તીખું મરચું ખેડૂતોને લાગ્યું સાકર જેવું મીઠું, આવક વધતા ખુશખુશાલ થયા
Trending Photos
- ગોંડલ માર્કેટ યાર્ડ બહાર ટ્રેક્ટર લઈને આવેલા ખેડૂતોની લાઈનો લાગી હતી
- સૌરાષ્ટ્રનું અગ્રીમ ગણાતું ગોંડલ માર્કેટિંગ યાર્ડ ભારે મરચાંની આવકથી છલોછલ ભરાયું
જયેશ ભોજાની/ગોંડલ :ગુજરાત અને દેશની બહાર પણ ગોંડલિયા મરચાની માંગ રહે છે. ત્યારે આ વર્ષે મરચાનું મબલખ ઉત્પાદન થતા માર્કેટિંગ યાર્ડમાં મરચાં (red chilli) ની પુષ્કળ આવક થઈ છે. આ દૃશ્યમાં પણ જોઈ શકો છો કે જે રીતના માર્કેટિંગ યાર્ડ બહાર મરચાંના વાહનોની લાંબી કતારો લાગી છે આજે કુલ 25 થી 30 હજાર જેટલી મરચાની ભારીની આવક થાય એવી પણ સંભાવનાઓ છે. ત્યારે માર્કેટિંગ યાર્ડ બહાર આશરે ચાર થી પાંચ કિલોમીટર જેટલી લાંબી લાઈનો લાગેલી જોવા મળી હતી. તો બીજી તરફ ખેડૂતોનું પણ કહેવું છે કે, તેઓ ગઈકાલ રાતથી જ મરચા વેચવા આવી પહોંચ્યા હતા. આ કાતિલ ઠંડીમાં પણ તેઓ લાઈનમાં ઊભા રહ્યા હતા. ત્યારે લાઈન એટલી લાંબી છે કે આજે તેમનો ઝડપથી વારો આવી જાય તેવી આશા ખેડૂતોએ વ્યક્ત કરી હતી.
1000 થી 15000 રૂપિયાનો ભાવ વધારો
ગોંડલ માર્કેટિંગ યાર્ડના ચેરમેન ગોપાલ શીંગાળાએ જણાવ્યું કે, મરચું એમ તો સ્વાદમાં તીખું હોય છે. જોકે આ વર્ષે ખેડૂતોને આવકમાં મરચું મીઠું લાગી રહ્યું છે. કેમ કે ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે ખેડૂતોને મરચાના ખૂબ સારા ભાવ મળી રહ્યા છે. ગયા વર્ષે જે મરચાના 2000થી રૂપિયાથી લઈને 2500 રૂપિયા સુધીના ભાવ મળતા હતા તે મરચાના ભાવ આ વર્ષે 2500થી લઈ અને 3500 રૂપિયા સુધીના 20 કિલોના મળી રહ્યા છે. આ વર્ષે લગભગ 1000 થી 1500 રૂપિયા સુધીના ભાવ ગયા વર્ષની સરખામણીએ ખેડૂતને વધુ મળી રહ્યા છે.
705 સહિતની વિવિધ જાતના મરચા વેચવા માટે આવ્યા
ગોંડલ માર્કેટ યાર્ડમાં વિવિધ જાતના મરચા વેચવા માટે આવી રહ્યા છે. જેમાં રેશમ પટ્ટો, ડબલ પટ્ટો, ઘોલર, સાનિયા, ઓજસ, રેવા અને 705 સહિતની વિવિધ જાતના મરચા વેચવા માટે આવી રહ્યા છે. ગોંડલ માર્કેટીંગ યાર્ડમાં ગોંડલ તાલુકાના 82 ગામ, કોટડાસાંગાણીના 42 ગામ તેમજ જામકંડોરણા અને જસદણ તાલુકાના અનેક ગામના ખેડૂતો અહીં મરચા વેચવા આવતા હોય છે. ગોંડલ એ મરચાની ખરીદી માટે ખૂબ જ મહત્વનું કેન્દ્ર છે. અહીંયા દેશના અલગ અલગ રાજ્યોના વેપારીઓ મરચાં ખરીદવા માટે આવતા હોય છે. રાજસ્થાન, મધ્ય પ્રદેશ, આંધ્ર પ્રદેશ, મહારાષ્ટ્ર સહિતના રાજ્યના વેપારીઓ મરચું ખરીદવા માટે ગોંડલ માર્કેટીંગ યાર્ડમાં આવતા હોય છે.
આ પણ વાંચો : બહાદુરીનું બીજુ નામ એટલે CRPF ની મહિલા બટાલિયન, ગણતંત્ર દિવસ પર સલામ છે આ વિરાંગનાઓને....
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે