કમિશનર વગરના સુરતમાં ગુનાખોરી વધી! સમાધાન માટે બોલાવી દારૂ પીવડાવીને યુવાનનું ઢીમ ઢાળી દેવાયું!
ઉધનામાં ચીકલીગર યુવકની ઘાતકી હત્યાને માત્ર ગણતરીના કલાકો જ વીત્યા ત્યાં જ શહેરના લિંબાયત વિસ્તારમાં રંગીલા નગર શાકમાર્કેટ પાસે રીક્ષા ચાલક યુવકને ચપ્પુ અને તલવારના ઉપરાછાપરી ઘા મારી ઘાતકી હત્યા કરવામાં આવતા ચકચાર મચી જવા પામી છે.
Trending Photos
ઝી બ્યુરો/સુરત: શહેરમાં ગુનાખોરીનો આંક દિન પ્રતિદિન વધી રહ્યો છે ત્યારે બીજી તરફ આ ગુનાખોરીને ડામવામાં સુરત પોલીસ વામણી પુરવાર થઈ રહી છે. એક તરફ સુરત શહેરમાં પોલીસ કમિશનરની ગેરહાજરી છે ત્યારે બીજી તરફ અસામાજિક તત્વો શહેરમાં બેફામ બન્યા છે. દરરોજ ઉપરા છાપરી હત્યાના અને ગંભીર જીવલેણ હુમલાના બનાવો પણ સામે આવી રહ્યા છે. ઉધનામાં ચીકલીગર યુવકની ઘાતકી હત્યાને માત્ર ગણતરીના કલાકો જ વીત્યા ત્યાં જ શહેરના લિંબાયત વિસ્તારમાં રંગીલા નગર શાકમાર્કેટ પાસે રીક્ષા ચાલક યુવકને ચપ્પુ અને તલવારના ઉપરાછાપરી ઘા મારી ઘાતકી હત્યા કરવામાં આવતા ચકચાર મચી જવા પામી છે.
શહેરને જાણે કોઈની નજર લાગી હોય તેમ છેલ્લા 15 દિવસથી ઉપરા છાપરી ગંભીર બનાવો સામે આવી રહ્યા છે. જેમાં સૌથી વધુ હત્યા અને હત્યાની કોશિશના બનાવો સામે આવ્યા છે. પોલીસ કમિશનર વિનાના સુરત શહેરને જાણે ગુનેગારોએ બાનમાં લીધું હોય તેવી રીતે દરરોજ શહેરમાં એક હત્યા થઈ રહી છે અને તે સિવાય પણ અનેક ગંભીર ગુનાઓ સામે આવી રહ્યા છે. ગતરોજ ઉધના વિસ્તારમાં ચીકલીગર યુવકની ફિલ્મી ઢબે કાર આંતરી જાહેરમાં તેની ઘાતકી હત્યા કરવામાં આવતા ચકચાર મચી જવા પામી હતી. હજુ આ ઘટનાની શાહી સુકાઈ નથી ત્યાં જ શહેરના લિંબાયત વિસ્તારમાં પણ જાહેરમાં યુવકને રહેંસી નાખવાનો બનાવ સામે આવ્યો છે.
શહેરના ગોડાદરા વિસ્તારમાં આવેલ માનસરોવરમાં વસવાટ કરતા રવિ વાલ્મીક આહીરે ઓટોરિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. થોડા દિવસ અગાઉ શિવા ઉર્ફે બારાપલ્લી નામના યુવક સાથે બોલાચાલી થયા બાદ રવિએ તેની બાઈકમાં તોડફોડ કરી હોવાનું પોલીસે જણાવ્યું છે. આ તોડફોડની અદાવત રાખીને ગતરોજ શિવા ઉર્ફે બારાપલ્લી તથા રંગીલા નગર શાકમાર્કેટ પાસે રહેતો હર્ષલ ઉર્ફે દાદુ અને ડીંડોલી નવાગામ ખાતે રહેતો મનોજ ઉર્ફે સત્તો ભેગા મળી રવિને લિંબાયત રંગીલા નગર શાકમાર્કેટ પાસે બોલાવ્યો હતો. જ્યાં આ ત્રણેય આરોપીઓએ ભેગા મળી રવિને એલફેલ ગાળો આપી ઢીકમુક્કીનો ઢોર માર મારી રવિને માથામાં પથ્થરના ઘા માર્યા હતા.
એટલું જ નહીં પરંતુ ચપ્પુના ઘા મારી ઉપરા છાપરી તલવારના ઘા પણ ઝીંકી દીધા હતા. જેના કારણે રવિ લોહી લુહાણ થઈ ત્યાં જ ઢળી પડ્યો હતો. બનાવને પગલે તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવતા તેની સારવાર ચાલુ કરવામાં આવી હતી. બીજી બાજુ પોલીસે તેમની પત્ની પૂનમની ફરિયાદ લઇ હર્ષલ ઉર્ફે દાદુ, મનોજ ઉર્ફે સત્તો અને શિવા ઉર્ફે બારાપલ્લી સામે હત્યાની કોશિશનો ગુનો દાખલ કર્યો હતો. જોકે શુક્રવારે વહેલી સવારે સારવાર દરમિયાન રવિનું મોત નીપજતા પોલીસે હત્યાનો ગુનો નોંધવાની તજવીજ શરૂ કરી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે