સાવરકુંડલામાં જોવા મળ્યો અનોખો નજારો, કિન્નરોએ સામેથી લોકોને આપ્યા શુકનનો ‘રૂપિયો’
Trending Photos
કેતન બગડા/અમરેલી :તમે વરઘોડા તો અનેક પ્રકારના જોયા હશે, પરંતુ આજે અમરેલીના સાવરકુંડલા ખાતે એક એવો વરઘોડો નીકળ્યો કે, છેલ્લા 8૦ વર્ષમાં સૌરાષ્ટ્રમાં પ્રથમ વાર આવો વરઘોડો નીકળ્યો છે. આ વરઘોડો કિન્નરોનો હતો, જેમાં કિન્નરોએ સાવરકુંડલાના શહેરીજનોને એક રૂપિયાની ભેટ આપીને ખુશખુશાલ કરી દીધા હતા.
અમરેલી જિલ્લાના સાવરકુંડલા ખાતે કિન્નરોનો વરઘોડો નીકળ્યો હતો. સૌરાષ્ટ્રભરમાં છેલ્લા 8૦ વર્ષમાં ન બન્યું હોય, તેવું સાવરકુંડવાના રહેવાસીઓને પહેલીવાર આ વરઘોડામાં જોવા મળ્યું હતું. આ વરઘોડા માટે સમગ્ર ગુજરાતમાંથી અને ગુજરાત બહારથી કિન્નર મહેમાનોને આમંત્રણ અપાયા હતા. સાત દિવસ સુધી આ મહોત્સવ ચાલ્યો હતો. આ વરઘોડામાં સાવરકુંડલાના સાધુ સમાજને પણ માન આપી સન્માનિત કરી રથમાં બેસાડવામાં આવ્યા હતા. કિન્નરો પણ સમાજનું મહત્વનો ભાગ છે, અને તેમને માનપૂર્વક, સન્માનપૂર્વક જોવા જોઈએ તેવો હેતુ આ વરઘોડાનો હતો.
કિન્નર સમાજનો વરઘોડો સમગ્ર શહેરની મુખ્ય બજારોમાં ફર્યો હતો. જેમાં કિન્નરો મન મૂકીને ઝૂમી ઉઠ્યા હતા. તો બીજી તરફ, સાવરકુંડલાના રહીશોએ પણ માન-સન્માનથી તેઓને વધાવ્યા હતા. દરેક ચોકમાં તેમની આગતા-સ્વાગતા કરાઈ હતી. સામાન્ય રીતે કિન્નરો આપણી પાસે પ્રસંગોમાં રૂપિયા માંગતા હોય છે, ત્યારે આ વરઘોડામાં કિન્નરોએ પોતાના શુકનવંતા રૂપિયાનો વરસાદ કર્યો હતો. આ રૂપિયાને સાવરકુંડલાના શહેરીજનોએ શુકનવંતા માનીને સ્વીકાર્યા હતા.
શહેરના આગેવાનો તેમજ સાધુ-સંતોએ પણ આ ઉત્સવમાં ખૂબ જ આદરપૂર્વક ભાગ લઇ સહકાર આપ્યો હતો. જેનો આભાર આ વિસ્તારના કિન્નરોના નાયક કાજલ દેએ માન્યો હતો. સાવરકુંડલા વાસીઓએ કિન્નરોનો આશીર્વાદ લઇ કૃતજ્ઞતા અનુભવી હતી.
સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે