ગુજરાતની તમામ 26 બેઠકો પર ખીલ્યું કમળ, કોંગ્રેસના સૂપડાં સાફ, દરેક બેઠકની વિગતો જાણવા કરો ક્લિક

2019ની લોકસભા ચૂંટણી સાત તબક્કામાં 11મી એપ્રિલથી 19મી મે સુધીમાં યોજાઈ ગઈ હતી. જેના પરિણામો આજે જાહેર થયાં. સમગ્ર દેશમાં મોદી લહેર નહીં પરંતુ સુનામી જોવા મળી. પ્રચંડ બહુમતથી ભાજપના નેતૃત્વવાળા એનડીએનો વિજય મળ્યો છે. વિરોધીઓના સૂપડાં સાફ થઈ ગયા છે.

ગુજરાતની તમામ 26 બેઠકો પર ખીલ્યું કમળ, કોંગ્રેસના સૂપડાં સાફ, દરેક બેઠકની વિગતો જાણવા કરો ક્લિક

અમદાવાદ: 2019ની લોકસભા ચૂંટણી સાત તબક્કામાં 11મી એપ્રિલથી 19મી મે સુધીમાં યોજાઈ ગઈ હતી. જેના પરિણામો આજે જાહેર થયાં. સમગ્ર દેશમાં મોદી લહેર નહીં પરંતુ સુનામી જોવા મળી. પ્રચંડ બહુમતથી ભાજપના નેતૃત્વવાળા એનડીએનો વિજય મળ્યો છે. વિરોધીઓના સૂપડાં સાફ થઈ ગયા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગૃહ રાજ્ય ગુજરાતમાં પણ મોદી સુનામીમાં વિરોધીઓ ડૂબી ગયાં. તમામ 26 બેઠકો પર ભાજપના ઉમેદવારોનો જંગી લીડથી વિજય થયો છે. જે બેઠકો પર કોંગ્રેસ વિજયની આશા રાખીને બેઠી હતી તેમાં પણ તેને પરાજયનો સામનો કરવો પડ્યો. અમરેલીથી કોંગ્રેસના દિગ્ગજ નેતા ગણાતા પરેશ ધાનાણી હારી ગયાં. જ્યારે આણંદથી ભરત સોલંકીએ હારનો સામનો કરવાનો વારો આવ્યો. ગાંધીનગરથી અમિત શાહે રેકોર્ડ બ્રેક માર્જિનથી જીત મેળવી. ગુજરાતની તમામ બેઠકોની વિસ્તૃત માહિતી અત્રે રજુ કરી છે. 

(1) અમદાવાદ (પૂર્વ): ગઢ સાચવવામાં ભાજપને સફળતા
અમદાવાદ (પૂર્વ)ની બેઠક પર મુખ્ય રીતે ભાજપના હસમુખભાઈ પટેલ અને કોંગ્રેસના ગીતાબેન પટેલ વચ્ચે મુકાબલો હતો. આ બેઠક પર ભાજપના હસમુખ પટેલે કોંગ્રેસના ગીતાબેન પટેલને 434330 મતોથી હરાવ્યાં. આ બેઠક આમ તો પ્રમાણમાં નવી રચાયેલી બેઠક છે. 2008માં ડિ-લિમિટેશનની પ્રક્રિયા બાદ આ મતવિસ્તારની રચના થઈ. અને ત્યારબાદ 2009 અને 2014 એમ બે લોકસભા ચૂંટણી યોજાઈ ચૂકી છે. બંને ચૂંટણીમાં ભાજપના ઉમેદવારો વિજયી થયા હતાં. એટલે આ બેઠકને ભાજપનો મજબુત ગઢ માનવામાં આવી રહ્યો છે. 

(2) અમદાવાદ (પશ્ચિમ): BJPના કિરિટ સોલંકીને હંફાવવામાં નિષ્ફળ ગયા કોંગ્રેસના રાજુ પરમાર
અમદાવાદ પશ્ચિમ બેઠક પર ભાજપના કિરિટ સોલંકીએ કોંગ્રેસના રાજુ પરમારને 321546 મતોથી હરાવ્યાં. નવા સિમાંકન બાદ 2009માં અસ્તિત્વમાં આવેલી આ બેઠક પર છેલ્લી બંને ચૂંટણીમાં ભાજપે જીત મેળવી છે. શહેર વિસ્તારમાં આવતી પણ અનામત છતાં ભાજપની આ બેઠક પર જબરદસ્ત પકડ છે. છેલ્લી બંને ચૂંટણીમાં ભાજપના કિરિટ સોલંકી જીત્યા છે. અને હાલની ચૂંટણીમાં પણ તેમને ભાજપે રિપિટ કર્યા હતાં અને કોંગ્રેસે રાજ્યસભા સાંસદ રહી ચૂકેલા રાજુ પરમારને ટિકિટ આપી હતી. અમદાવાદ પશ્ચિમ બેઠકમાં  એલિસબ્રિજ, અમરાઈવાડી, દરિયાપુર, જમાલપુર-ખાડિયા,  મણિનગર,  દાણીલીમડા,  અસારવા મળી કુલ 7 વિધાનસભા બેઠકોનો સમાવેશ થાય છે, જેમાંથી ચાર ભાજપ અને ત્રણ કૉંગ્રેસ પાસે છે. અમદાવાદ પશ્ચિમ બેઠકમાં 16,27,399 મતદારોનો છે. જેમાં અંદાજીત પટેલ મતદારોની સંખ્યા 2,30,448, વણિક 1,28,597, દલિત 2,60,229 અને મુસ્લિમ મતદારોની સંખ્યા 2,62,743 જેટલી છે.

(3) અમરેલી બેઠક જીતવાની કોંગ્રેસની આશા પર પાણી ફરી વળ્યું
એવી કેટલીક બેઠકો હતી જેના વિશે કહેવાતું હતું કે ત્યાં કોંગ્રેસ જીત મેળવી જશે. જેમાંની એક બેઠક અમરેલી હતી. આ બેઠક પરથી ભાજપના સીટીંગ એમએલએ સામે કોંગ્રેસે ધૂરંધર નેતા પરેશ ધાનાણીને ઊભા રાખ્યા હતાં. પરંતુ કોંગ્રેસે હારનો સામનો કરવાનો વારો આવ્યો. અમરેલી બેઠક પર નારણભાઈ કાછડિયાએ કોંગ્રેસના પરેશ ધાનાણીને 201431 મતોથી હરાવ્યાં.અમરેલીમાં 7 વિધાનસભા વિસ્તારોનો સમાવેશ થાય છે. જેમાં 8,43,668 પુરૂષ, 7,84,ર91 મહિલા અને ૨૧ થર્ડ જેન્‍ડર એમ કુલ 16,ર7,980 મતદારોએ  પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. ગત ચૂંટણી કરતા આ વખતે 2 ટકા મતદાન પણ વધુ નોંધાયું હતું. 

(4) આણંદ: કોંગ્રેસની પરંપરાગત બેઠક ‘આણંદ’ ફરી ભાજપના ફાળે
આણંદ બેઠક પર ભાજપના મિતેષ પટેલે કોંગ્રેસના ભરત સોલંકીને 197718 મતોથી હરાવ્યાં.  લોકસભા ચૂંટણી 2019માં જાણે આણંદવાસીઓએ કોંગ્રેસ સરકાર ઇચ્છતી જ ના હોય તેમ પરિણામમાં ભાજપ તરફી ટ્રેન્ડ જોવા મળ્યાં. આમ તો આણંદ બેઠક પર વર્ષોથી કોંગ્રેસનો દબદબો રહ્યો છે. તેમ છતાં આણંદ બેઠક પર ભાજપના ઉમેદવાર મિતેષ પટેલે કોંગ્રેસના ઉમેદવાર ભરતસિંહ સોલંકી હરાવીને જીત મેળવી.  2014ની જેમ આ વર્ષે પણ આણંદવાસીઓમાં મોદી લહેર જોવા મળી હોય તેમ કોંગ્રેસનો સફાયો બોલાવ્યો. 

(5) બનાસકાંઠા: ચૌધરી સમાજના બાહુબલી નેતાઓ વચ્ચે જંગ, ભાજપના પરબત પટેલને મળી જીત
ગુજરાતની આ બનાસકાંઠા બેઠક પર ચૌધરી સમાજના બાહુબલી નેતાઓ પરબત પટેલ અને પરથી ભટોળ વચ્ચે ચૂંટણી જંગ ખેલાયો હતો. પરબત પટેલ જીત્યા છે. બનાસકાંઠા બેઠક પર ભાજપના પરબત પટેલે કોંગ્રેસના પરથીભાઈ ભટોળને 368296 મતોથી હરાવ્યાં. 2019ની લોકસભા ચૂંટણીમાં બનાસકાંઠા બેઠક માટે ભાજપે સીટિંગ સાંસદ હરિભાઈ ચૌધરીની જગ્યાએ પરબત પટેલ પર પસંદગી ઉતારી હતી. જ્યારે કોંગ્રેસે પરથી ભટોળને ઉમેદવાર બનાવ્યાં હતાં. આ બેઠક પર 10 વાર કોંગ્રેસે તો 5 વાર ભાજપે જીત મેળવી છે. છેલ્લી બે ટર્મથી બનાસકાંઠા બેઠક પર ભાજપના પરબત પટેલે કોંગ્રેસના પરથીભાઈ ભટોળને 368296 મતોથી હરાવ્યાં. ભાજપના હરિભાઈ ચૌધરી સાંસદ તરીકે ચૂંટાઈ આવ્યાં હતાં. 

(6) બારડોલી: કોંગ્રેસની પરંપરાગત બારડોલી બેઠક પર BJPનો દબદબો
બારડોલી બેઠક પર આ વખતે કોંગ્રેસ દ્વારા અગાઉ અહીંથી બે વખત સાંસદ રહી ચુકેલા તુષાર ચૌધરીને ટિકિટ આપવામાં આવી હતી. જ્યારે ભાજપ તરફથી પ્રભુ વસાવા મેદાનમાં હતાં. બારડોલી બેઠક પર પ્રભુ વસાવાએ કોંગ્રેસના તુષાર ચૌધરીને 215447 મતોથી હરાવ્યાં. જીતેલા ઉમેદવાર પ્રભુ વસાવાને 742273 મતો અને કોંગ્રેસના તુષાર ચૌધરીને 526826 મતો મળ્યાં છે. એટલે કે પ્રભુ વસાવા 215447 મતોથી જીતી ગયાં. કોંગ્રેસના ઉમેદવાર તુષાર ચૌધરી ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અમરસિંહ ચૌધરીના સુપુત્ર પણ છે. જેમની સામે ભાજપ દ્વારા 2014ની ચૂંટણીમાં તુષાર ચૌધરીને હરાવીને વિજેતા બનેલા પ્રભુ વસાવાને રીપિટ કરવામાં આવ્યા હતાં. એટલે અહીં આ વખતે કોંગ્રેસ અને ભાજપ વચ્ચે કાંટાની ટક્કર હતી. 

(7) ભરૂચ:  ભાજપના મૂળિયા ઉખેડવામાં કોંગ્રેસને મળી ધોબીપછાડ
સાત તબક્કામાં યોજાયેલી લોકસભા ચૂંટણી 2019ના આજે પરિણામનો દિવસ હતો. જેમાં ભાજપના નેતૃત્વવાળા એનડીએનો સપાટો જોવા મળ્યો છે. ગુજરાતમાં પણ તમામ 26 બેઠકો પર ભાજપના ઉમેદવારો જંગી બહુમતીથી જીત્યા છે. ભરૂચ લોકસભા બેઠક પર છેલ્લા 28 વર્ષથી શાસન કરી રહેલા ભાજપના મૂળિયા ઉખેડવામાં કોંગ્રેસ સતત નિષ્ફળ ગઈ છે. ટ્રાઈબલ નેતા અને ભાજપના ઉમેદવાર મનસુખ વસાવાએ જંગી બહુમતીથી કોંગ્રેસના ઉમેદવાર શેરખાન પઠાણને હરાવ્યાં છે. ભરૂચ બેઠક પર ભાજપના મનસુખ વસાવાએ કોંગ્રેસના શેરખાન પઠાણને 334214 મતોથી હરાવ્યાં.  મનસુખ વસાવાને 637795 મતો જ્યારે શેરખાન પઠાણને 303581 મતો મળ્યાં. 

ભાવનગરની લોકસભા બેઠક પર 1991થી ભાજપનો કબ્જો છે. આ વખતની ચૂંટણીમાં ભાજપ તરફથી ડો.ભારતીબેન શિયાળ અને કોંગ્રેસ તરફથી મનહરભાઈ પટેલ ચૂંટણીના મેદાનમાં હતાં. ભાજપના ભારતીબેન શિયાળે કોંગ્રેસના મનહરભાઈ પટેલને 329519 મતોથી હરાવ્યાં. આ બેઠક પર 6 વખત ભાજપના ક્ષત્રિય અને એક વખત કોળી ઉમેદવાર વિજેતા બન્યા છે. ભાજપે વર્તમાન સાંસદ ભારતીબેન શિયાળને રિપીટ કરીને ચૂંટણી જીતવાનો ઈરાદો વ્યક્ત કર્યો હતો. તેની સામે કોંગ્રેસે પ્રથમ વખત પટેલને મેદાનમાં ઉતારીને નવા સમીકરણ માંડ્યા છે. ભાવનગરની લોકસભા બેઠકમાં સૌથી વધુ વસતી કોળી, પાટીદાર અને ક્ષત્રિય સમાજની છે. 

(9)  છોટા ઉદેપુર: ભાજપનો જુગાડ સફળ રહ્યો
એસ ટી માટે અનામત એવી છોટા ઉદેપુર બેઠક ઉપર ભાજપે પહેલીવાર મહિલા ઉમેદવાર ગીતાબેન રાઠવાને તક આપી. છોટા ઉદેપુરની બેઠક પર ગીતાબેન રાઠવાએ કોંગ્રેસના રણજીતસિંહ રાઠવાને 377943 મતોથી હરાવ્યાં. ચાલુ સાંસદ રામસિંહ રાઠવાની ટીકીટ કાપી છોટાઉદેપુર બેઠક ઉપર પ્રથમ વાર મહિલા ઉમેદવાર ચૂંટણી મેદાનમાં ઉતર્યા હતાં. જે સફળ નિવડ્યું. ગીતાબેન રાઠવાએ તેમના હરિફ ઉમેદવાર કોંગ્રેસના રણજીતસિંહ રાઠવાને 3,77,943 મતોથી હરાવ્યાં છે. આ બાજુ કોંગ્રેસે રણજીત સિંહ રાઠવાને તક આપી હતી. ગીતાબેન રાઠવા પોતાના નિવાસ સ્થાન કવાંટ તાલુકાની સૈડીવાસન બેઠક ઉપર 1996થી પાંચ વખત સતત જિલ્લા પંચાયતના સભ્ય તરીકે ચૂંટાતા આવ્યા છે. જ્યારે છોટાઉદેપુર જિલ્લો વડોદરામાં સમાવિષ્ટ હતો. ત્યારે વડોદરા જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ અને આરોગ્ય સમિતિના ચેરમેન પણ રહી ચૂક્યા છે. 

(10) દાહોદ: આદિવાસી બહુમતી ધરાવતા વિસ્તારમાં ભગવો લહેરાયો
એક સમયે કોંગ્રેસનો ગઢ ગણાતી દાહોદ લોકસભા બેઠક ઉપર અત્યાર સુધીમાં 3 વાર ભાજપને જીત મળી છે. છેલ્લા એક દાયકાથી મજબુત બનેલી સ્થિતિ હવે વધુ મજબુત બની રહી છે.દાહોદ (એસટી) બેઠક પર ભાજપના જશવંતસિંહ ભાભોરે કોંગ્રેસના બાબુભાઈ કટારાને 127596 મતોથી હરાવ્યાં. કોંગ્રેસે 2009 માં આ બેઠક ભાજપ પાસેથી આંચકી હતી. પરંતુ ત્યારબાદ 2014માં ભાજપે ફરીથી આ બેઠક પર કબ્જો જમાવ્યો હતો. ગુજરાત વિધાનસભા ૨૦૧૭ની ચૂંટણી વખતે પણ ભાજપનું પલ્લુ ભારે થયું હતુ કેમ કે, દાહોદ લોકસભા બેઠકમાં આવતી સાત વિધાનસભા બેઠકો પૈકી 4 ઉપર ભાજપનો કબજો છે જ્યારે ત્રણ બેઠકો ઉપર કોંગ્રેસનો કબજો છે.     

(11) ગાંધીનગર: લીડમાં તો અમિત શાહે અડવાણીનો પણ રેકોર્ડ તોડ્યો 
ગાંધીનગર બેઠક પર ભાજપના અમિત શાહે કોંગ્રેસના સી જે ચાવડાને 557014 મતોની જંગી લીડથી હરાવ્યાં. ગાંધીનગર બેઠક ભાજપ અને કોંગ્રેસ બંને માટે પ્રતિષ્ઠાની દાવ સમાન બેઠક ગણાય છે. આ એ જ બેઠક છે, જેમાં ભાજપે પીઢ નેતા લાલકૃષ્ણ અડવાણીને હટાવીને રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહને ટિકીટ આપી હતી. અમિત શાહ પહેલીવાર લોકસભાનું ઈલેક્શન લડી રહ્યા હતા. ત્યારે તેમના માટે આ સીટ જાળવવા કરતા લાલકૃષ્ણ અડવાણીની લીડ જાળવવી વધુ ચેલેન્જિંગ હતી. ત્યારે અમિત શાહે ગાંધીનગર બેઠક પર કોંગ્રેસનો સફાયો કર્યો છે. 

(12) જામનગર: પૂનમ માડમનો દબદબો વધ્યો, ગત ચૂંટણી કરતા લીડ પણ વધી
જામનગર બેઠક પર પૂનમબેન માડામે કોંગ્રેસના મૂળુભાઈ કંડોરિયાને 236804 મતોથી હરાવ્યાં. જામનગરમાં લોકસભા બેઠક પર ગત વખતે ભાજપે કબજો મેળવ્યા બાદ ફરીથી આ વખતે પણ ભાજપ દ્વારા લોકસભા બેઠક પર જામનગરના મહિલા સાંસદ પૂનમબેન માડમને રિપીટ કરવામાં આવ્યા હતા. ત્યારે પૂનમ માડમ આ વખતે પણ જંગી લીડથી જામનગરની બેઠક પર કબજો જમાવ્યો છે.

(13) જૂનાગઢ: વિધાનસભા પરિણામ બાદ ચેલેન્જિંગ ગણાતી આ બેઠક પર આખરે ભાજપ જીત્યું ખરું
જુનાગઢ બેઠક પર ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાનો ભવ્ય વિજય થયો છે. રાજેશભાઈ ચૂડાસમાએ કોંગ્રેસના પૂજાભાઈ વંશને 150185 મતોથી હરાવ્યાં.  જુનાગઢ બેઠકમાં પણ 2017ના પરિણામોની અસરના કારણે બીજેપી માટે જીત હાંસિલ કરવી સરળ ન હતી. જુનાગઢની બેઠક સૌરાષ્ટ્રની એ બેઠકોમાંની એક છે, જ્યાં જીત મેળવવી ભાજપ માટે સરળ ન હતી. તેથી ભાજપે ફરી એકવાર યુવા સાંસદ રાજેશ ચૂડાસમાને ફરી એકવાર તક આપી હતી. 2014માં રાજેશ ચુડાસમાએ જીત તો મેળવી હતી, પણ ફરી ટીકીટ મળવા બાદ પણ ચુડાસમાને ફરી ટિકીટ આપશે કે નહિ આપે તે મોટો પ્રશ્ન હતો. તેમની ટિકીટ કપાય તેવી શક્યતા હતી. જોકે, ભાજપે તેમના પર જ ભરોસો દાખવ્યો હતો. 2014ના લોકસભા ઈલેક્શનમાં પણ રાજેશ ચૂડાસમા અને પૂજાભાઈ વંશ જ સામસામે હતા, અને રાજેશભાઈ 135832 માર્જિનથી જીત્યા હતા. જોકે, આ વખતની તેમની માર્જિન બહુ વધી નથી.

(14) કચ્છ : ભાજપના વિનોદ ચાવડા જંગી લીડથી જીત્યા
ભાજપના ઉમેદવારે જંગી લીડથી હરિફ ઉમેદવારને હાર આપી છે. કચ્છ બેઠક પર ભાજપના વિનોદ ચાવડાએ કોંગ્રેસના નરેશ મહેશ્વરીને 305513 મતોથી હરાવ્યાં.અત્રે જણાવવાનું કે કોંગ્રેસના ઉમેદવાર નરેશ મહેશ્વરી દલિત સમાજના મોટા આગેવાન છે. ભાજપ માટે આ વખતે સૌથી મોટો પડકાર ભાજપની જૂથબંધી હતી. આ ઉપરાંત જયંતી ભાનુશાળીની હત્યાનો મુદ્દો પણ નડે તેવું કહેવાતું હતું. આ મતવિસ્તારમાં ક્ષત્રિય, લોહાણા, મુસ્લિમ, આહિર, જૈન, પાટીદાર, સિંધી, વાણિયા, બ્રાહ્મણ, ગઢવી, માલધારી, દલિત આ બધી જ્ઞાતિઓના મતદારો નોંધપાત્ર સંખ્યામાં છે. જ્ઞાતિવાદ સમીકરણો અહીં ચાલતા નથી. ભાજપના ચાવડા નિર્વિવાદ વ્યક્તિત્વ અને સ્વચ્છ પ્રતિભા ધરાવતા નેતા તરીકે મતદારોમાં ઓળખાય છે. 

(15) ખેડા : ભાજપના દેવુસિંહની જંગી જીત
લોકસભા ચૂંટણીના પરિણામો જાહેર થયા છે. ત્યારે ભાજપના ખેડા લોકસભા બેઠકના ઉમેદવાર દેવુસિંહ ચૌહાણે જંગી બહુમતથી જીત હાસલ કરી હતી. ખેડા બેઠક પર દેવુસિંહ ચૌહાણે કોંગ્રેસના બિમલ શાહને 367145 મતોથી હરાવ્યાં.  ભાજપ દ્વારા ખેડા બેઠક પર દેવુસિંહ ચૌહાણને રીપીટ કરવામાં આવ્યા હતા. કારણ કે, દેવુસિંહનું પ્રભુત્વ ખેડા જિલ્લામાં સારુ હોવાથી ભાજપે ફરીએકવાર તેમના પર વિશ્વાસ મુકીને ઉમેદવાર બનાવ્યા હતા. જ્યારે કોંગ્રેસ તરફથી બિમલ શાહ ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા હતા. જે ખરાબ રીતે હાર્યા છે. સ તરફથી જાહેર કરવામાં આવેલા ઉમેદાવરને ખેડા બેઠક પરથી 31.61 ટકા જનતાએ મત આપ્યા હતા. જ્યારે ભાજપના દેવુસિંહને ખેડાની જનતાએ 65.06 ટકા મતઆપીને જંગી લીડથી વિજયી બન્યા હતા. ખેડા જિલ્લામાં ભાજપના દેવુસિંહને રિપીટ કરીને ભાજપે જીત મેળવી છે. ભાજપનો આ બેઠક પર દેવુસિંહને ટિકિટ આપવાનો નિર્ણય ખરેખર સાચો સાબિત થયો. જંગી બહુમતથી જીત મેળવનાર દેવુસિંહે ખેડાની જનતાનો આભાર માન્યો હતો. અને કાર્યકરોએ ફટાકડા ફોડીને જીતની ઉજવણી કરી હતી.

(16) મહેસાણા : પાટીદારોએ ખોબલે ખોબલે ભાજપને આપ્યાં મત
મહેસાણા બેઠક પર ભાજપના શારદાબેન પટેલે કોંગ્રેસના એ જે પટેલને 281519 મતોથી હરાવ્યાં.પાટીદાર બહુમતી ધરાવતું મહેસાણા ઉત્તર ગુજરાતનું પ્રવેશદ્વાર ગણાય છે. છેલ્લા એક દાયકાથી ઔદ્યોગિક વિકાસને કારણે આ શહેરનો ઝડપી વિકાસ થયો છે. ગુજરાતમાં ચાલેલા પાટીદાર આંદોલન સમયે મહેસાણા મુખ્ય એપી સેન્ટર હતું. ભાજપ દ્વારા અહીં પ્રમાણમાં અજાણ્યા કહી શકાય એવા શારદાબેન પટેલને ટિકિટ આપવામાં આવી હતી, જ્યારે તેમની સામે કોંગ્રેસ દ્વારા પૂર્વ સનદી અધિકારી એ.જે. પટેલને મેદાનમાં ઉતારવામાં આવ્યા હતાં.

(17) નવસારી: કોંગ્રેસનું કોળી કાર્ડ નિષ્ફળ, પાટીલે પોતાનો જ રેકોર્ડ તોડ્યો
નવસારી બેઠક પર ભાજપના સી આર પાટીલે પોતાનો જ રેકોર્ડ તોડતા કોંગ્રેસના ધર્મેશ પટેલને 689668 મતોથી હરાવ્યાં. નવસારી બેઠક પર કોંગ્રેસનું કોળી કાર્ડ ન ચાલ્યું. ભાજપના નેતા સી આર પાટિલ જંગી બહુમતીથી જીતી ગયા.  નવસારી લોકસભા બેઠક 2009માં અસ્તિત્વમાં આવી હતી. આ અગાઉ નવસારી જિલ્લાનો વલસાડ લોકસભા બેઠકમાં સમાવેશ થતો હતો. ભાજપ દ્વારા 2009થી આ બેઠક પર જીતતા આવેલા સી.આર. પાટીલને રિપીટ કરવામાં આવ્યા છે, જેની સામે કોંગ્રેસ દ્વારા કોળી કાર્ડ ખેલવામાં આવ્યું છે. આ બેઠક પર કોળી સમાજની બહુમતિ છે અને કોળી સમાજે આ બેઠક પર કોળી ઉમેદવાર ઉભો રાખવામાં આવે તેવી માગ કરી હતી. આથી, કોંગ્રેસ દ્વારા કોળી સમાજના યુવાન નેતા અને વિજલપોર નગરપાલિકાના ભૂતપૂર્વ પ્રમુખ ધર્મેશ પટેલને ટિકિટ આપવામાં આવી હતી.

જુઓ LIVE TV

(18) પંચમહાલ: જંગી બહુમતીથી ભગવો લહેરાયો
 પંચમહાલ બેઠક પર ભાજપના રતનસિંહ રાઠોડે કોંગ્રેસના વી કે ખાંટને 428541 મતોથી હરાવ્યાં. પંચમહાલ લોકસભા બેઠક માટે કોંગ્રેસના વી કે ખાંટ અને ભાજપના રતનસિંહ રાઠોડ વચ્ચે મુકાબલો હતો. ગત વખતની જેમ આ વખતની ચૂંટણીમાં પણ ભાજપને ગુજરાતમાંથી તમામ બેઠકો જંગી બહુમતીથી મળી છે. 

(19) પાટણ: મહત્વની બેઠક પર ભાજપનો સપાટો
પાટણ બેઠક પર ભાજપના ભરતસિંહ ડાભીએ કોંગ્રેસના જગદીશ ઠાકોરને 193879 મતોથી હરાવ્યાં. પાટણનો ઈતિહાસ જેટલો મહત્વનો છે તેટલી જ પાટણ લોકસભા સીટ મહત્વની છે. આ સીટ પરથી ભાજપના ભરતસિંહ ડાભીનો મુકાબલો કોંગ્રેસના જગદીશ ઠાકોર સામે હતો. ભાજપના ઉમેદવાર જંગી બહુમતીથી જીતી ગયા છે.  છેલ્લી 3 ચૂંટણીઓની વાત કરીએ તો 2014માં પણ આ બેઠક ભાજપે જીતી હતી. 

(20)  પોરબંદર: રમેશ ધડુકને 2 લાખ મતોથી વધુ 
લોકસભાની ચૂંટણી માટે આજે હાથ ધરાયેલ મતગણતરીમાં ફરી એક વખત દેશમાં ભાજપનો ભગવો લહેરાયો છે.પોરબંદર બેઠક પર ભાજપના રમેશભાઈ ધડૂકે કોંગ્રેસના લલિત વસોયાને 229823 મતોથી હરાવ્યાં. રબંદરની સરકારી પોલીટેકનીક કોલેજ ખાતે આજે સવારે 8 વાગ્યાથી મતગણતરી હાથ ધરવામાં આવી હતી. જેમા પ્રથમ બેલેટ પેપરની ગણતરી કરવામાં આવી હતી અને ત્યારબાદ ઈવીએમની મતગણતરી હાથ ધરવામાં આવી હતી.

(21) રાજકોટ: મોહન કુંડારિયા ફરીવાર જંગી બહુમતથી જીત્યા
રાજકોટ બેઠક પર ભાજપના મોહનભાઈ કુંડરિયાએ કોંગ્રેસના લલિતભાઈ કગથરાને 368407 મતોથી હરાવ્યાં. ગત વર્ષે મોહન કુંડારીયાની 2 લાખ 46 હજાર મતથી જીત થઇ હતી. મોહન કુંડારીયાએ જનતાનો અને મતદારોનો આભાર માન્યો હતો. રાજકોટ બેઠકના ઇતિહાસમાં સૌથી વધુ લીડ હાસિલ કરીને મોહન કુંડારિયા ઇતિહાસ રચ્યો છે. અગાઉ 1998માં ભાજપના વલ્લભ કથીરિયા 3,54,916 મતથી જીત હાસિલ કરી હતી.

(22) સાબરકાંઠા: ઔતિહાસિક બેઠક પર દિપસિંહનો ભવ્ય વિજય
સાબરકાંઠા બેઠક પર ભાજપના દિપસિંહ રાઠોડે કોંગ્રેસના રાજેન્દ્રસિંહ ઠાકોરને 268987 મતોથી હરાવ્યાં.  જોકે યુવા નેતા અલ્પેશ ઠાકોરના કોંગ્રેસમાંથી રાજીનામા બાદ પણ ઠાકોર સેનાના આ જિલ્લામાં કંઇ ખાસ અસર દેખાડી શક્યું નથી. જીત મેળનાર ભાજપના ઉમેદવાર દીપસિંહ રાઠોડે સાબરકાંઠાની જનતાનો આભાર માન્યો હતો.

(23) સુરત : ભાજપના દર્શના જરદોશ જંગી બહુમતથી વિજયી
લોકસભા ચૂંટણી પરિણામ આવતાની સાથે જ ગુજરાતમાં કમળ ખીલ્યું છે. ગુજરાતની તમામ 26 સીટો પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો વિજયી થયા છે. ત્યારે સુરત લોકસભા બેઠક પર દર્શનાબેન જરદોશે વિજયી થઇને ફરી એકવાર સુરતમાં કમળને ખીલાવા માટે મહત્વનો ભાગ ભજવ્યો છે. જ્યારે કોંગ્રેસ દ્વારા પાટીદાર ફેક્ટરનો ઉપયોગ કરવા માટે અશોક પટેલને ટીકિટ આપવામાં આવી હતી. પરંતુ સુરત બેઠક પર કોંગ્રેસના ઉમેદવારે હારનો સામનો કરવો પડ્યો. સુરત બેઠક પર ભાજપના દર્શના જરદોશે કોંગ્રેસના અશોક પટેલને 548230 મતોથી હરાવ્યાં. 

(24) સુરેન્દ્રનગર: ફરી લહેરાયો કેસરીયો
ગુજરાતની જનતાએ રાજ્યની તમામ બેઠક પર ભાજપના ઉમેદવારો જંગી લીડથી જીત્યા છે ત્યારે સુરેન્દ્રનગર બેઠક પર મહેન્દ્રભાઈ મુંજાપરાએ કોંગ્રેસના સોમાભાઈ પટેલને 277437 મતોથી હરાવ્યાં છે.  વર્ષ 2014માં ભાજપે જીત હાંસલ કરી હતી.

(25) વડોદરા: વડોદરામાં રંજનબેન સામે ટક્યું નહીં કોંગ્રેસ
ગુજરાત લોકસભા ચૂંટણીના ટ્રેન્ડમાં હાલ ભાજપ છવાયેલું છે. ત્યારે વડોદરા બેઠક પર ભાજપના રંજનબેન ભટ્ટે 589177ની જંગી લીડથી કોંગ્રેસના પ્રશાંત પટેલને હરાવ્યાં.  જો કે, 2014માં તે સમયના ગુજરાતના સીએમ અને ભાજપ ઉમેદવાર નરેન્દ્ર મોદી અહીંથી ચૂંટણી જીત્યા અને વડાપ્રધાન બન્યા હતા. ત્યારપછી પેટ ચૂંટણીમાં વર્ષ 2014માં ફરી ભાજપ ઉમેદવાર રંજનબેન ભટ્ટના નામનો પરચમ લહેરાયો હતો. જોકે, આજે ફરી વડોદરામાં ભાજપના ઉમેદવાર રંજનબેન ભટ્ટ મોટી લીડ સાથે વડોદરાની બેઠક પોતાના નામે કરે તેવું દેખાઇ રહ્યું છે.

(26) વલસાડ: ફરી એકવાર વલસાડ બેઠક પર મોદી લહેર
વલસાડ બેઠક પર એક પણ પક્ષની પરંપરાગત બેઠક રહી નથી, અહીં વારંવાર ઉમેદવારો બદલાતા રહ્યાં છે. ત્યારે વલસાડ બેઠક પર ભાજપના કે સી પટેલે કોંગ્રેસના જીતુભાઈ ચૌધરીને 353797 મતોથી હરાવ્યાં. જો કે, 2014માં ભાજપના ઉમેદવારની અહીં જીત થઇ હતી. 

એક નજરે જુઓ વિગતવાર પરિણામ...

ગુજરાતના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક..

  લોકસભા ચૂંટણી 2019 પરિણામ (ગુજરાત રાજ્ય)
               
ક્રમ બેઠકનું નામ                                ભાજપ                                            કોંગ્રેસ  
    મળેલા મત ભાજપના ઉમેદવારનું નામ મળેલા મત કોંગ્રેસના ઉમેદવારનું નામ જીતનો માર્જિન  
               
1 કચ્છ (SC) 637034 વિનોદ ચાવડા 331521 નરેશ મહેશ્વરી 305513  
2 બનાસકાંઠા 679108 પરબતભાઈ પટેલ 310812 પરથીભાઈ ભટોળ 368296  
3 પાટણ 633368 ભરતસિંહ ડાભી 439489 જગદીશ ઠાકોર 193879  
4 મહેસાણા 659525 શારદાબેન પટેલ 378006 એ.જે. પટેલ 281519  
5 સાબરકાંઠા 701984 દિપસિંહ રાઠોડ 432997 રાજેન્દ્રસિંહ ઠાકોર 268987  
6 ગાંધીનગર 894624 અમિત શાહ 337610 ડો. સી. જે. ચાવડા 557014  
7 અમદાવાદ (પૂર્વ) 749834 હસમુખભાઈ પટેલ 315504 ગીતાબેન પટેલ 434330  
8 અમદાવાદ (પશ્ચિમ) SC 641622 કિરિટ સોલંકી
320076
રાજુ પરમાર 321546  
9 સુરેન્દ્રનગર 631844 ડો. મહેન્દ્રભાઈ મુંજાપરા 354407 સોમાભાઈ કોળીભાઈ પટેલ 277437  
10 રાજકોટ 758645 મોહનભાઈ કુંડરિયા 390238 લલિતભાઈ કગથરા 368407  
11 પોરબંદર 563881 રમેશભાઈ ધડૂક 334058 લલિતભાઈ વસોયા 229823  
12 જામનગર 591588 પૂનમબેન માડામ 354784 મૂળુભાઈ કંડોરીયા 236804  
13 જૂનાગઢ 547952 રાજેશભાઈ ચૂડાસમા 397767 પૂજાભાઈ વંશ 150185  
14 અમરેલી 529035 નારણભાઈ કાછડિયા 327604 પરેશ ધાનાણી 201431  
15 ભાવનગર 661273 ડો. ભારતીબેન શિયાળ 331754 મનહરભાઈ પટેલ 329519  
16 આણંદ 633097 મિતેષ પટેલ 435379 ભરત સોલંકી 197718  
17 ખેડા 714572 દેવુસિંહ ચૌહાણ 347427 બિમલ શાહ 367145  
18 પંચમહાલ 732136 રતનસિંહ રાઠોડ 303595 વી.કે.ખાંટ 428541  
19 દાહોદ (ST) 561760 જસવંતસિંહ ભાભોર 434164 બાબુભાઈ કટારા 127596  
20 વડોદરા 883719 રંજનબેન ભટ્ટ 294542 પ્રશાંત પટેલ 589177  
21 છોટા ઉદેપુર (ST) 764445 ગીતાબેન રાઠવા 386502 રણજીતસિંહ રાઠવા 377943  
22 ભરૂચ 637795 મનસુખ વસાવા 303581 શેરખાણ પઠાણ 334214  
23 બારડોલી (ST) 742273 પ્રભુ વસાવા 526826 તુષાર ચૌધરી 215447  
24 સુરત 795651 દર્શના જરદોશ 247421 અશોક પટેલ 548230  
25 નવસારી 972739 સી.આર.પાટીલ 283071 ધર્મેશ પટેલ 689668  
26 વલસાડ 771980 ડો. કે. સી.પટેલ 418183 જીતુભાઈ ચૌધરી 353797  
               

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news