ખાખી પર દાગ: રામ મોકરિયાએ કહ્યું; 'રૂપિયા આપો તેના જ કામ થાય છે, બધી પોલીસ ભ્રષ્ટાચારી નથી, મનોજ અગ્રવાલ છે'
રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ સામે જમીન પ્રકરણમાં કરાયેલા કથિત ભ્રષ્ટાચારની તપાસ કરવાનો ગૃહ વિભાગે રાજ્ય પોલીસ વડા આશિષ ભાટિયાને આદેશ કર્યો છે. સમગ્ર તપાસનો અહેવાલ ત્રણ દિવસમાં રજૂ કરવાની તાકીદ ગૃહ વિભાગે કરી છે.
Trending Photos
ગૌરવ દવે/રાજકોટ: પોલીસ કમિશનર પર ધારાસભ્ય ગોવિંદ પટેલના આરોપોથી ખળભળાટ મચી ગયો છે. ગોવિંદ પટેલના લેટર બોમ્બથી અનેક સવાલો ઉઠ્યા છે ત્યારે હવે ધારાસભ્ય ગોવિંદ પટેલને મંત્રી અરવિંદ રૈયાણીનો સાથ મળ્યો છે. પોલીસ કમિશનરની સામે હવે મંત્રી અરવિંદ રૈયાણી મેદાનમાં આવ્યા છે. આઠ દિવસ પહેલા ગૃહ રાજ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી હોવાની વિગતો પણ સામે આવી છે. આ મુદ્દો અને આક્ષેપો ગંભીર હોવાથી કડક કાર્યવાહીની મંત્રી અરવિંદ રૈયાણીએ માંગણી કરી છે.
રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ પર ધારાસભ્ય ગોવિંદ પટેલે કરેલા ગંભીર આક્ષેપોને લીધે ખળભળાટ મચી ગયો છે, ત્યારે હવે મંત્રી અને સાંસદે પણ ગોવિંદ પટેલના નિવેદનને સમર્થન આપ્યુ છે. ગોવિંદ પટેલના લેટર બોમ્બ બાદ હવે મંત્રી અરવિંદ રૈયાણી અને રાજ્યસભાના સાંસદ રામ મોકરિયા પણ મેદાને આવ્યા છે. મંત્રી અરવિંદ રૈયાણીએ આઠ દિવસ પહેલા ગૃહ રાજ્યમંત્રીને રજૂઆત કરી કડક કાર્યવાહીની માગ કરી હોવાની વિગતો સામે આવી છે. તો રામ મોકરિયાએ પણ ઝી 24 કલાકને જણાવ્યું કે, પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ દરેક કામ માટે રૂપિયા લે છે અને અમે તે અંગેની રજૂઆત કરી છે. વધુમાં રામ મોકરિયાએ કહ્યું કે, મારી રજૂઆત છે કે મનોજ અગ્રવાલને સારી જગ્યાએ ન મૂકાય..ભ્રષ્ટાચાર કરે તે તમામ પોલીસ અધિકારીઓનો વારો આવશે, તેવું પણ રાજ્યસભા સાંસદ રામ મોકરિયાએ જણાવી ખળભળાટ મચાવ્યો છે.
રામ મોકરિયાએ વધુમાં જણાવ્યું કે, રાજકોટ પોલીસ કમિશનરને રૂપિયા આપો તો જ થાય છે. બધી પોલીસ ભ્રષ્ટાચારી નથી, મનોજ અગ્રવાલ છે. ધારાસભ્ય બાદ હવે સાંસદ રામ મોકરિયા અને મંત્રી અરવિંદ રૈયાણીએ સીપી મનોજ અગ્રવાલ પર આરોપ લગાવતા ખળભળાટ મચ્યો છે. મોકરિયાએ વધુમાં જણાવ્યું કે રાજકોટ સીપી ભ્રષ્ટાચારી છે. અગાઉ મેં અનેક ફરિયાદો કરેલી છે. ગોવિંદભાઈ પણ આ કેસને લઈને જ્યારે ગાંધીનગર રજૂઆત કરવા ગયા હતા ત્યારે હું તેમની સાથે ગયો હતો. હું આખી ઘટનાને સમર્થન આપું છું. સીપીનું કામ ઉઘરાણી કરવાનું છે. જમીનોના સેટલમેન્ટ, હપ્તાખોરીનું કામ છે. ખરેખર ન થવું જોઈએ. સરકારે પગલાં ભરવા જોઇએ. મેં ઉપર ધ્યાન દોર્યું હતું કે કોઈની ફરિયાદ લેતા નથી.
ગૃહ વિભાગે તપાસના આદેશ
રાજકોટ પોલીસ કમિશનર સામે ધારાસભ્યએ કરેલા આક્ષેપો પર ગૃહ વિભાગે તપાસના આદેશ આપ્યા છે. 72 કલાકમાં તપાસ પુરી કરી અહેવાલ DGPને સોંપવાનો આદેશ કરવામાં આવ્યો છે. રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ સામે જમીન પ્રકરણમાં કરાયેલા કથિત ભ્રષ્ટાચારની તપાસ કરવાનો ગૃહ વિભાગે રાજ્ય પોલીસ વડા આશિષ ભાટિયાને આદેશ કર્યો છે. સમગ્ર તપાસનો અહેવાલ ત્રણ દિવસમાં રજૂ કરવાની તાકીદ ગૃહ વિભાગે કરી છે. ભાજપના જ ધારાસભ્ય ગોવિંદ પટેલે કરેલી ફરિયાદની ગંભીરતાથી નોંધ લેવામાં આવી છે.
રાજકોટ પોલીસ કમિશનર પર રામ મોકરિયાએ શું કહ્યું? જુઓ તેમની સાથેની વાતચીતમાં...
સૂત્રોથી માહિતી મળી રહી છે કે, મનોજ અગ્રવાલની બદલી પણ થઈ શકે છે. ધારાસભ્ય ગોવિંદ પટેલે આક્ષેપ કર્યો હતો કે, રાજકોટના વેપારી સાથે 15 કરોડની છેતરપિંડી થઈ હતી. કમિશનરે વસૂલાયેલી રકમનો 15 ટકા હિસ્સો પીઆઈ ગઢવી મારફતે માગ્યો હતો અને વસૂલાયેલા 7 કરોડ સામે 75 લાખ પડાવ્યા હતા. જે બાદ તપાસનો આદેશ આપવામાં આવ્યો છે.
નોંધનીય છે કે મનોજ અગ્રવાલ પરના લેટર બોમ્બ બાદ કેટલાક IPS અધિકારીઓ હરકતમાં આવી ગયા હોવાનું જાણવા મળ્યું છે, કારણ કે મનોજ અગ્રવાલ સુરત પોલીસ કમિશનરના દાવેદાર હતા, જેથી તેમના સિવાયના અન્ય દાવેદારોનો રસ્તો સાફ થઇ જતાં IPS અધિકારીઓની લોબીમાં બે ભાગલા પડી ગયા હોવાનુ જાણવા મળ્યું છે.
આ IPSને લોકો લુંટારુ તરીકે ઓળખતા હોવાની પોલીસબેડામાં જ ચર્ચા ચાલી રહી છે. આથી હવે અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ પોલીસ કમિશનર તેમજ નવ રેન્જ IGPની બદલીની બાબતમાં સરકાર અસમંજસમાં હોવાના કારણે જ અધિકારીઓમાં અંદરો-અંદર કોલ્ડવોર ચાલી રહ્યું હોવાનું જાણવા મળ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે