હવે માલધારીઓ બાંયો ચડાવશે, 26 નવેમ્બરે ગાંધીનગરમાં ઘેરાવો કરશે

પાટીદાર,દલિત,બ્રાહ્મણ બાદ હવે માલધારીઓ પણ સરકાર સામે બાયો ચડાવશે. આજે અંબાજી ખાતે માલધારી સમાજ ની મળેલી સંસદ માં તેમના વર્ષો જુના પ્રશ્નો ને લઈ ચર્ચા કરવામાં આવી અને તે પ્રશ્નોનું સરકાર નિરાકરણ નહીં લાવે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી.

હવે માલધારીઓ બાંયો ચડાવશે, 26 નવેમ્બરે ગાંધીનગરમાં ઘેરાવો કરશે

જનક દવે/ અંબાજી: પાટીદાર,દલિત,બ્રાહ્મણ બાદ હવે માલધારીઓ પણ સરકાર સામે બાયો ચડાવશે. આજે અંબાજી ખાતે માલધારી સમાજ ની મળેલી સંસદ માં તેમના વર્ષો જુના પ્રશ્નો ને લઈ ચર્ચા કરવામાં આવી અને તે પ્રશ્નોનું સરકાર નિરાકરણ નહીં લાવે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી.માલધારી સમાજની 9મી સંસદ આજે અંબાજી ખાતે મળી હતી. તેમના ભાતીગળ ગીતથી આ બેઠકની શરૂઆત કરવામાં આવી હતી. જુદાજુદા પરગણામાંથી માલધારી સમાજ મોટી સંખ્યામાં અહીં ઉપસ્થિત રહ્યો હતો.

દરેક પરગણા દીઠ તેમના પડતર પ્રશ્નો, તેમની સમાજની સંસદ સમક્ષ રજુ કરવામાં આવ્યા હતા. જેમાં મુખ્યત્વે ગૌચરની જમીન,ચરિયાણાની જમીન,પશુપાલનના ધંધાને સરકાર દ્વારા કોઈ વેગ અપાતો નથી જેવા અનેક પ્રશ્નો ને લઈ સમાજની વચ્ચે ચર્ચા કરવામાં આવી તો આજે એક અગત્યના મુદ્દા ઉપર ચર્ચા કરવામાં આવી કે, માલધારી સમાજ ગુજરાતમાં દસ ટકા સંખ્યાબળ ધરાવે છે. 

તેમ છતાં સમાજને હાંસિયામાં ધકેલી દેવાયો છે એટલે આવનાર લોકસભામાં સમાજના ત્રણ સભ્યોને પ્રતિનિધિત્વ દરેક રાજકીય પાર્ટી આપે અને વિધાનસભામાં 10 લોકોને પ્રતિનિધિત્વ આપે અન્યથા અમે એક થઈ ગમે તે પાર્ટીને ઉથલાવી શકવાની ક્ષમતા ધરાવીએ છીએ. જો માલધારી સમાજની માંગો સરકાર દ્વારા નહીં સ્વીકારવામાં આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી સમાજ દ્વારા ઉચ્ચારવામાં આવી હતી. જેમાં આવનાર 26 નવેમ્બર માલધારી દિવસ ગણાય છે તે દિવસથી ગાંધીનગરને ઘેરવામાં આવશે અને જી એમ ડી સી ગ્રાઉન્ડ માલધારી સમાજથી ઉભરાશે.

માલધારી સમાજની આજની મળેલી સંસદમાં મહિલાઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી તેમના પ્રશ્નોની પણ નોંધ લેવામાં આવી હતી. પશુપાલન કરી ગુજરાન ચલાવતી મહિલાઓને દૂધના પૂરતા ભાવ મળતા નથી સામે ખાણ દાળ મોંઘુ થતું જાય છે. પશુઓની સંખ્યાની સામે ગૌચરનું પ્રમાણ ઘટતું જાય છે વાડાઓ નામે કરી આપવાની માંગ કરવામાં આવી હતી. 

માલધારી સમાજ પહેલા વાડા પાડામાં વહેંચાયેલો હતો પરંતુ હાલમાં દરેક પરગણાને એક કરવામાં આવી રહ્યો છે અને તે માલધારી સમાજના નામે ઓળખાશે. સમાજની સંસ્કૃતિનું જતન થાય તે માટે અને સમાજ એક થઈ પ્રશ્નો સામે લડી શકે તે માટેના આ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે અને આ સમાજની જે બેઠક દર વર્ષે જુદા જુદા સ્થળો ઉપર મળે છે. તેને સમાજની સંસદ નામ આપવામાં આવ્યું છે.

માલધારી સમાજની સંસદની શરૂઆત 2008 થી થઈ હતી અને તે સમય થી તેમના પ્રશ્નો ને લઈ સરકાર સામે રજૂઆતો કરી રહ્યા છે. તેમછતાં સરકાર તેમના પ્રશ્નોનું નિરાકરણ લાવી શકી નથી તેથી હવે આ સમાજ ઉગ્ર બન્યો છે અને સરકાર સામે લડી લેવાના મૂડમાં છે. હવે આવનાર દિવસો બતાવશે કે આ સમાજ સરકાર સામે કેવા દાવ ખેલશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news