ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્રના ત્રણ ડેમ સંપૂર્ણ છલકાતા હાઈએલર્ટ પર

Gujarat Dams Overflow : ગુજરાતની જીવાદોરી સરદાર સરોવર ડેમમાં ૫૨%થી વધુ જ્યારે રાજ્યના ૨૦૬ જળાશયોમાં ૩૪%થી વધુ જળસંગ્રહ

ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્રના ત્રણ ડેમ સંપૂર્ણ છલકાતા હાઈએલર્ટ પર

Gujarat Rains : રાજ્યમાં છેલ્લા બે દિવસથી વરસી રહેલા વરસાદના પરિણામે રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં જળસંગ્રહ ૫૨ ટકાને પાર કરી ગયો છે. સરદાર સરોવરમાં હાલમાં ૧,૭૫,૬૬૨ એમ.સી.એફ.ટી. એટલે કે કુલ સંગ્રહ શક્તિના ૫૨.૫૮ ટકા જેટલો જળસંગ્રહ જ્યારે રાજ્યના કુલ ૨૦૬ જળાશયોમાં ૧,૯૧,૬૪૦ એમ.સી.એફ.ટી. એટલે કે કુલ સંગ્રહ શક્તિના ૩૪.૨૧ ટકા જેટલો જળસંગ્રહ નોંધાયો છે તેમ, જળ સંપતિ વિભાગના અહેવાલમાં જણાવાયું છે.

આજે સવારે ૮.૦૦ કલાકના અહેવાલ મુજબ સૌરાષ્ટ્ર વિસ્તારમાં છેલ્લા બે દિવસથી વરસી રહેલા અનારાધાર વરસાદના પરિણામે ત્રણ જળાશયો સંપૂર્ણ છલકાયા છે. જેમાં જામનગર જિલ્લાનો વાગડીયા અને સસોઈ-૨ ડેમ તથા સુરેન્દ્રનગર જિલ્લાનો વાંસલ ડેમ ૧૦૦ ટકા ભરાતા હાઈ એલર્ટ અપાયું છે. આ સિવાય રાજ્યના પાંચ ડેમ ૮૦ ટકાથી ૯૦ ટકા ભરાતા એલર્ટ પર છે જેમાં જૂનાગઢના ઓઝત-૨ અને બાંટવા-ખારો ડેમ, મોરબીના ગોડાધ્રોઈ, રાજકોટના ભાદર-૨ તથા ભરૂચના ધોલી ડેમને એલર્ટ અપાયું છે. રાજ્યના કુલ સાત જળાશયો ૭૦ ટકાથી ૮૦ ટકા વચ્ચે ભરાતા વોર્નીંગ આપવામાં આવી છે જેમાં જામનગર જિલ્લાના ફુલઝર-૧, સુરેન્દ્રનગરના ધોળીધજા, ભરૂચના બલદેવા, કચ્છના કાલાઘોઘા, પોરબંદરના સારણ, રાજકોટના આજી-૨ તથા જામનગરના ફુલઝર(કે.બી.) ડેમનો સમાવેશ થાય છે. 

  • સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં ૨૪ કલાકમાં 52 સે.મી.નો વધારો 
  • હાલમાં પાણીની સપાટી – ૧૨૦.૩૧ મીટર 
  • મહત્તમ સપાટી - 138.68 મીટર
  • હાલ પાણીની આવક – ૪૫,૧૨૯ ક્યુસેક.
  • કેનાલ હેડ પાવરહાઉસમાંથી કેનાલમાં જાવક – ૯,૭૩૧ ક્યુસેક
  • નદીમાં જાવક – ૬૦૯ ક્યુસેક

આ ઉપરાંત ,ઉત્તર ગુજરાતના કુલ ૧૫ જળાશયોમાં ૨૫.૪૨ ટકા, મધ્ય ગુજરાતના ૧૭માં ૩૭.૨૪ ટકા, દક્ષિણ ગુજરાતના ૧૩માં ૩૭.૭૮ ટકા, કચ્છના ૨૦માં ૨૨.૬૭ ટકા, જ્યારે સૌરાષ્ટ્રના ૧૪૧ જળાશયોમાં ૨૭.૭૫ ટકાથી વધુ પાણીનો સંગ્રહ થયો છે 

અત્રે ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે એટલે કે, વર્ષ ૨૦૨૩માં આજના દિવસે ઉત્તર ગુજરાતના કુલ ૧૫ જળાશયોમાં ૬૦.૧૪ ટકા, મધ્ય ગુજરાતના ૧૭માં ૩૩.૬૪ ટકા, દક્ષિણ ગુજરાતના ૧૩માં ૪૦.૬૬ ટકા, કચ્છના ૨૦માં ૬૩.૮૫ ટકા, જ્યારે સૌરાષ્ટ્રના ૧૪૧ જળાશયોમાં ૬૨.૩૨ ટકાથી વધુ પાણીનો સંગ્રહ થયો હતો. તેમ,જળ સંપતિ વિભાગની યાદીમાં વધુમાં જણાવ્યું છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news