મોરબીના ઝુલતા પુલ દુર્ઘટનાને એક વર્ષ પૂર્ણ : જીવ ગુમાવનારા 135 લોકોને હજી નથી મળ્યો ન્યાય

Morbi Bridge Collapse : મોરબીમાં ઝૂલતો પુલ તૂટવાની ગોઝારી ઘટનાને આજે એક વર્ષ થયું પૂર્ણ,,, 30 ઑક્ટોબર-2022ના રોજ બની હતી ઘટના,,, આ દૂર્ઘટનામાં 135 લોકોએ જીવ ગુમાવ્યા હતા,,, 19મી સદીમાં બંધાયેલા આ પુલના સમારકામ માટે ઓરેવાને અપાયો હતો  કોન્ટ્રાક્ટ 

મોરબીના ઝુલતા પુલ દુર્ઘટનાને એક વર્ષ પૂર્ણ : જીવ ગુમાવનારા 135 લોકોને હજી નથી મળ્યો ન્યાય

Morbi News હિમાંશુ ભટ્ટ/મોરબી : મોરબીની ઝુલતા પુલ દુર્ઘટનાને આજે એક વર્ષ પૂર્ણ થઈ રહ્યું છે ત્યારે ઝુલતા પુલ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા મૃતકોના પરિવારજનો ન્યાયને ઝંખી રહ્યા છે અને આજે અમદાવાદમાં આવેલ ગાંધી આશ્રમ ખાતે શ્રદ્ધાંજલિ સભાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મોરબી દુર્ઘટનામાં પોતાના સ્વજનો ગુમાવનાર પરિવારોમાંથી ઘણા લોકો ત્યાં હાજરી આપવા પહોંચ્યા છે. આ ઘટનામાં આરોપી રાજા હોય કે રંક, અધિકારી હોય કે પછી જયસુખભાઇ પટેલ જે કોઇપણ હોય તેને આકરી સજાની ટ્રેજેડી વિક્ટીમ એસોસિયેશનના સભ્યો માંગ કરી રહ્યા છે.

મોરબી બ્રિજ દુર્ઘટનાને આજે એક વર્ષ પૂર્ણ થયું છે. છતાં 135 મૃતકોને હજી ન્યાય મળ્યો નથી. 135 થી વધુ મૃતકોના પરિવારજનો સરકાર સમક્ષ ન્યાયની માંગણી કરી રહ્યા છે. પીડીત પરિવાર ગાંધી આશ્રમ નજીક મૃતકોને શ્રદ્ધાંજલિ આપવાની સાથે ન્યાયની અપેક્ષા સાથે ધરણા ઉપર બેસ્યા છે. એક વર્ષ બાદ પણ પરિવારજનોને ન્યાય મળ્યો નથી. સરકાર ત્વરિત દોષિતો સામે પગલાં લે તેવી અપેક્ષા પરિવારજનો રાખી રહ્યાં છે. 

આજથી બરોબર એક વર્ષ પહેલા એટલે કે, મોરબીમાં તા, ૩૦/૧૦/૨૨ ના રોજ સાંજના સમયે ઝુલતો પૂલ તૂટી પડ્યો હતો અને ત્યાં હરવા ફરવા માટે આવેલા લોકોમાંથી બાળકો, મહિલા, વૃદ્ધો, સગર્ભા મહિલા સહિત કુલ મળીને ૧૩૫ લોકોના મોત નિપજ્યાં હતા. આ બનાવ સંદર્ભે હાલમાં કોર્ટની અંદર મેટર ચાલી રહી છે અને તાજેતરમાં સીટનો રિપોર્ટ આવી ગયો છે જેમાં ઓરેવા કંપની, તેના ડિરેક્ટરો અને કર્મચારીઓને સંપૂર્ણપણે જવાબદાર દર્શાવવામાં આવ્યું હતું. જો કે, હજુ સુધી આ ગોઝારી ઘટનામાં સ્વજન ગુમાવનારા પરિવારોને ન્યાય મળ્યો નથી. 

આજે તા ૩૦/૧૦/૨૩ ના રોજ ઝુલતા પુલ દુર્ઘટનાને એક વર્ષ પૂરું થયું છે. ત્યારે ટ્રેજેડી વિક્ટીમ એસોસિયેશન દ્વારા ઝુલતા પુલ દુર્ઘટનામાં જીવ ગુમાવનાર મૃતક વ્યક્તિઓના પરિવારજનોને સાથે રાખીને આ ઘટના મૃત્યુ પામેલ દિવંગત આત્માઓને શ્રદ્ધાંજલિ આપવા માટે અમદાવાદ ગાંધી આશ્રમ ખાતે આજે સવારે 7 થી બપોરે 2 વાગ્યા સુધી શ્રદ્ધાંજલિ સભાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મોરબીથી સ્વજન ગુમાવનારા પરિવારમાંથી ઘણા લોકો જોડાયા છે અને આ ઘટના માટે જવાબદાર જે કોઇ હોય તેને ફાંસી આપવાની માંગ કરી રહ્યા છે. 

ઉલ્લેખનીય છે કે, ઝુલતા પુલ ઘટનામાં ન્યાય માટે ટ્રેજેડી વિક્ટીમ એસોસિએશન બનાવવામાં આવ્યું છે અને તેના વકીલ દ્વારા મોરબીની ડિસ્ટ્રીકટ કોર્ટ અને હાઇકોર્ટમાં કયદાકીય જંગ લડવામાં આવી રહ્યો છે. આજથી એક વર્ષ પહેલા ઝુલતા પુલ દુર્ઘટનામાં જે પરિવારોએ તેના કુલ મળીને 135 સભ્યોને ગુમાવ્યા છે તે પરિવારોને સંતોષકારક ન્યાય ક્યારે મળશે તે આજની તારીખે પણ સો મણનો સવાલ છે. 

ન માત્ર મોરબી કે ગુજરાત, પરંતુ આ દુર્ઘટના બાદ ભારતભરમાં જે દુર્ઘટનાની નોંધ લેવામાં આવી હતી અને વિદેશમાં પણ જે દુર્ઘટનાની ચર્ચાઓ ચાલી હતી. તે ગોઝારી દુર્ઘટનાને એક વર્ષ એટલો લાંબો સમયગાળો વીતી ગયો છે તેમ છતાં પણ આ દુર્ઘટના પાછળ દોષિત કોણ તે હજી સ્પષ્ટ થયું નથી અને પરિવારોને સંતોષકારક ન્યાય મળ્યો નથી ત્યારે પરિવારના સભ્યો ગુમાવનાર લોકોની આંખો આજની તારીખે પણ સુકાતી નથી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news