Mahesana: પરંપરાગત ખેતી છોડી શરૂ કર્યો શાકભાજીના રોપાનો ઉછેર, હવે મહિને લાખો રૂપિયાની કમાણી

આજના સમયમાં ગુજરાતના ખેડૂતો પરંપરાગત ખેતી છોડી અનેક પ્રયોગો કરી રહ્યાં છે. મહેસાણા જિલ્લાના માઢી ગામના ખેડૂતોએ ખેતીમાં અનોખો પ્રયોગ કર્યો અને તેમાં મોટી સફળતા મળતા હવે ખેડૂતોની કમાણીમાં પણ મોટો વધારો થયો છે. 

Mahesana: પરંપરાગત ખેતી છોડી શરૂ કર્યો શાકભાજીના રોપાનો ઉછેર, હવે મહિને લાખો રૂપિયાની કમાણી

તેજસ દવે, મહેસાણાઃ મહેસાણા જિલ્લાનું આ એક એવું ગામ છે જે ચીલા ચાલુ ખેતી છોડી ધરું ઉછેર કરીને લાખોની કમાણી કરી જાણે છે. મહેસાણા જિલ્લામાં વિજાપુર તાલુકાના માઢી ગામના ખેડૂતો શાકભાજીના રોપા ઉછેર કરી ગામનું 80 લાખથી વધુનું ટર્નઓવર કરી રહ્યા છે. આ ગામના રોપા ગુજરાત સહિત રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં પણ વહેંચાઈ રહ્યા છે.

વિજાપુરથી 20 કિમી દૂર આવેલ માઢી ગામના ખેડૂતો ચીલા ચાલુ ખેતી છોડી બાગાયતી ખેતીમાં શાકભાજીના ધરું ઉછેરના વ્યવસાયમાં જોતરાઈ ગયા છે. રૂટિન અને રૂઢિચુસ્ત ખેતીમાં યોગ્ય ભાવ નહિ મળતા હવે અહીંના ખેડૂતો નવતર પ્રયાસ તરફ વળ્યા છે. આ ગામના 50 ટકા ખેડૂતોએ શાકભાજીના ધરું ઉછેરની ખેતી શરૂ કરીને મબલક આવક પણ મેળવી રહ્યા છે. માઢી ગામમાં 70થી વધુ શાકભાજીના રોપાની નાની મોટી નર્સરી આવેલી છે જેમાં પ્રત્યેક નર્સરી ધરાવતા ખેડૂત વર્ષે 20 લાખથી વધુની કમાણી કરી રહ્યા છે. ગુજરાતના 15 જિલ્લાઓમાં તેમજ રાજસ્થાન અને મધ્યપ્રદેશ સુધી રોપાઓ લોકો લેવા આવી રહ્યા છે.

માઢી ગામના રોપા ગુજરાતના ખુણેખૂણે પ્રચલિત બન્યા છે ત્યારે અન્ય જિલ્લાઓમાંથી પણ ખેડૂતો શાકભાજીના રોપા લેવા માઢી ગામની પ્રથમ પસંદગી કરી રહ્યા છે. અહીં રોપા ઉછેરની ટ્રે પદ્ધતિના કારણે રોપા બગડતા નથી. અહીં રોપા ઉછેર વ્યવસાયથી આ ગામમાં રોજગારીની પણ તકો ઉભી થઇ છે. માઢી ગામના ખેડૂતોની આ વ્યવસ્થાને કારણે ગરીબ વર્ગના પરિવાર માટે ગામમાં જ રોજગારીની તકો પણ ઉભી થઇ છે. માઢી ગામમાં અનેક પરિવારને રોજી રોટી પણ મળતી થઈ છે. રૂટિન ખેતીમાં ખૂબજ જટિલ કામનો બોઝ રહેતો હોય છે ત્યારે રોપા ઉછેરમાં હાર્ડ વર્ક ખૂબ ઓછું રહેવાથી ગામની મહિલાઓ તેમજ અન્ય લોકોને મજૂરી માટે ભાગદોડ કરીવી પડતી નથી અને ગામમાંજ રોજગારી મળતા ગુજરાન ચલાવવું સરળ બન્યું છે.

માઢી ગામમાં મોટાપાયે સોઇલલેસ એટલે કે પ્લગ ટ્રે પદ્ધતિથી રોપા તૈયાર કરવામાં આવે છે. આ પદ્ધતિથી તૈયાર થતા ધરૂમાં રોગ લાગવાની શક્યતાઓ રહેતી નથી અહીંના ખેડૂતોને તાલીમ આપવાની સાથે સાથે ગ્રીનહાઉસ અને નેટહાઉસના કુલ ખર્ચના 55 ટકા લેખે બાગાયત વિભાગ સરકારી સહાયની માહિતી આપી ખેડૂતોને મદદ કરવાના પ્રયાસ પણ કરી રહ્યા છે. માઢી ગામના ખેડૂતોનો રોપા ઉછેરમાં ઉત્સાહ જોઈ બાગાયત વિભાગ દ્વારા પણ અનેક સેમિનારનું આયોજન કરી પૂરતું ધ્યાન આપી તેમનો ઉત્સાહ વધારવામાં આવે છે અને બનતી તમામ સહાયતા અને સરકાર દ્વારા અપાતી સહાય પણ તેમને સમજાવી મદદ રૂપ થવાનો તંત્ર પણ પ્રયાસ કરી રહ્યું છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news