અણીનો ચૂક્યો સો વર્ષ જીવે! મોતને હાથતાળી આપીને મહિલાનો ચમત્કારિક બચાવ
Miracle In Monsoon : આ ઘટના કોઈ ચમત્કારથી ઓછી નથી, વડોદરાના કરજણમાં વરસાદ વગર મંદિરના શિખર પર વીજળી પડી, તો પંચમહાલમાં એક મહિલાનો જીવ માંડ માંડ બચ્યો
Trending Photos
Gujarat Rains : ગુજરાતમાં ભારે વરસાદની ચેતવણી વચ્ચે અજીબ ઘટનાઓ બની હતી. બંને ઘટનાઓ કોઈ ચમત્કારથી ઓછી નથી. પંચમહાલના વેજલપુરમાં દીવાલ ધરાશયી થતા બે વ્યક્તિનો આબાદ બચાવ થયો હતો. વેજલપુરના સોની બજાર વિસ્તારમાં જુના મકાનની દીવાલ જોત જોતામાં ધરાશયી થઈ હતી. આ ચમત્કારિક ઘટનાનો વીડિયો સામે આવ્યો છે. મોતને હાથતાળી આપતી એક મહિલાનો ચમત્કારિક બચાવ થયો હતો, નહિ તો આખેઆખી દિવાલ મહિલા પર પડી હોત.
કહેવાય છે કે, અણીનો ચૂક્યો સો વર્ષ જીવે..આ જ વાતની સાબિતી આપતી ઘટના પંચમહાલથી સામે આવી છે. પંચમહાલના વેજલપુરમાં દીવાલ ધરાશાયી થઈ અને આ દીવાલ ધરાશાયી થવાની ઘટનામાં બે વ્યક્તિઓનો આબાદ બચાવ થયો. વેજલપુરના સોની બજારમાં રોજિંદી ચહલ પહલ હતી અને લોકો ત્યાંથી પસાર પણ થઈ રહ્યા હતા. ત્યાં જ અચાનક જૂના મકાનની દીવાલ ધરાશાયી થઈ..આ ઘટનામાં એક મહિલા અને એક પુરુષનો ચમત્કારિક બચાવ થયો છે. આ ઘટનાના લાઈવ દ્રશ્યો સામે આવ્યા છે. ઘટનામાં જે રીતે પુરુષ અને મહિલાનો બચાવ થયો છે તે કોઈ ચમત્કારથી કમ નથી. કારણ કે જો આ દીવાલનો કાટમાળ તેમના પર પડ્યો હતો તો ગંભીર ઈજા થવાની સંભાવના હતી.
મંદિરના શિખર પર વીજળી પડી
તો બીજી તરફ, કરજણના મિયાગામ ખાતે આવેલ શ્રી સદ્દગુરૂ મંદિરના શિખર પર આકાશી વીજળી પડી હતી. મિયાગામ ખાતે આવેલ શ્રી સદ્દગુરૂ મંદિર, મનસુખરામ મંદિરના શિખર પર વીજળી પડતા નુકસાન થયું હતું. વગર વરસાદે કાળા ડિબાંગ જેવા વાદળોમાંથી કડાકા સાથે આકાશી વીજળી મંદિરના શિકાર પર પડી હતી. વગર વરસાદે આકાશી વીજળી પડતા અનેક તર્ક વિતર્ક સર્જાયા હતા. મંદિરના મુખ્ય ઘુમ્મટ શિખરના ભાગે આકાશી વીજળીએ ભારે નુકસાન કર્યુ હતું.
નવસારી જિલ્લામાં વરસાદી માહોલ
ચોમાસા શરૂઆતથી જ નવસારી જિલ્લામાં મેઘમહેર જોવા મળી છે. જિલ્લાના નવસારી, જલાલપોર, ગણદેવી, ચીખલ, વાંસદા તાલુકાઓમાં વરસાદ છે. સવારથી જ વરસાદી માહોલને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. નવસારી જિલ્લામાં ડાંગર વિસ્તાર વધુ હોવાથી ખેડૂતોએ વાવણીની શરૂઆત કરી છે. તો બીજી તરપ, મેઘ મહેરને પગલે તંત્ર એલર્ટ પર છે.
નવસારી જિલ્લામાં સવારે 6 થી 8 વાગ્યાના 2 કલાકમાં વરસાદી આંકડા
- નવસારી : 37 મિમી (1.54 ઈંચ)
- જલાલપોર : 20 મિમી (0.83 ઈંચ)
- ગણદેવી : 19 મિમી (0.79 ઈંચ)
- ચીખલી : 19 મિમી (0.79 ઈંચ)
- ખેરગામ : 00 મિમી
- વાંસદા : 03 મિમી
તો બીજી તરફ, તાપીના ઉકાઇ ડેમના ઉપરવાસમાં પડેલા વરસાદને પગલે ડેમમાં પાણીની આવક વધી છે. હાલ ડેમમાં 11,685 ક્યુસેક પાણીની આવક થઈ છે. તેની સામે ડેમમાંથી પાણીની જાવક 600 ક્યુસેક છે. હાલ ડેમની સપાટી 309.98 ફૂટ પર પહોંચી છે. ઉકાઈ ડેમની ભયજનક સપાટી 345 ફૂટ છે.
અમદાવાદમાં ભુવો પડ્યો
અમદાવાદ મહાનગર પાલિકા જે પ્રી મોન્સૂન કામગીરીના દાવાઓ કરે છે તેની પોલ વગર વરસાદે ખુલી ગઈ છે. કારણ કે અમદાવાદ વ્યસ્ત એવા રસ્તા પર વગર વરસાદે રોડ બેસી જવાની ઘટના બની છે...વસ્ત્રાપુરથી ડ્રાઈવ ઈન જતા ત્રણ રસ્તા પર ખાડો પડી ગયો છે...મહાનગરપાલિકાના તંત્રએ રોડ બેસવાથી પડી ગયેલા ખાડા આસપાસ બેરિકેડિંગ કરી દીધું છે..પરંતુ મોટી વાત એ છે કે, ખાડાથી માત્ર પાંચ ફૂટના અંતરે ગટરનું મેનહોલ આવેલું છે...જેના કારણે જો વરસાદ આવે તો આ ખાડો મોટા ભૂવામાં પરિવર્તિત થવાની શક્યતા છે..અને જેના કારણે લોકોની હાલાકી વધી શકે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે