દક્ષિણ-પશ્ચિમ એર કમાન્ડના વડાએ લીધી ગુજરાત-રાજસ્થાનના એરફોર્સ સ્ટેશનની મુલાકાત

એર માર્શલ એચ.એસ. અરોરાએ ક્રૂની ચોકસાઈ, એરબેઝની તૈયારીઓ અને સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી હતી 
 

દક્ષિણ-પશ્ચિમ એર કમાન્ડના વડાએ લીધી ગુજરાત-રાજસ્થાનના એરફોર્સ સ્ટેશનની મુલાકાત

અર્પણ કાયદાવાલા/અમદાવાદઃ દક્ષિણ-પશ્ચિમ એર કમાન્ડના વડાએ આજે ગુજરાત અને રાજસ્થાનમાં આવેલા એરફોર્સના વિવિધ સ્ટેશનોની મુલાકાત લીધી હતી. આ મુલાકાતમાં તેમણે વિવિધ પ્રકારની તૈયારીઓની સમીક્ષા કરી હતી. 

ભારત સરકાર દ્વારા જમ્મુ-કાશ્મીરમાંથી કલમ-370 નાબૂદ કરવાના, જમ્મુ-કાશ્મીર અને લદ્દાખને બે અલગ-અલગ કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવાના નિર્ણય પછી પાકિસ્તાને ભારત સાથેનાં દ્વીપક્ષીય સંબંધોમાં કાપ મુકવાની જાહેરાત કરી છે. આ સાથે જ પાકિસ્તાને ભારત-પાકિસ્તાન વચ્ચે ચાલતી સમજૌતા એક્સપ્રેસ અને થાર એક્સપ્રેસનું સંચાલન પણ બંધ કરી દીધું છે. 

રાજસ્થાન-પંજાબ સરહદ પરથી આતંકવાદીઓની ઘુસણખોરીની સંભાવનાઓ પણ વધી ગઈ છે. બંને રાજ્યની સરહદ પર અત્યારે સ્થિતિ અત્યંત તનાવપૂર્ણ જોવા મળી રહી છે. જેના કારણે કેન્દ્ર સરકાર દ્વારા સરહદી દળોને એલર્ટ રહેવા માટે નિર્દેશ આપવામાં આવ્યા છે. જેના અનુસંધાને દક્ષિણ-પશ્ચિમ એરકમાન્ડના એર માર્શલ એચ.એસ. અરોરાએ (AVSM, ADC, એર ઓફિસર કમાન્ડીંગ-ઈન-ચીફ) ગુજરાત-રાજસ્થાન સરહદ પર આવેલા ભારતીય વાયુદળના વિવિધ એર-બેઝની મુલાકાત લીધી હતી. 

આ મુલાકાત દરમિયાન તેમણે દક્ષિણ-પશ્ચિમ એર કમાન્ડના ઓપરેશનની તૈયારી, બેઝની સુરક્ષા વ્યવસ્થા વગેરેની સમીક્ષા કરી હતી. સરહદ પરની તણાવપૂર્ણ સ્થિતિને ધ્યાનમાં રાખતા આ મુલાકાત અત્યંત મહત્વની ગણાય છે. તેમણે સુરક્ષાના સ્તરને સુધારવા માટે અન્ય સૈન્ય, અર્ધસૈનિક દળો અને પોલીસ દળો સાથેના સહયોગ પર વધુ ભાર મૂક્યો હતો. આ મુલાકાતમાં તેમણે એરબેઝ પર કાર્યરત ક્રૂની ચોકસાઈ અને પર્યાવરણને તપાસવા માટે તેમણે આ બેઝમાં રાખવામાં આવેલા વિવિધ યુદ્ધ વિમાનોની ઉડાન પણ ભરી હતી.

ઉલ્લેખનીય છે કે, બોર્ડર પર આંતરિક સુરક્ષા માટે વધારાના અર્ધલશ્કરી દળોને તૈનાત કરવામાં આવ્યા છે. રાજસ્થાન નજીક આવેલી બોર્ડર પર બીએસએફનું ઓપરેશન એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. વધુ તકેદારી સાથે ઓપરેશનલ તૈયારીઓ મજબૂત કરવામાં આવી છે. અહીં પશ્ચિમ બોર્ડ પર આવેલા એરબેઝથી લડાકૂ વિમાનોના અભ્યાસ પણ તીવ્ર કરવામાં આવ્યા છે.

જૂઓ LIVE TV....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news