કોર્ટે ડોનાલ્ડ ટ્રમ્પને આપ્યો 440 વોટનો જબરદસ્ત 'ઝટકો', નાગરિકતાવાળા આદેશ પર લગાવી રોક
અમેરિકામાં જે બાળક જન્મે તેને જન્મજાત અમેરિકી નાગરિકતા મળી જતી હતી જેને ડોનાલ્ડ ટ્રમ્પે કાર્યકારી આદેશ બહાર પાડીને ખતમ કરવાની જાહેરાત કરી પરંતુ ગણતરીના કલાકોમાં ટ્રમ્પનું આ સપનું ચકનાચૂર થઈ ગયું.
Trending Photos
ડોનાલ્ડ ટ્રમ્પે રાષ્ટ્રપતિ ચૂંટણી કેમ્પેઈન સમયે જ વચનો આપ્યા હતા કે અમેરિકામાં ગેરકાયદેસર રીતે રહેતા પ્રવાસીઓને બહાર કરવામાં આવશે. આ માટે તેમણે કડક નિર્ણયો પણ લીધા. જેમાંથી એક હતો બર્થરાઈટ સિટિઝનશીપનો અધિકાર. જે હેઠળ અમેરિકામાં જન્મેલા બાળકોને જન્મજાત અમેરિકાની નાગરિકતા મળી જતી હતી. તેનાથી તેમના અપ્રવાસી માતા પિતાને પણ અમેરિકામાં રહેવામાં સરળતા રહેતી હતી. પરંતુ ટ્રમ્પે રાષ્ટ્રપતિ બનતાની સાથે જ એક્ઝિક્યુટીવ ઓર્ડર પાસ કર્યો કે આગામી 30 દિવસ બાદ આ કાયદો ખતમ થઈ જશે. હવે અમેરિકી કોર્ટે ટ્રમ્પના આ બર્થરાઈટ સિટિઝનશીપ ખતમ કરવાના ઓર્ડર પર રોક લગાવી દીધી છે.
ગેરબંધારણીય આદેશ
ટ્રમ્પે બર્થરાઈટ સિટિઝનશીપને ખતમ કરવાનો આદેશ આપ્યો હતો જેને કોર્ટે ગેરબંધારણીય ગણાવ્યો છે. કારણ કે આ આદેશ અમેરિકાના બંધારણના 14માં સંસોધનનો ભંગ કરે છે. ટ્રમ્પનો આ એક્ઝીક્યુટિવ ઓર્ડર સાઈન કર્યા બાદ એવા લાખો પ્રવાસીઓ પર જોખમ તોળાઈ રહ્યું હતું જેમના માતા પિતા ભલે અમેરિકી નાગરિક નહતા પરંતુ તેમને અમેરિકામાં જન્મ થવાના કારણે નાગરિકતા મળેલી હતી. કોર્ટે કહ્યું કે આ મારા દિમાગને હચમચાવી દે છે. આ સ્પષ્ટ રીતે ગેરબંધારણીય આદેશ છે.
ડેમોક્રેટ્સ ગયા હતા કોર્ટમાં
બર્થરાઈટ સિટિઝનશીપવાળા મામલે ટ્રમ્પના નિર્ણય વિરુદ્ધ ડેમોક્રેટ્સના નેતૃત્વવાળા ચાર રાજ્યોએ કોર્ટના દરવાજા ખકખડાવ્યા હતા. આ કેસની સુનાવણી બાદ યુએસ ડિસ્ટ્રિક્ટ જજ જ્હોન કોફનરે ટ્રમ્પના આ આદેશ પર અસ્થાયી રીતે રોક લગાવી દીધી છે.
20 ફેબ્રુઆરીથી લાગૂ થવાનો હતો આદેશ
ટ્રમ્પે જે આદેશ આપ્યો હતો તે મુજબ 20 ફેબ્રુઆરી બાદ જન્મ લેનારા બાળકોને અમેરિકાની નાગરિકતા ન મળત. તેના કારણે ગ્રીન કાર્ડ વગર અમેરિકામાં રહેતા પ્રવાસીઓ ભારે મુશ્કેલીમાં પડી જાત. ફેડરલ જજે આ આદેશ પર રોક લગાવીને અનેક પ્રવાસીઓને મોટી રાહત આપી છે. અત્રે જણાવવાનું કે 20 જાન્યુઆરીના રોજ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા હતા અને ત્યારબાદ તરત જ તેમણે બર્થરાઈટ સંબંધિત નાગરિકતાના નિયમોને સમાપ્ત કરવાનો આદેશ બહાર પાડ્યો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે