લોકસભા ચૂંટણી 2019: બારડોલી બેઠક પરથી કોંગ્રેસે તુષાર ચૌધરીને બનાવ્યા ઉમેદવાર

કોંગ્રેસ પાર્ટી દ્વારા ગઈકાલે એટલે કે ગુરૂવારે ગુજરાતની 6 બેઠક- પાટણ, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, પંચમહાલ અને વલસાડના ઉમેદવાર જાહેર કરાયા હતા, બારડોલી બેઠક પર તુષાર ચૌધરીના નામની ચર્ચા હતી પરંતુ ગઈકાલે આ જાહેરાત કરાઈ ન હતી
 

લોકસભા ચૂંટણી 2019: બારડોલી બેઠક પરથી કોંગ્રેસે તુષાર ચૌધરીને બનાવ્યા ઉમેદવાર

નવી દિલ્હીઃ આગામી લોકસભા ચૂંટણી માટે કોંગ્રેસ દ્વારા આજે રાજ્યની બારડોલી બેઠકના ઉમેદવારની જાહેરાત કરાઈ હતી. રાજ્યના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અમરસિંહ ચૌધરીના પુત્ર તુષાર ચૌધરીને બારડોલી બેઠકના ઉમેદવાર જાહેર કરાયા છે. જોકે, આ બેઠક પર કાર્યકર્તાઓમાં હજુ પણ નારાજગી જોવા મળી રહી છે. 

લોકસભા ચૂંટણી માટે ગુજરાતમાં નામાંકન પત્રો ભરવાની શરૂઆત થઈ ગઈ છે ત્યારે કોંગ્રેસ અને ભાજપ બંને દ્વારા રાજ્યની કેટલીક બેઠકો પર ઉમેદવારોના નામ જાહેર કરવાના હજુ બાકી છે. બંને પાર્ટી જાતીય સમીકરણ અને ઉમેદવારો વચ્ચેની ખેંચતાણના કારણે કોઈ ને કોઈ કારણસર ઉમેદવાર પસંદ કરી શકતી ન હોવાની ચર્ચા છે. પાર્ટીમાં આંતરિક બળવો ન થાય એટલે કદાચ કેટલીક બેઠક પર છેલ્લી ઘડીએ પણ ઉમેદવારો જાહેર થાય એવી સંભાવના છે.  

કોંગ્રેસ પાર્ટી દ્વારા ગુરૂવારે મોડી રાત્રે આગામી લોકસભા ચૂંટણી 2019 ગુજરાતની પાટણ, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, પંચમહાલ અને વલસાડ બેઠકના ઉમેદવાર જાહેર કરાયા હતા. આજે શુક્રવારે માત્ર એક બારડોલી બેઠક માટે તુષાર ચૌધરીના નામની જાહેરાત થઈ હતી. 

કોંગ્રેસ દ્વારા ગુરૂવારે જાહેર કરાયેલા ઉમેદવાર
બેઠક             ઉમેદવાર
જૂનાગઢ     પુંજાભાઈ વંશ
પાટણ        જગદીશ ઠાકોર
રાજકોટ      લલિત કગથરા
વલસાડ      જિતુ ચૌધરી
પોરબંદર    લલિત વસોયા
પંચમહાલ    વી. કે. ખાંટ

ગુજરાતની હજુ 13 બેઠકો એવી છે જેના પર કોંગ્રેસ દ્વારા ઉમેદવાર જાહેર કરાયા નથી. કોંગ્રેસના સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ આ બાકીના ઉમેદવારોના નામ 2 એપ્રિલ સુધીમાં ધીમે-ધીમે જાહેર કરવામાં આવશે. 

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં લોકસભાની કુલ 26 બેઠક છે અને ગત લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ રાજ્યની તમામ લોકસભા બેઠકો પર હારી ગયું હતું. જોકે, રાજ્ય વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસે ભાજપને આકરી ટક્કર આપી હતી. વળી, તાજેતરમાં જ 5 રાજ્ય વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના ગઢ ગણાતા ત્રણ રાજ્યમાં કોંગ્રેસે સત્તા મેળવી હોવાને કારણે પાર્ટી ગુજરાતમાં આ વખતે ફૂંકી ફૂંકીને પગ મુકી રહી છે અને યોગ્ય ઉમેદવાર પસંદ કરી ભાજપને ટક્કર આપવા માગે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news