હાથના ટેટૂ પરથી મોરબી પોલીસે મહિલાની હત્યાનો ભેદ ઉકેલ્યો, મધ્ય પ્રદેશ સુધી નીકળ્યુ કનેક્શન
Trending Photos
Morbi News હિમાંશુ ભટ્ટ/મોરબી : મોરબી લીલાપર કેનાલ રોડ ઉપર કેનાલના નાલા નીચેથી અજાણી મહીલાની લાશ મળી આવી હતી. જેનું ફોરેન્સિક પીએમ કરાવવામાં આવ્યું હતું તેમાં મહિલાને ગળેટુંપો આપી મારી નાખેલ હોવાનું સામે આવ્યું છે. મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશને અજાણ્યા વ્યક્તિની સામે હત્યાનો ગુનો નોંધ્યો હતો અને તપાસ દરમ્યાન મહિલાની હત્યા તેના જ પ્રેમી દ્વારા કરવામાં આવી હોવાનું સામે આવ્યું હતું. જેથી કરીને પોલીસે હત્યાના આ ગુનામાં આરોપી પ્રેમીની ધરપકડ કરી છે.
વર્તમાન સમયમાં ઘણી વખત પોલીસ માટે ચેલેન્જ સમાન કહી શકાય તેની ક્રાઇમની ઘટનાઓ સામે આવતી હોય છે આવો જ એક બનાવ તાજેતરમાં મોરબીમાં સામે આવ્યો હતો અને મોરબીમાંથી પસાર થતી મચ્છુની કેનાલમાંથી મહિલાની કોહવાયેલ હાલતમાં લાશ મળી આવી હતી. જેથી કરીને મહિલાની ઓળખ મેળવવા માટે અને આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કર્યા હતા અને જો કે, મહિલાના ડાબા હાથમાં હિન્દીમાં "સુનીતા" અને "ભુરૂભાઇ" તેમજ મોરનુ ચિત્ર ત્રોફાવેલ હતુ. તેના સિવાય બીજી કોઈ વસ્તુ ઓળખ થાય તેવી ન હતી. જેથી કરીને પોલીસે માટે મહિલાની ઓળખ અને આરોપીને શોધવાના કામ ચેલેન્જ જેવા હતા. જો કે, મૃતક મહિલાની ઓળખ મેળવવા પોલીસે આસપાસના ખેતરો તેમજ કંપનીઓમાં તપાસ કરી હતી. દરમ્યાન મહિલાન હાથ ઉપર જે ચિત્ર હતું તેવા ચિત્ર મધ્યપ્રદેશના જાંબવા, ધાર, અલીરાજપુર જીલ્લાઓમાં મોટાભાગે મહિલાઓ બનાવે છે અને મહિલા તેના ભાઇનું નામ હાથમાં ત્રોફાવતી હોય છે. તેવી માહિતી સામે આવી હતી
મોરબીથી મૃતક મહિલાના ફોટો સહિતની માહિતી એમપી પોલીસ અને ત્યાંના સ્થાનિક સરપંચોને મોરબી એ ડિવિઝનના પીઆઇ એચ.એ.જાડેજાએ મોકલવેલ હતી જેથી તેઓના મોબાઇલમા મધ્યપ્રદેશના જાંબવાથી ફોન આવેલ હતો. જેમા સામા છેડેથી નિલેષ નામનો વ્યક્તિ વાત કરતો હતો તેને કહ્યું હતું “મૃતક મહિલા તેની પત્ની સુનિતા છે” જે ગુમ થયેલ હતી. જેથી કરીને કાકનવાણી પોલીસ સ્ટેશન જાંબવા ખાતે ગુમસુધા ફરિયાદ કરી હતી. આમ પોલીસને મહિલાની મહિલાની ઓળખ મળી ગઈ હતી. વધુમાં પોલીસે જણાવ્યુ હતું કે, મૃતક મહિલા ગત તા.૧૪/૫/૨૪ ગુમ થયેલ હોવાની ફરિયાદ કરવામાં આવી હતી. અને મહિલાને તેના પ્રેમી કુલસીંગ ઉર્ફે ઇડલુ ઉર્ફે રાજુ રાઠવા ભગાડીને લઇ ગયો હોવાનું મૃતક મહિલાના પતિએ પોલીસને જણાવ્યું હતું.
જેથી પોલીસે હત્યા કેસમાં આરોપી કુલસિંગ રાઠવાને પકડવા તજવીજ શરૂ કરી હતી અને તે વાંકાનેરના વાંકીયા ગામની સીમમાં હોવાનું સામે આવ્યું હતું. તેની પૂછપરછ કરતા તેણે જ સુનિતાબેનનું મર્ડર કર્યુ હોવાની કબુલાત આપી હતી. જેથી પોલીસે આરોપી કુલસીંગ ઉર્ફે ઇડલુ ઉર્ફે રાજુ અમેરસીંગ કીકરીયા રાઠવા જાતે આદિવાસી (૩૦) રહે. હાલ વાંકીયા અકબરભાઇ જુણેજાની વાડીએ વાંકાનેર મૂળ રહે. ભીંબરડા આલીકામત ફળીયુ તા.ઉમરોલી જી.અલીરાજપુર એમ.પી વાળાની ધરપકડ કરી હતી. અને આરોપીએ જણાવ્યુ હતું કે, મૃતક મહિલા સુનીતા સાથે આરોપીને પ્રેમસબંધ હતો અને બેથી ત્રણ મહિલા સુધી બંનેએ ફોનમાં વાતો કહી હતી ત્યાર બાદ બંને ચોટીલાના લાખણકા ગામે આવ્યા હતા અને ત્યાં રહેતા હતા તેવામાં બંને વચ્ચે ઝઘડો થયો હતો જેથી સુનિતાએ ઝેરી દવા પી લીધી હતી. જેથી કરીને વાડી માલીકને તેની જાણ થતાં તેને વાડીએ રખવાની ના પડી હતી જેથી આરોપી કુલસિંગ રાઠવા પરણિત હોય તેની પત્ની અને સગા વહાલાઓ લીલાપર ગામ પાસે વાડી રહેતી હોય ત્યાં મૂકી જવાનું કહેતા વાડી માલીક તેની ઇકો ગાડીમાં ત્યાં મૂકવા માટે આવ્યો હતો જો કે, સુનિતાને ઘરે લઈ જઈ શકે તેમ ન હોવાથી આરોપી કુલસિંગ રાઠવાએ સુનિતાને કેનાલના નાલા નીચે લઈ જઈને ત્યાં તેનું ગળુ દબાવીને હત્યા કરી નાંખી હતી.
અકાળે પંગરેલા પ્રેમનો કરૂણ અંજામ આવેલ છે અને પ્રેમિકાની હત્યા કરનારા આરોપી કુલસીંગ રાઠવાની પોલીસે ધરપકડ કરી છે અને આરોપીના રિમાન્ડ લેવા માટેની તજવીજ ચાલી રહી છે જો કે, સુનિતાની હત્યા થવાના લીધે તેના સંતાનોએ માતાની છત્રછાયા ગુમાવેલ છે અને આરોપી કુલસીંગ રાઠવા પણ પરણિત હોય તેની હત્યના ગુનામાં પોલીસે ધરપકડ કરી છે જેથી કરીને તેના સંતાનોએ પણ હાલ પિતાની છત્રછાયા ગુમાવેલ છે આમ એક સાથે બે પરિવારના માળા વીંખાઈ ગયેલ છે
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે