પાકિસ્તાનના કેપ્ટનની અનોખી બેટિંગ સ્ટાઈલ, વિકેટથી દૂર ઊભા રહી બનાવ્યા 94 રન
પાકિસ્તાન-ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાલી રહેલી બીજી ટેસ્ટમાં કેપ્ટન સરફરાઝ અહેમદે એક અનોખો સ્ટાન્સ લીધો અને 94 રન બનાવ્યા હતા, સોશિયલ મીડિયા પર તેની આ સ્ટાઈલ ઘણી ચર્ચામાં રહી
Trending Photos
અબુ ધાબીઃ પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની બે ટેસ્ટ શ્રેણીની બીજી ટેસ્ટમાં પાકિસ્તાનની ટીમને મજબૂત સ્થિતીમાં પહોંચાડનારા કેપ્ટન સરફરાઝ અહેમદે એક અનોખી નીતિ અપનાવી હતી. પ્રથમ દિવસે ટીમ સંકટમાં મુકાઈ ગયા બાદ કેપ્ટન રમવા ઉતર્યા હતા. ટીમની 5 વિકેટ પડી ગઈ હતી. સરફરાઝે ક્રીઝ પર આવીને અનોખો સ્ટાન્સ લીધો અને ધમાકેદાર બેટિંગ કરતાં 94 રન બનાવીને ટીમને સંકટમાંથી બહાર કાઢી હતી.
સારો સ્કોર બનાવ્યા બાદ પાક. ટીમે મેચના બીજા દિવસે ઓસ્ટ્રેલિયાને બેકફૂટ પર મોકલીને પોતાને મજબૂત સ્થિતિમાં પહોંચાડી દીધી હતી. મોહમ્મદ અબ્બાસ (5 વિકેટ)ની ધારદાર બોલિંગના બળે પાકિસ્તાને બીજા દિવસે ઓસ્ટરેલિયાની સમગ્ર ટીમને 145 રને ઓલ આઉટ કરી નાખી હતી.
બીજા ઈનિંગ્સમાં પાકિસ્તાન બે વિકેટ ગુમાવીને 144 રન બનાવીને 281 રનની મજબૂત લીડ મેળવી લીધી છે.
ફખર જમાં અને સરફરાઝે ઈનિંગ્સ સંભાળી
પ્રથમ ટેસ્ટમાં વિજય હાથમાંથી જતો રહ્યા બાદ પાકિસ્તાને બીજી ટેસ્ટમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. આ વખતે પણ પાકિસ્તાનનું બેટિંગ લાઈન અપ વિખેરાઈ ગયું અને ટીમે 57ના સ્કોરે 5 વિકેટ ગુમાવી દીધી હતી.
ત્યાર બાદ ઓપનર ફખર જમાં અને કેપ્ટન સરફરાઝે ટીમને બહાર કાઢી અને છઠ્ઠી વિકેટ માટે 147 રનની ભાગીદારી બનાવી હતી.
સરફરાઝનો અનોખો સ્ટાન્સ, બોલરોએ ખાધી થાપ
પોતાની બેટિંગ દરમિયાન પાક. કેપ્ટન સરફરાઝે અનોખો સ્ટાન્સ લીધો હતો, જેને બેટિંગ નિષ્ણાતો સામાન્ય રીતે લેવાની સલાહ આપતા નથી. લોકોએ સોશિયલ મીડિયા પર પણ સરફરાઝના સ્ટાન્સની ઘણી ચર્ચા કરી હતી.
સરફરાઝે નાથન લિયોનની બોલિંગ દરમિયાન આ સ્ટાન્સ અપનાવ્યો હતો. તેણે ત્રણેય સ્ટમ્પ્સ સંપૂર્ણ પણે ખુલ્લા મુકી દીધા હતા, જે બોલરને સ્પષ્ટ દેખાતા હતા. આ સ્ટાન્સ બાદ પણ સરફરાઝે 94 રનની ઈનિંગ્સ રમી હતી.
બીજા દિવસે ઓસ્ટ્રેલિયા ઓલઆઉટ
ઓસ્ટ્રેલિયાએ બીજા દિવસની શરૂઆત 20 રન અને બે વિકેટથી કરી હતી. જોકે, સમગ્ર ટીમ પાકિસ્તાનના બોલિંગ આક્રમણ સામે ટકી શકી નહીં અને એક પછી એક વિકેટ પડવા લાગી હતી. સમગ્ર ટીમ 145 રનમાં ઓલ આઉટ થઈ ગઈ હતી.
જેના જવાબમાં બીજી ઈનિંગ્સમાં પાકિસ્તાનની પહેલી વિકેટ 15ના સ્કોર પર પડી ગઈ હતી. જોકે ત્યાર બાદ ફખર ઝમાંએ બાજી સંભાળી હતી. તે 66 રને આઉટ થયો ત્યારે ટીમનો સ્કોર 106 રન હતો.
ત્રીજા દિવસે પાકિસ્તાને મેળવી 500+ લીડ
ત્રીજા દિવસે પાકિસ્તાને ઓસ્ટ્રેલિયા ઉપર કુલ 500થી વધુ રનની લીડ મેળવી લીધી છે. પાકિસ્તાનનો બાબર આઝમ 99 રન બનાવીને નર્વસ નાઈન્ટીનો શિકાર બન્યો હતો. પ્રથમ ઈનિંગ્સમાં 94 રન બનાવીને ટીમને બહાર લાવનાર કેપ્ટન અને વિકેટ કીપર સરફરાઝ અહેમદ અત્યારે બીજી ઈનિંગ્સમાં 73 રન સાથે ક્રીઝ ઉપર છે. તેને બિલાલ આસિફ (6 રન) સાથ આપી રહ્યો છે. પાકિસ્તાને 6 વિકેટ ગુમાવીને 379 રન બનાવી લીધા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે