MORBI બની રહ્યું છે મેક્સિકો: 600 કરોડનાં ડ્રગ્સ બાદ હવે જે મળી આવ્યું તંત્ર દોડતું થયું...
Trending Photos
મોરબી : ઉડતા પંજાબની જેમ હવે ઉડતા મોરબી જેવો ઘાટ હાલમાં મોરબી જીલ્લામાં જોવા મળી રહ્યો છે. મોરબી જિલ્લાના વાંકાનેર શહેરના માર્કેટ ચોક પાસે રહેણાક મકાનમાં એસઓજી અને સ્થાનિક પોલીસે રેડ કરી હતી. ત્યારે રહેણાંક મકાનમાંથી ૬.૫૦૦ કિલો ગાંજાના જથ્થા સાથે ઘરધણી મળી આવ્યો હતો. જેથી પોલીસે ગાંજાના જથ્થા સાથે તેની ધરપકડ કરી હતી. આ જથ્થો પણ સુરતથી તેની પાસે આવ્યો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવેલ છે. જેથી પોલીસે નાર્કોટેક્સની કલમ હેઠળ ગુનો નોંધીને બીજા આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.
થોડા દિવસો પહેલા વાંકાનેર તાલુકાની હદમાંથી મેસરિયા ચેકપોસ્ટ પાસેથી પસાર થતી રિક્ષાને એસઓજી અને સ્થાનિક પોલીસે રોકીને ચેક કરતા ૪ કિલો ગાંજા મળી આવ્યો હતો. જેથી પોલીસે ગાંજા સાથે ત્રણ શખ્સોની ધરપકડ કરી હતી. આ બનાવની શાહી હજી સુકાઈ નથી ત્યાં વાંકાનેર તાલુકો જાણે કે નશીલા પદાર્થોના વેચાણ માટે હબ બન્યો હોય તેવો ઘાટ સર્જાયો છે. વાંકાનેર શહેરમાં માર્કેટ ચોક પાસે નાગરિક બેન્ક સામેની શેરીમાં મકાનમાં પોલીસે રેડ કરી ૬.૫૦૦ કિલો ગાંજાના જથ્થા સાથે ચંદ્રકાંતભાઈ ઉર્ફે ચંદુભાઈ ત્રિભોવનભાઈ જોબનપુત્રાની ધરપકડ કરેલ છે અને ૬૫૦૦૦ નો મુદામાલ કબ્જે કરેલ છે.
મોરબીમાં જે પત્રકાર પરિષદ યોજાઇ હતી તેમાં ડીવાયએસપીએ જણાવ્યુ હતું કે, વાંકાનેર સીટી પોલીસ ટીમ દ્વારા ચંદ્રકાંતભાઈ જોબનપુત્રાના મકાનમાં ગાંજા માટે રેડ કરી હતી. ત્યારે તેના ઘરની અંદરથી ૬.૫૦૦ કિલો ગાંજાના જથ્થો મળી આવ્યો છે . તેની પાસેથી સુરતના કતારગામના રહેવાસી મનોજ જૈન અને રાજકોટના હસમુખ ઉર્ફે રજૂ બચુભાઈ બગથરિયાના નામ સામે આવ્યા છે. જેથી ત્રણેયની સામે ગુનો નોંધીને નશીલા પદાર્થના વેચાણ સાથે સંડોવાયેલા શખ્સોને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે. હાલમાં જે આરોપીને પકડવામાં આવેલ છે તે આરોપી વર્ષ ૨૦૦૪ માં ૧૬ કિલો જેટલા ગાંજાના જથ્થા સાથે વાંકાનેરમાંથી મળી આવ્યો હતો અને તે ગુનામાં તેને સજા પણ પડી હતી. જો કે, જેલમાથી બહાર આવ્યા પછી પાછો આ શખ્સ ગાંજાના જથ્થા સાથે ઝડપાયો છે.
વાંકાનેર પોલીસે ગાંજાના જથ્થા સાથે એક શખ્સની ધરપકડ કરેલ છે. તેની પાસેથી વર્ષો પહેલા પણ ગાંજાનો મોટો જથ્થો મળી આવ્યો હતો. જેથી કરીને ગાંજો ક્યાંથી આવે છે અને આ નશીલા પદાર્થનું મોરબી જીલ્લાના વાંકાનેર સહિતના કયા કયા વિસ્તારમાં વેચાણ કરવામાં આવે છે તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે