PM મોદીના આ સ્વપ્નને સફળ બનાવવા ગુજરાત મક્કમ! તમામ જિલ્લાઓને મળ્યો ODF+ જિલ્લાનો દરજ્જો

રાજ્યના શૌચાલય વિહોણા 44 લાખથી વધુ પરિવારો માટે કરાયું શૌચાલયનું નિર્માણ, રાજ્યમાં વ્યક્તિગત ૪.૮૦ લાખ અને સામૂહિક ૪૯ હજારથી વધુ સોકપીટનું બાંધકામ પૂર્ણ. ગુજરાતમાં ૨૩ હજારથી વધુ સામૂહિક અને ૮૫૦૦થી વધુ વ્યક્તિગત કમ્પોસ્ટ પીટનું નિર્માણ.

PM મોદીના આ સ્વપ્નને સફળ બનાવવા ગુજરાત મક્કમ! તમામ જિલ્લાઓને મળ્યો ODF+ જિલ્લાનો દરજ્જો

ઝી બ્યુરો/ગાંધીનગર: વર્ષ-2014માં ભારતના વડાપ્રધાન પદનું દાયિત્વ સંભાળ્યાના ૬ માસમાં જ નરેન્દ્ર મોદીએ સમગ્ર દેશમાં ‘સ્વચ્છ ભારત મિશન‘ની શરૂઆત કરાવી હતી. વડાપ્રધાનએ શરૂ કરેલી આ મહત્વપૂર્ણ મુહિમ આજે જન આંદોલન બની છે, ગુજરાત રાજ્ય આ અભિયાનને સફળ બનાવવા મક્કમતા સાથે કામગીરી કરી રહ્યું છે. પરિણામે આજે ગુજરાતના તમામ જિલ્લાઓને ODF+ એટલે કે ખુલ્લામાં શૌચમુક્ત જિલ્લાનો દરજ્જો હાંસલ થયો છે.

સ્વચ્છ ભારત મિશનને સફળ બનાવવામાં ગુજરાતના ગ્રામીણ વિસ્તારોએ આપેલા યોગદાન અંગે માહિતી આપતા ગ્રામ વિકાસ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, દેશનો કોઈપણ પરિવાર શૌચાલય વિહોણો ન રહી જાય તે માટે ભારત સરકાર દ્વારા તમામ રાજ્યોને સૂચનાઓ આપવામાં આવી હતી. જેને અનુસરતા ગુજરાતના ગ્રામીણ વિસ્તારોમાં પાત્રતા ધરાવતા અને શૌચાલય વિહોણા કુલ 44 લાખથી વધુ પરિવારો માટે શૌચાલયનું નિર્માણ કરવામાં આવ્યું છે. 

મંત્રી પટેલે જણાવ્યું કે, સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) અંતર્ગત રાજ્યમાં પ્રવાહી કચરાના નિકાલ અને તેના વ્યવસ્થાપન માટે ગામડાઓમાં વ્યક્તિગત અને સામૂહિક સોકપીટની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેના પરિણામ સ્વરૂપે હાલમાં વ્યક્તિગત 4.80 લાખથી વધુ સોકપીટ અને સામૂહિક 49 હજારથી વધુ સોકપીટનું બાંધકામ પૂર્ણ કરવામાં આવ્યું છે.

મંત્રીએ ઉમેર્યું હતું કે, ગ્રામ્ય વિસ્તારોમાં ઘન અને પ્રવાહી કચરાના સુયોગ્ય નિકાલ માટે સ્વચ્છ ભારત મિશન અમલમાં મૂકવામાં આવ્યું હતું. આ મિશનની સફળતા બાદ ભારત સરકાર દ્વારા વર્ષ 2020-21 થી વર્ષ 2024-25 માટે સ્વચ્છ ભારત મિશન ભાગ-2 અમલમાં મૂકાયો છે. જે અંતર્ગત ગામને ODF+ જાહેર કરવા માટે ઘન કચરાના વ્યવસ્થાપન અંતર્ગત જૈવિક કચરાના નિકાલ માટે 23 હજારથી વધુ સામૂહિક કમ્પોસ્ટ પીટ અને 8500થી વધુ વ્યક્તિગત કમ્પોસ્ટ પીટનું બાંધકામ પૂર્ણ કરવામાં આવ્યું છે.

આ ઉપરાંત પ્લાસ્ટિક કચરાના વ્યવસ્થાપન માટે 899 એમ.ઓ.યુ. કરીને 5781 ગામોને આવરી લેવામાં આવ્યા છે. ઘન કચરાના વ્યવસ્થાપનની કામગીરીના ભાગરૂપે પણ હાલમાં 12,250 ગામોમાં કચરાનું ડોર ટુ ડોર કલેક્શન થાય છે, અને 5695 સેગ્રીગેશન શેડનું બાંધકામ પૂર્ણ કરવામાં આવ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં ‘ગોબર ધન પ્રોજેકટ‘ અંતર્ગત તમામ જિલ્લાઓમાં મળી કુલ 38 ક્લસ્ટર બેઇઝ બાયોગેસ પ્લાન્ટ માટેનું આયોજન કરવામાં આવ્યું છે. જે અન્વયે કુલ 7600 વ્યક્તિગત બાયોગેસ પ્લાન્ટના લક્ષ્યાંક સામે 7147 વ્યક્તિગત બાયોગેસ પ્લાન્ટની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે, અને 543 બાયોગેસ પ્લાન્ટની કામગીરી કાર્યરત છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news