Gujarat Elections 2022 : બોટાદમાં પ્રધાનમંત્રી મોદીનો પ્રચંડ પ્રચાર, ભાજપે વિકાસને ચૂંટણીનો મુદ્દો બનાવ્યો
Gujarat Elections 2022 : ગુજરાતના ચૂંટણી રણમાં PM મોદીનો પ્રચંડ પ્રચાર... PM મોદીની આજે એક બાદ એક 4 જનસભાઓ... PM મોદીએ બોટાદમાં ચોથી જનસભા ગજવી
Trending Photos
Gujarat Elections 2022 અમદાવાદ : ગુજરાતના ચૂંટણી પ્રચાર માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પ્રવાસનો આજે બીજો દિવસ છે. વેરાવળ, અમરેલી, ધોરાજીની સભા પૂર્ણ કર્યા બાદ પ્રધાનમંત્રી બોટાદ પહોંચ્યા હતા. જ્યા તેમણે જંગી જનસભાને સંબોધી હતી. બોટાદ ઉપરાંત ભાવનગર અને અમદાવાદ જિલ્લાની વિધાનસભા બેઠકોને ધ્યાને રાખી આ સભાનું આયોજન કરાયુ હતું.
બોટાદમાં પીએમ મોદીએ કહ્યું કે, આજે હું સોમનાથ, વેરાવળ, ધોરાજી, અમરેલી થઈને બોટાદ આવ્યો છું. મીડિયા ભલે ગમે તે પોલ બતાવે પણ હું વિશ્વાસથી કહું છું કે પ્રજાએ પરિણામ નક્કી કરી લીધું છે. વિપક્ષોના ડબ્બા ગુલ થઈ જશે. ગુજરાતમાં ફિર એક બાર મોદી સરકાર આવશે. ગુજરાત અને ભાજપનો જુનો સંબંધ છે. એમાંય બોટાદ સાથે મારો જનસંઘ સમયથી સંબંધ છે. બોટાદે જનસંઘને સૌથી પહેલા નગરપાલિકામાં શાસન આપ્યું હતું. પહેલા ચૂંટણી મુદ્દા ગોટાળા અને કૌભાંડ હતા, પરંતુ ભાજપે ચૂંટણીમાં વિકાસને મુદ્દો બનાવ્યો છે. ભાજપે દરેક પક્ષને આજે વિકાસના મુદ્દે રાજનીતિ કરવા મજબૂર કર્યા છે. બોટાદના લોકો લખી રાખે. બોટાદ, ધંધુકા, વલ્લભીપુર, ભાવનગર સહિતનો આખો પટ્ટો ઉદ્યોગોથી ધમધમવાનો છે.
તેમણે કહ્યું કે, લોકોની અપેક્ષા પર અમે ખરા ઉતાર્યા છે, એટલે આજે લોકો વધુ માંગી રહ્યાં છે. ભુપેન્દ્ર પટેલની સરકાર નવી નીતિઓ પર સતત કામ કરી રહી છે. ભાજપ જે સંકલ્પ લે છે, એને પૂર્ણ કરીને જ રહે છે. અગાઉ પાણીની સમસ્યા હતી, ત્યારે ત્યારે એક કહેવત હતી કે, દીકરીને બંદુકે દેજો પણ ધંધુકે ન દેજો. આ ચૂંટણી 5 વર્ષ માટેની નથી, આગામી 25 વર્ષ કેવા હશે એ નક્કી કરનારી છે. હું તમને એક કામ સોંપું છું. ભૂતકાળમાં ન થયું હોય એવું વધુ મતદાન કરાવજો. દરેક બુથમાંથી મહત્તમ મતદાન કરવાનું છે. બહારથી આવેલા લોકો ફક્ત નકારાત્મકતા ફેલાવે છે. ગુજરાતના વિકાસને અટકાવનાર, ગુજરાતને ગાળો દેનાર ન જાકારો આપવાનો છે.
પ્રધાનમંત્રી સાથે મંચ ઉપર ગઢડા, બોટાદ, જસદણ અને ધંધુકા બેઠકના ભાજપના ઉમેદવારો ઉપસ્થિત રહ્યા હતા. બોટાદની સભા પૂર્ણ કરી પ્રધાનમંત્રી આજે રાતે ગાંધીનગર રાજભવનમાં રોકાણ કરશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે