વડા પ્રધાન નરેન્દ્ર મોદી 30 સપ્ટેમ્બરે આવશે ગુજરાતની એક દિવસની મુલાકાતે
વડા પ્રધાન અમુલ ડેરીના આણંદ ખાતે 150 કરોડના ખર્ચે નિર્મિત નવા ચોકલેટ પ્લાન્ટનું લોકાર્પણ કરશે અને રાજકોટમાં 26 કરોડના ખર્ચે તૈયાર થયેલા 'મહાત્મા ગાંધી મ્યુઝિયમ'નું ઉદ્ઘાટન કરશે
Trending Photos
ગાંધીનગરઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી આગામી તારીખ 30 સપ્ટેમ્બરના રોજ ગુજરાતની એક દિવસની મુલાકાતે આવવાના છે. તેઓ એક દિવસની આ મુલાકાતમાં રાજકોટ ખાતે 'મહાત્મા ગાંધી મ્યુઝિયમ'નું લોકાર્પણ કરશે અને સાથે જ આણંદ ખાતે અમુલ દ્વારા બનાવાયેલા નવા ચોકોલેટ પ્લાન્ટનું પણ ઉદ્ઘાટન કરશે. આ ઉપરાંત તેઓ કચ્છ પણ જવાના છે.
વડા પ્રધાન મોદી અમુલ દ્વારા આણંદ ખાતે નિર્મિત ચોકલેટ પ્લાન્ટનું ઉદ્ઘાટન કરવાના છે. આણંદની નજીક આવેલા મોગર ગામમાં 'ત્રિભુવનદાસ ફૂટ ફેક્ટરી' ખાતે આ પ્લાન્ટ આવેલો છે. આ સાથે જ મોદી અમુલ ડેરી દ્વારા જ નિર્મિત બે અન્ય પ્લાન્ટ 'બાલભોગ' અને 'રેડી ટુ યુઝ થેરાપેટિક ફૂડ (RUTF)' પ્લાન્ટનું પણ લોકાર્પણ કરશે.
અમુલ ડેરી દ્વારા 40થી વધુ નવી ચોકલેટનું નિર્માણ કરવામાં આવ્યું છે. અમુલનો આ નવો ચોકલેટ પ્લાન્ટ 1.50 લાખ ચોરસ ફૂટમાં ફેલાયેલો છે અને અમુલ દ્વારા રૂ.150 કરોડનું રોકાણ કરવામાં આવ્યું છે. આ પ્લાન્ટ શરૂ થઈ ગયા બાદ અમુલ ડેરીની ચોકલેટ ઉત્પાદન ક્ષમતા વાર્ષિક 4,000 ટનથી વધીને 20,000 ટન થઈ જશે. અહીં, વડા પ્રધાન અંદાજે 75,000 જેટલા દૂધ ઉત્પાદકો અને સ્થાનિકોને સંબોધન પણ કરશે.
રાજકોટના મહાપાલિકા દ્વારા રૂપિયા 26 કરોડના ખર્ચે 'મહાત્મા ગાંધી મ્યુઝિયમ' બનાવવામાં આવ્યું છે. અગાઉ આ આલ્ફ્રેડ હાઈસ્કૂલ હતી જ્યાં ગાંધીજીએ સ્કૂલનો અભ્યાસ કર્યો હતો. સરકાર દ્વારા હવે તેને મ્યુઝિયમમાં પરિવર્તિત કરવામાં આવી છે. વડાપ્રધાન સાંજે 5 વાગ્યાની આસપાસ રાજકોટ એરપોર્ટ પર ઉતરાણ કરશે. રાજકોટની બે કલાકની આ મુલાકાત દરમિયાન મોદી મ્યુઝિયમનું લોકાર્પણ કર્યા બાદ ચૌધરી હાઈસ્કૂલ ખાતે વિશાળ જનમેદનીને પણ સંબોધશે.
મહાત્મા ગાંધીએ રાજકોટમાં 7 વર્ષ અભ્યાસ કર્યો હતો
રાજકોટની આલ્ફ્રેડ હાઈસ્કૂલમાં મહાત્મા ગાંધીએ 7 વર્ષ સુધી અભ્યાસ કર્યો હતો. આ હાઈસ્કૂલ સાથે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની અનેક યાદો જોડાયેલી છે. રાજકોટ મહાનગરપાલિકાએ કેન્દ્ર અને રાજ્ય સરકારની સહાયથી આ આલ્ફ્રેડ હાઇસ્કૂલમાં મહાત્મા ગાંધી અનુભૂતી કેન્દ્ર બનાવ્યું છે. જેમાં ગાંધીજીની જીવન ઝરમર રજૂ કરાઈ છે. આ કેન્દ્રમાં ગાંધીજીના જીવન પર આધારિત અલગ-અલગ પ્રસંગો રજૂ કરવામાં આવ્યા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે