14 વર્ષના તરુણ સ્વયંસેવકથી ગૃહમંત્રી સુધી : ફિલ્મ બનાવાય તેવી રોચક છે અમિત શાહની ‘રાજકીય કુંડળી’
Trending Photos
બ્રિજેશ દોશી/અમદાવાદ :કેન્દ્રમાં મોદી સરકાર 2ની રચના બાદ સૌથી મહત્વની જવાબદારી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહના સિરે આવી છે. ગઈકાલે મોદી સરકારના મંત્રી મંડળના ખાતાની ફાળવણી જાહેર થઈ, જેમાં ભાજપ અધ્યક્ષ અમિત શાહ દેશના નવા ગૃહમંત્રી બન્યા છે. દેશના ગૃહમંત્રી તરીકે આંતરીક અને બાહ્ય સુરક્ષાની જવાબદારી તેમને નિભાવવાની રહેશે. દેશના ગૃહમંત્રી તરીકે તેમની સામે અનેક પડકારો છે, પણ હાલ નવા ગૃહમંત્રીને લઇને દેશમાં ચર્ચા જાગી છે. કારણ કે 9 વર્ષ બાદ તેમની સરકારમાં એન્ટ્રી થઇ છે. કારણ કે, જુલાઇ, 2010માં અમિત શાહે ગુજરાતની મોદી સરકારના ગૃહમંત્રી પદેથી રાજીનામું આપ્યું હતું. જેના બાદ 31 મે 2019ના દિવસે અમિત શાહ કેન્દ્રની મોદી સરકારના ગૃહમંત્રી બન્યા છે.
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ હવે દેશના ગૃહમંત્રી બન્યા છે. કેન્દ્ર સરકારના બીજા નંબરના સૌથી મોટા પદ પર પહોંચનાર અમિત શાહની અત્યાર સુધીની સફરમાં ઘણાં ઉતાર-ચઢાવ આવ્યા છે. કેન્દ્રમાં ભાજપને સતત 2 વાર સત્તા પર બેસાડનાર અમિત શાહ હવે દેશના ગૃહમંત્રી તરીકે 5 વર્ષ કામ કરશે, ત્યારે દેશની સુરક્ષાને લઇને રહેલા જોખમો દૂર કરવાની મહત્વની જવાબદારી પણ તેમણે નિભાવવી પડશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સૌથી નજીક ગણાતા અમિત શાહ હવે દેશના ગૃહમંત્રી બન્યા છે ત્યારે તેમને લઇને અનેક અટકળો ચાલી હતી. કેન્દ્ર સરકારમાં પહોંચતા પહેલા અમિત શાહે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે સફળતા પૂર્વક 5 વર્ષ પૂરા કર્યા. ભાજપને દેશના ખૂણે ખૂણે પહોંચાડવામાં નરેન્દ્ર મોદી બાદ અમિત શાહની ભૂમિકા પણ મહત્વની રહી છે. 2009માં કેન્દ્રની સત્તા ગુમાવ્યા બાદ ભાજપને દેશમાં 150 બેઠકો મળવાની પણ આશા નહોતી, ત્યારે 2014 અને 2019માં 2 વાર પૂર્ણ બહુમતવાળી સરકાર બનાવવા માટે અમિત શાહે એડીચોટીનું જોર લગાવ્યું હતું. પણ પહેલા, અમિત શાહના રાજકીય જીવન પર એક નજર કરીએ...
- 22 ઓક્ટોબર 1964 ના મુંબઇમાં અમિત શાહનો જન્મ થયો
- 14 વર્ષની ઉંમરે અમિત શાહ રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘમાં જોડાયા. સંઘના તરુણ સ્વંયસેવક તરીકે તેમણે શરુઆત કરી
- વર્ષ 1982માં ભાજપની વિદ્યાર્થી પાંખ એબીવીપીમાં મંત્રી તરીકેની જવાબદારી મળી.
- વર્ષ 1982માં જ અમિત શાહની મુલાકાત સંઘના પ્રચારક નરેન્દ્ર મોદી સાથે થઇ
- વર્ષ 1984-85માં ભાજપના સભ્ય બન્યા બાદ નારણપુરા વોર્ડના બુથ એજન્ટની કામગીરી કરી
- ત્યાર બાદ અમદાવાદ શહેર ભાજપના મંત્રી તરીકે શાહે જવાબદારી સંભાળી. વર્ષ 1987થી ભાજપ યુવા મોરચામાં પણ અનેક વર્ષો સુધી સક્રિય કામગીરી સંભાળી
- વર્ષ 1991માં ભાજપના સાંસદ લાલકૃષ્ણ અડવાણીની ગાંધીનગર સીટની ચૂંટણી જવાબદારી સંભાળી
- અટલ બિહારી વાજપેયી ગાંધીનગરથી ચૂંટણી લડ્યા ત્યારે પણ અમિત શાહે જવાબદારી સંભાળી હતી
- વર્ષ 1995માં ગુજરાત સ્ટેટ ફાઇનાન્શીયલ કોર્પોરેશન GSFCના ચેરમેન બન્યા
- વર્ષ 1996-97માં સરખેજ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી જીતીને ધારાસભ્ય બન્યા
- વર્ષ 1997માં ભાજપ યુવા મોરચાના રાષ્ટ્રીય ખજાનચી તરીકે જવાબદારી સંભાળી
- સંગઠનમાં વિવિધ જવાબદારીઓ નિભાવ્યા બાદ પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ બન્યા હતા શાહ
- વર્ષ 1999માં દેશની સૌથી મોટી સહકારી બેંક એવી અમદાવાદ ડિસ્ટ્રીક્ટ કો ઓપરેટીવ બેંકના ચેરમેન બન્યા
- ત્યાર બાદ સતત 4 ટર્મ અમિત શાહ ધારાસભ્ય બન્યા અને રાજ્ય સરકારમાં મંત્રી પદ પણ સંભાળ્યું
- વર્ષ 2002માં ગુજરાતની મોદી સરકારમાં ગૃહરાજ્ય મંત્રી બન્યા. મોદી સરકારમાં ગૃહ, વાહનવ્યવહાર, નશાબંધી સહિતના ખાતા સંભાળ્યા
- વર્ષ 2007માં ફરી ચૂંટાયા બાદ ગૃહ, વાહનવ્યવહાર, નશાબંધી ઉપરાંત સંસદીય બાબતો અને કાયદા મંત્રી તરીકે પણ જવાબદારી નિભાવી
- વર્ષ 2005-2007 વચ્ચે રાજ્યમાં થયેલા એન્કાઉન્ટરના ધટનાક્રમો બાદ સીબીઆઇની તપાસના કારણે 2010માં તેમણે ગૃહરાજ્યમંત્રી તરીકે રાજીનામું આપ્યું. વર્ષ 2007 થી 2011 સુધીનો ગાળો અમિત શાહ માટે રાજકીય રીતે પણ ખૂબ પડકારજનક રહ્યો
- વર્ષ 2009માં શાહ ગુજરાત ક્રિકેટ એસોશિએશનના ઉપપ્રમુખ બન્યા
- જુલાઇ 2010માં એન્કાઉન્ટર કેસમાં તેમની ધરપકડ થઇ અને ઓક્ટોબર 2010માં જામીન મળ્યા
- વર્ષ 2010માં ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી બન્યા
- વર્ષ 2012માં નારણપુરા વિધાનસભા બેઠક પરથી જીતીને ફરી ધારાસભ્ય બન્યા શાહ
- વર્ષ 2013 માં ઉત્તરપ્રદેશ ભાજપના ચૂંટણી પ્રભારી તરીકે સફળ જવાબદારી નિભાવી
- વર્ષ 2014માં ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિના સભ્ય બન્યા અને આ જ વર્ષમાં લોકસભા ચૂંટણીઓમાં ભાજપને ઉત્તરપ્રદેશમાં 73 બેઠકો પર જીત અપાવી
- જૂન 2014માં અમિત શાહ ગુજરાત ક્રિકેટ એસોશિએશનના પ્રમુખ બન્યા. ત્યાર બાદથી BCCIની સમિતિના સભ્ય તરીકે પણ જવાબદારી નિભાવી રહ્યા છે
- જુલાઇ 2014માં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા બાદ દેશના સૌથી વધુ રાજ્યોમાં ભાજપની સરકારો બની. અમિત શાહના નેતૃત્વ નીચે રાષ્ટ્રીય સ્તરે ભાજપનો દબદબો વધ્યો
- સમગ્ર દેશમાં 15થી વધુ રાજ્યોમાં ભાજપ અને એનડીએની રાજ્ય સરકારો બની
- લાંબી કાયદાકીય લડાઇ બાદ 30 ડિસેમ્બર 2014 માં સીબીઆઇ કોર્ટે તેમને ડિસ્ચાર્જ કર્યા
- ઓગસ્ટ 2017માં ગુજરાતમાંથી રાજ્યસભાની ચૂંટણી લડીને સાંસદ બન્યા
- મે 2019માં ગાંધીનગર બેઠક પરથી લોકસભાની ચૂંટણી જીતીને સાંસદ બન્યા
ભાજપ અધ્યક્ષ તરીકે સફળતાપૂર્વક જવાબદારી નિભાવ્યા બાદ હવે દેશના ગૃહમંત્રી તરીકે નવી ભૂમિકામાં અમિત શાહ જોવા મળશે. ત્યારે અનેક પડકારો છતાં તેઓ નવી ભૂમિકામાં વધુ સફળ થશે તેવું તજજ્ઞો માની રહ્યા છે. અમિત શાહ પહેલેથી લડાયક વૃતિના રહ્યા છે અને તેમની સામે આવેલા તમામ પડકારોનો સામનો કર્યો છે ત્યારે તેમની કેન્દ્રીય ગૃહમંત્રી તરીકને નવી ઇનીંગ પણ રસપ્રદ બની રહેશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે