રાજકોટમાં નવું રાજકારણ, મેયર માટે એકબીજાના પત્તા કાપવા લોબિંગ શરૂ થયું

રાજકોટમાં નવું રાજકારણ, મેયર માટે એકબીજાના પત્તા કાપવા લોબિંગ શરૂ થયું
  • રાજકોટમાં રૂપાણી અને રૂપાપરા જૂથમાંથી કોણ મેયર થવાના છે એ પણ જોવાનું રહ્યું
  • મેયર પદના નામ માટે નિલેશ જલુનું પણ ચર્ચામાં છે. જો કે છેલ્લો નિર્ણય તો મોવડી મંડળનો જ રહેશે
  • રાજકોટ મહાનગર પાલિકાના મેયરપદે કોણ ? સોશિયલ મીડિયામાં લોબિંગ શરૂ થયું
  • લોબિંગ કોઈને મેયર બનવા કરતા કોણ મેયર ન બને એ માટે કરવામાં આવી રહ્યાની ચર્ચાઓ શરૂ થઈ 

ઉદય રંજન/રાજકોટ :રાજકોટ મહાપાલિકામાં આગામી 12 માર્ચના મેયર સહિતના પદાધિકારીઓના નામને લઈને વરણી થવાની છે. ભાજપના 68 નગરસેવક પૈકી બક્ષી પંચના નગરસેવકની મેયરપદને લઈને વરણી કરવામાં આવશે. ત્યારે સોશિયલ મીડિયામાં મેયર પદને લઈને જોરશોરથી લોબિંગ શરૂ થયું છે. આ લોબિંગ કોઈને મેયર બનવા કરતા કોણ મેયર ન બને એ માટે કરવામાં આવી રહ્યાની ચર્ચાઓ શરૂ થઈ છે.

રાજકોટ પાલિકામાં ભાજપના ચૂંટાયેલા નગરસેવકો પૈકી બક્ષીપંચ મોરચામાંથી આવતા નિલેશભાઈ જલુ, હિરેન ખીમણિયા, બાબુભાઇ ઉધરેજા, ડો મોરજરીયા, જીતુભાઇ કાટોડીયા, નરેન્દ્ર ડવ અને પ્રદીપ ડવના નામો ચર્ચામાં છે. આ બધા નામો ઓબીસી સમાજના નગરસેવકોના છે. જોકે, કેટલાક લોકો યોગ્ય ઉમેદવાર માટે લોબિંગ કરે છે, તો કેટલાક લોકોએ યોગ્ય ઉમેદવારનું નામ કપાઈ જાય એ માટે લોબિંગ શરૂ કર્યુ છે. આ તમામ વાત આઇટી સેલ મારફત પ્રદેશ મોવડી મંડળના કાન સુધી પહોંચી ચૂકી છે.

હાલમાં રાજકોટમાં નર્મદા નીરને આવકારવા માટે આજી ડેમ ખાતે પણ પધારેલા નગરસેવકો પૈકી સંભવિત મેયર પણ ત્યાં હાજર હતા. આમ લોબિંગ કરનારા અને કરાવનાર વચ્ચે રાજકોટના નવા મેયરની પસંદગી વિજય રૂપાણી અને સીઆર પાટીલ કરવાના છે, ત્યારે કોણ બનશે એ ઉપરાંત રાજકોટમાં રૂપાણી અને રૂપાપરા જૂથમાંથી કોણ મેયર થવાના છે એ પણ જોવાનું રહ્યું છે. કારણ કે, બીનાબેન આચાર્ય સીએમ રૂપાણીના ધર્મપત્નીની નજીકના ગણાય છે અને તેઓ મેયર તરીકે રહી ચૂક્યા હોઈ હવે રૂપાપરાના નજીકના ગણાતા કોઈ નગરસેવકનો મેયર બનવા માટે ચાન્સ લાગી શકે છે.

મેયર પદના નામ માટે નિલેશ જલુનું પણ ચર્ચામાં છે. જો કે છેલ્લો નિર્ણય તો મોવડી મંડળનો જ રહેશે. જેમ છેલ્લી ઘડીએ રાજકોટમાં મેયર તરીકે જનકભાઈ કોટક ચૂંટાયા હતા, ને કશ્યપભાઈ શુક્લ અને નીતિનભાઈ ભારદ્વાજના બદલે ડો. ઉપાધ્યાય મેયર બની ગયેલા તેમ અહીં પણ છેલ્લી ઘડીએ મેયર તરીકે અપેક્ષિત વ્યક્તિ મેયર બની શકે છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news