Breaking News : મહેન્દ્રસિંહ વાઘેલાએ ભારતીય જનતા પાર્ટી સાથે છેડો ફાડ્યો

હજુ ત્રણ મહિલા પહેલા જ ભાજપમાં જોડાયેલા શંકરસિંહ વાઘેલાના પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલાએ ગુરૂવારે રાજીનામું આપ્યું છે

Breaking News : મહેન્દ્રસિંહ વાઘેલાએ ભારતીય જનતા પાર્ટી સાથે છેડો ફાડ્યો

ગાંધીનગરઃ શંકરસિંહ વાઘેલાના પુત્ર મહેન્દ્ર સિંહ વાઘેલાએ ભારતીય જનતા પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. તેમણે ગુરૂવારે એક પત્ર દ્વારા ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીને પોતાનું રાજીનામું મોકલી આપ્યું હતું. તેમણે રાજીનામું વ્યક્તિગત કારણસર આપ્યું હોવાનો પત્રમાં ઉલ્લેખ કર્યો છે. 

શંકરસિંહ વાઘેલાના પુત્ર મહેન્દ્ર સિંહ વાઘેલા હજુ ગત જુલાઈ મહિનામાં જ ભાજપમાં જોડાયા હતા. માત્ર 3 મહિના સુધી પાર્ટી સાથે જોડાઈ રહ્યા બાદ તેમણે અચાનક રાજીનામું આપી દેતાં રાજકીય વર્તુળોમાં અનેક તર્ક-વિતર્ક જોવા મળી રહ્યા છે. 

હાલ મહેન્દ્રસિંહ વાઘેલાનો સંપર્ક થઈ શક્યો ન હોવાથી તેમના રાજીનામાનું ખાસ કારણ જાણવા મળ્યું નથી. એક વાત એવી પણ છે કે, પુત્રના ભાજપમાં જોડાવાથી પિતા શંકરસિંહ વાઘેલા નારાજ હતા અને પિતાની નારાજગી દૂર કરવા માટે તેમણે આ પગલું લીધું હોઈ શકે છે. 

ગુજરાત ભાજપને આમ એક મોટો ફટકો પડ્યો છે. રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની હાજરીમાં વાજતે-ગાજતે જોડાયેલા મહેન્દ્ર સિંહ વાઘેલાએ અચાનક જ પક્ષને રામ-રામ કરી દેતાં પાર્ટીને મોટું નુકસાન થયું છે. 

જોકે, મહેન્દ્ર સિંહના ભાજપમાં જોડાયાના 3 મહિના બાદ પણ તેમને પક્ષ દ્વારા કોઈ મોટી રાજકીય જવાબદારી સોંપવામાં આવી ન હતી. આ બાબત પણ રાજીનામાનું એક કારણ હોઈ શકે છે. 

ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ મહેન્દ્ર સિંહના પિતા શંકરસિંહે ભાજપ સામે બાંયો ચડાવી હતી અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી પાસે પણ દેશમાં વધી રહેલી મોંઘવારી અંગે જવાબ માગ્યા હતા. આ સાથે જ તેમણે દેશમાં આગામી લોકસભાની ચૂંટણી પહેલાં જે મહાગઠબંધન રચવાની ચર્ચાઓ ચાલી રહી છે તેમાં મહત્ત્વની ભૂમિકા ભજવવાની પણ વાત પત્રકાર પરિષદમાં જણાવી હતી. આથી, પિતાના પગલે ચાલવા માટે પણ મહેન્દ્ર સિંહે રાજીનામું આપ્યું હોવાની અટકળો ચાલી રહી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news