પારડીની મહિલાઓએ પાણી મુદ્દે ઝાટકણી કાઢતા મંત્રી કુંવરજી બાવળિયા સ્ટેજ છોડીને ભાગ્યા
Trending Photos
- પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાને આજે પાણી ન મળતા પરેશાન મહિલાઓના મિજાજનો પરચો મળ્યો
- મહિલાઓએ મંત્રીને સવાલ કર્યા કે, શરૂઆત તો કરી પરંતુ તેમના સુધી પાણી ક્યારે પહોંચશે, કામ ક્યારે પુરું થશે?
રક્ષિત પંડ્યા/રાજકોટ :રાજકોટ જિલ્લાના લોધિકા તાલુકાના પારડી ગામે મહિલાઓએ મંત્રી કુંવરજી બાવળીયાને ઉધડો લીધો હતો. મહિલાઓએ પાણી પ્રશ્ને પાણી પુરવઠા મંત્રીને તીખા સવાલો કરીને તેમની ઝાટકણી કાઢી હતી. મહિલાઓએ મંત્રીને પૂછ્યું હતું કે, ક્યારે પાણી મળશે અને કામ ક્યારે પૂરું થશે. ત્યારે મંત્રી કુંવરજી (kunwarji bavaliya) એ મહિલાઓને ખાતરી આપી હતી કે, છ મહિનામાં કામ પૂરું થઈ જશે. જોકે, આ જવાબ આપીને મંત્રી બાવળિયા સ્ટેજ મૂકી ભાગી ગયા હતા.
પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાને આજે પાણી ન મળતા પરેશાન મહિલાઓના મિજાજનો પરચો મળ્યો. રાજકોટ જિલ્લાના લોધિકા તાલુકાના પારડી ગામે પીવાના પાણી માટે 2 કરોડની યોજનાના ખાતમૂહુર્ત કાર્યક્રમમાં બાવળિયા સહિતના નેતાઓ હાજર હતા. કાર્યક્રમ સમયે મંત્રીએ મહિલાઓ સાથે પ્રશ્નોત્તરી કરવાનું કહ્યું હતું. મહિલાઓએ થોડા પ્રશ્નો ઉપાડ્યા ત્યાં ધીરે ધીરે મામલો ગરમાતો ગયો હતો. યોજનાના ખાતમુહૂર્તમાં હાજર મહિલાઓએ મંત્રીને સવાલ કર્યા કે, શરૂઆત તો કરી પરંતુ તેમના સુધી પાણી ક્યારે પહોંચશે, કામ ક્યારે પુરું થશે? જો કે, મંત્રીએ મહિલાઓને ખાતરી આપી કે છ મહિનામાં કામ પુરું થઈ જશે. અને તેમને પાણી મળતા થઈ જશે.
આ પણ વાંચો : આઈફોન માંગનારી હીનાનો ઓડિયો થયો વાયરલ, memes તો તેના કરતા પણ ચઢિયાતા છે
ભૂપેન્દ્રસિંહે ગોળ ગોળ જવાબ આપ્યો
પારડી ગામ પાસે આવેલા અનેક વિસ્તારોમાં વર્ષોથી પાણીની સમસ્યા છે. જેના કારણે મહિલાઓ પરેશાન છે. જેમના રોષનો ભોગ આજે ધારાસભ્યએ બનવું પડ્યું. કુંવરજી બાવળિયા મામલે ભુપેન્દ્ર સિંહ ચુડાસમાએ કહ્યું કે, ગ્રામ્ય વિસ્તારમાં રોડ રસ્તાના, પાણીના કામો થયા છે. લોકોની સુખાકારીના તમામ કામો કરવામાં આવી રહ્યા છે, આગામી દિવસોમાં રાજકોટ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં ભાજપ જીતશે, પારડી ગામની મહિલાઓના વીડિયો મામલે રાજકોટના પ્રભારી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ ગોળ ગોળ જવાબ આપ્યા હતા.
આ પણ વાંચો : ધોરણ 9 અને 11ની શાળા શરૂ કરવા અંગે શિક્ષણમંત્રીએ આપ્યા મોટા સંકેત
અગાઉ પણ થયો હતો કુંવરજીનો વિરોધ
ઉલ્લેખનીય છે કે, આ પહેલા પણ કુંવરજી બાવળિયાને આ પ્રકારે એક ગામમાં વિરોધનો સામનો કરવો પડ્યો હતો. 2019ના વર્ષમાં લોકસભા ચૂંટણીને લઈને પ્રચાર દરમિયાન જસદણના કનેરિયા ગામમાં લોકોને મળી વોટ માંગવા પહોંચેલા મંત્રી કુંવરજી બાવળિયા અને ભરત બોધરાને પાણીની તંગીથી પરેશાન મહિલાઓના રોષનો સામનો ભર બપોરે કરવો પડ્યો હતો. એક બાજુ આગ ઝરતી ગરમી અને બીજી બાજુ મહિલાઓના તીખા વચનોએ મંત્રીની હાલત ખરાબ કરી મૂકી હતી. મહિલાઓએ કહ્યું કે, જ્યારે વોટ માગવો હોય ત્યારે જ તમે અમારી પાસે આવો છો. વર્ષોથી અહીં પાણીની તંગીનો કોઈ ઉકેલ નથી આવ્યો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે