જન્માષ્ટમી : દ્વારકામાં બંધ દરવાજામાં પરંપરા યથાવત, શામળાજીમાં ભક્તો દર્શન માટે ઉમટ્યા
ભગવાન દ્વારકાધીશ જગત મંદિરના દરવાજા ભલે બંધ હોય, પણ ઉજવણીમાં કોઈ કચાશ રાખવામાં આવી ન હતી. મંદિરને દર વર્ષની જેમ શણગારાયું છે
Trending Photos
બ્રિજેશ દોશી/આશ્કા જાની/અમદાવાદ :દેશભરમાં આજે કૃષ્ણ જન્મોત્સવ (Janmastami) ઉજવાઈ રહ્યો છે. ત્યારે ગુજરાતમાં કૃષ્ણ જન્મનું અનેરુ મહત્વ રહેલું છે. જન્માષ્ટમીએ જગત મંદિર દ્વારકા અને શામળાજીમાં આવેલા મંદિરોની ઉજવણી ગુજરાતની શાન સમા બની જાય છે. જોકે, કોરોનાને કારણે ગુજરાતભરના મંદિરોમાં બંધબારણે કૃષ્ણ જન્મોત્સવ ઉજવાઈ રહ્યો છે. આવામાં ઈતિહાસમાં પ્રથમ વખત જન્માષ્ટમીએ દ્વારકાનું જગતમંદિર બંધ (Dwarka temple close) રહ્યું છે. લાખો ભાવિકો એકઠા થવાની શક્યતાને પગલે મંદિર ટ્રસ્ટ દ્વારા આ નિર્ણય લેવાયો છે. જોકે, શ્રદ્વાળુઓને કૃષ્ણ જન્મોત્સવના ઓનલાઈન દર્શનનો લાભ મળી રહ્યો છે. દ્વારકાના સ્થાનિકોને પણ આજે મંદિરમાં પ્રવેશ આપવામાં નહિ આવે. તો બીજી તરફ, શામળાજી મંદિર (shamlaji temple) માં દર્શન કરવા માટે ભગવાનના દ્વાર ખુલ્લા છે. જ્યાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા છે.
જન્માષ્ટમી સહિતના તહેવારોમાં દ્વારકામાં ગોમતી નદીમાં સ્નાનનું વિશેષ મહત્વ છે. પરંતુ કોરોનાને કારણે આજે અરબી સમુદ્રમાં ગોમતી નદીના સંગમ સ્થાન પર શ્રદ્ધાળુઓની પાંખી હાજરી જોવા મળી છે. જન્માષ્ટમીના તહેવાર છતાં પ્રશાસનના આદેશના કારણે ભક્તોની ભીડ પણ તટ પર જોવા નથી મળી. દ્વારકા મંદિરના પૂજારી પ્રણવભાઈએ કહ્યું કે, આજે પૂજારી પરિવાર અને અધિકારીઓની હાજરીમાં કૃષ્ણ જન્મોત્સવ ઉજવાશે. તમામ શ્રદ્ધાળુઓ ઘરે બેસીને ભગવાનના દર્શન કરી શકે છે. કોરોના મહામારીની નકારાત્મકતા દૂર થાય તેવી પ્રાર્થના સાથે આજે મંદિરમાં કૃષ્ણ જન્મોત્સવ ઉજવાશે.
મંદિર બંધ, પણ ડેકોરેશનમાં કોઈ કચાશ નહિ
તો ભગવાન દ્વારકાધીશ જગત મંદિરના દરવાજા ભલે બંધ હોય, પણ ઉજવણીમાં કોઈ કચાશ રાખવામાં આવી ન હતી. મંદિરને દર વર્ષની જેમ શણગારાયું હતું. સમગ્ર મંદિરમાં ડેકોરેશન કરવામાં આવ્યું છે. દ્વારકાથી પાંચ કિલોમીટર દૂરથી ઝળહળી રહેલું સુશોભિત જગતમંદિર નિહાળી શકાય તેવું ભવ્ય ડેકોરેશન કરાયું છે.
તો બીજી તરફ, અરવલ્લીના શામળાજીમાં જન્માષ્ટમીના પર્વને લઈને લોકો શામળિયા શેઠના દર્શન કરવા ઉમટ્યા છે. સોશિયલ ડિસ્ટન્સ સાથે ભાવિક ભક્તો દર્શન કરી રહ્યા છે. આજે ભગવાનને સોનાના આભૂષણો સાથે વિવિધ શણગાર સજાવવામાં આવશે. મંગળા આરતી બાદ પંચમૂર્તનો અભિષેક કરી ભગવાનને સ્નાન કરવામાં આવશે. ત્યાર બાદ બપોરે ભગવાનને આજે ખાસ રાજભોગ ધરવામાં આવશે. પરંતુ રાત્રે 8 વાગ્યાથી મંદિર ભક્તો માટે બંધ કરી દેવામાં આવશે. ભગવાનના અલૌકિલ મનોહર રૂપને જોવા માટે ભક્તો મોટી સંખ્યામાં શામળાજી આવી રહ્યા છે. પરંતુ દર વર્ષની સરખામણીમાં 10 થી 15 ટકા જેટલા જ ભક્તો જ દેખાયા છે.
છેલ્લા 30 વર્ષ થી 60 કિલોમીટરથી પગપાળા સંઘ લઈને અનેક ભક્તો શામળાજી પહોંચ્યા છે. 51 ગજની ધજા શામળશા શેઠને ધરવામાં આવશે. કોરોનાના કારણે ભક્તોની સંખ્યામાં ભલે ઘટાડો થયો હોય, પરંતુ પરંપરામાં કોઈ ઊણપ આવી નથી. શામળાજી મંદિરને અનેક રંગો સાથે રોશન કરાયું છે. કેળા અને આસોપાલવના તોરણ કરી મંદિરની સાજ-સજાવટ કરવામાં આવી છે. મંદિરને અંદરથી પણ લાઇટિંગ કરાયું છે. શામળાજી મંદિરના રોશનીના આકાશી દ્રશ્યો જુઓ તો મન પ્રસન્ન થઈ જાય.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે