન સંપૂર્ણ રીતે પૂર્ણ થયું નથી. જેનાથી વિદ્યાર્થીઓ અજાણ છે. અહી આવતા હજારો વિદ્યાર્થીઓ વહેલી તકે શિક્ષણ શરૂ કરવાની માંગ કરી રહ્યા છે.

ભણાવવા માટે પૂરતા શિક્ષક જ નથી તો કોલેજ આવવાનો શું મતલબ?
તો બીજી તરફ કહે શું ને કરે શું માટે જાણીતા કોમર્સ ફેકલ્ટીના ડીન પ્રો કેતન ઉપાધ્યાય ભૂલ સ્વીકારવા તૈયાર નથી. આમ તો યુનિવર્સિટીના એક વર્ગ ખંડમાં 120 વિદ્યાર્થીઓ વચ્ચે 1 શિક્ષક હોવો જોઈએ ત્યારે હાલ 200 વિદ્યાર્થીઓ વચ્ચે 1 શિક્ષણ પોતાની ફરજ બજાવે છે. એમાંય કાઇ ભલીવાર નથી કારણ કે આ શિક્ષક કાયમી નથી. અવારનવાર બદલાયા કરે છે. ઘણી વાર તો વિદ્યાર્થીઓ પણ બદલાયેલા શિક્ષકને જોઈને વિચારમાં પડી જાય છે કે ભૂલથી બીજા ક્લાસમાં તો નથી આવી ગયા ને ? 

યુનિવર્સિટી તંત્ર માં હાલ શિક્ષણ કાર્ય ગોટે ચડ્યું છે ને વિદ્યાર્થીઓ શિક્ષક વિના ગોથા ખાઈ રહ્યા છે ત્યારે કોમર્સ ફેકલ્ટી ના ડિન કેતન ઉપાધ્યાય એ પોતાની સફાઈ આવતા જણાવ્યું હતું કે અમને નવી શિક્ષણ નીતિનો સર્ક્યુલર 15 જુલાઈ બાદ મળ્યો છે. જેને લઈને સિલેબસ રીસ્ટ્રક્ચર કરવો પડ્યો છે. અત્યાર સુધી 125 જેટલા હંગામી શિક્ષકો ની અછત હતી એ સ્વીકારીએ છીએ, અમને 125 હંગામી શિક્ષકોનો ઓર્ડર પણ બે દિવસ પહેલા જ મળ્યો છે. નવી શિક્ષણ નીતિના સિલેબસ અંગે આજે તેમને માર્ગદર્શન આપીશું અને ટૂંક સમયમાં નવા શિક્ષકોની ભરતી પ્રક્રિયા પૂર્ણ થશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news