અમદાવાદ એરપોર્ટ પર ટ્રાફિક વધ્યો, એક અઠવાડિયામાં 2 લાખ મુસાફરોની અવરજવર થઈ
Ahmedabad Airport : SVPI એરપોર્ટે પર કોવિડ બાદ મહત્તમ મુસાફરોના ટ્રાફિકનું સંચાલન કર્યું... મુસાફરોના મૂડને હળવો રાખવા અને મુસાફરીના અનુભવને બહેતર બનાવવા માટે થેરાપિસ્ટ દ્વારા ખાસ સંગીત બનાવાયું
Trending Photos
અર્પણ કાયદાવાલા/અમદાવાદ :ચાલુ વર્ષે તહેવારોની મોસમમાં અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર મુસાફરો અને કાર્ગો અવરજવરની સંખ્યા ઓલટાઈમ હાઈ થઈ છે. કેટલાક દિવસોમાં તો પેસેન્જર લોડ 32000ને વટાવી ગયો છે. SVPI એરપોર્ટ પરથી ગયા અઠવાડિયે 2 લાખથી વધુ મુસાફરોએ મુસાફરી કરી હતી તેમજ એક જ દિવસમાં કાર્ગોની અવરજવર 200-ટનને વટાવી ગઈ છે જે અત્યાર સુધીની સર્વાધિક છે.
SVPI એરપોર્ટે તહેવારોની મોસમના પીક અવર્સ દરમિયાન પણ મુસાફરોને શ્રેષ્ઠ અનુભવ મળી રહે તે માટે કોઈ કસર બાકી રાખી નથી. એરપોર્ટ પર મુસાફરો માટે લાઇવ મ્યુઝિક પર્ફોર્મન્સ, એન્ગેજમેન્ટ એક્ટિવિટી ઝોન અને દિવાળીની અનોખી સજાવટ જેવી અનેક આશ્ચર્યજનક પ્રવૃત્તિઓ આદરી હતી. પીક અવર્સ દરમિયાન જીવંત ભારતીય શાસ્ત્રીય વાદ્ય સંગીત મુસાફરોને પીરસવામાં આવ્યું. પીએ સિસ્ટમ પર ખાસ રચાયેલ રાગ આધારિત સંગીત વગાડવામાં આવ્યું. મુસાફરોના મૂડને હળવો રાખવા અને મુસાફરીના અનુભવને બહેતર બનાવવા માટે થેરાપિસ્ટ દ્વારા ખાસ સંગીત બનાવવામાં આવ્યું હતું.
તાજેતરમાં SVPI એરપોર્ટ પર ILBS સિસ્ટમ અપગ્રેડ થવાથી તહેવારોના સપ્તાહમાં દરરોજ 32000 થી વધુ મુસાફરોને હેન્ડલ કરવામાં મદદ મળી છે. નવી સિસ્ટમને હેન્ડલ કરવા તમામ એરલાઇન સ્ટાફને પુરતી તાલીમ આપવામાં આવી હતી તેમજ સરળ કામગીરી માટે SOPs પણ મૂકવામાં આવ્યા હતા. બેગેજ હેન્ડલિંગ સિસ્ટમમાં સુધારાથી તેની ક્ષમતામાં 100%નો સુધારો થયો છે. મુસાફરોના અનુભવ અને ઝડપી ચેક-ઇન પ્રક્રિયાને વધારવા માટે એરપોર્ટે 6 નવા ચેક-ઇન કાઉન્ટર ઉમેર્યા છે.
સરળ અને સીમલેસ પેસેન્જર મુસાફરીને સુનિશ્ચિત કરવા ઉપરાંત SVPI એરપોર્ટે 200-ટનથી વધુ કાર્ગો હેન્ડલ કરીને એક સીમાચિહ્ન હાંસલ કર્યું છે. છેલ્લા એક જ વર્ષમાં SVPI એરપોર્ટ પર એક સમર્પિત સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય કાર્ગો ટર્મિનલ બનાવવામાં આવ્યું છે. તાજેતરમાં શરૂ થયેલી નવી કાર્ગો સેવા બોન્ડેડ ટ્રકિંગથી પણ વેપારને વધુ વેગ મળશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે