શું રામના ભરોસે ભાજપના રામ જીતી જશે? જાતીય સમીકરણ વિરોધમાં પણ ભાજપને ચોગ્ગો ફટકારવાની આશા
મેરઠમાં છેલ્લી ત્રણ લોકસભા ચૂંટણીથી સજજ ભાજપ સાંસદ રાજેન્દ્ર અગ્રવાલ જીત હાસિલ કરતા આવી રહ્યાં છે. પરંતુ આ વખતે સમીકરણ અલગ છે. કેટલાક સમુદાય ભાજપની નારાજગીને કારણે સમીકરણ બદલી પણ શકે છે.
Trending Photos
મેરઠઃ ઉત્તર પ્રદેશની મેરઠ લોકસભા બેઠક પર જાતીય સમીકરણના અનેક રંગ છે. અહીંયાનું રાજકારણ અલગ કહાની રજૂ કરે છે. મેરઠમાં જાતિનું સમીકરણ બીજેપીના પક્ષમાં જોવા મળતું નથી પરંતુ હિંદુત્વવાદી રાજનીતિના દમ પર ભાજપ આ સીટ પર વિજયનો ચોગ્ગો મારવા ઈચ્છે છે. અભિનેતામાંથી નેતા બનેલા અરૂણ ગોવિલ માટે ચૂંટણીનો માર્ગ સરળ છે કે મુશ્કેલ?... જોઈશું આ ખાસ અહેવાલમાં....
આ સવાલ એટલા માટે થઈ રહ્યો છે કેમ કે ભાજપે રામાયણ ફિલ્મથી દેશ અને દુનિયામાં જાણીતા બનેલા અરૂણ ગોવિલને ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા છે. પાર્ટીએ રામ નામની લહેરમાં 3 વખતના સાંસદની ટિકિટ કાપીને અરૂણ ગોવિલને મેરઠની ટિકિટ આપી છે.
અરૂણ ગોવિલ માટે પણ આ ચૂંટણી શાખનો વિષય છે. કેમ કે તે પોતાના જીવનના પહેલાં 17 વર્ષ મેરઠમાં રહ્યા હતા. તેમની એકદમ સ્વચ્છ છબીના કારણે ભાજપે તેમને મેદાનમાં ઉતાર્યા છે અને જે રીતે લોકોનું સમર્થન મળી રહ્યું છે તે જોઈને પદાધિકારીઓ પણ આશ્વર્યચકિત છે.
ઝી ન્યૂઝ સાથે ખાસ વાતચીતમાં અરૂણ ગોવિલે જણાવ્યું કે તે જનસેવા માટે રાજકારણમાં આવ્યા છે અને મેરઠના વિકાસ માટે જે ખૂટતું હશે તે પૂરું કરવાનો પ્રયાસ કરીશ. 22મી જાન્યુઆરી 2024ના રોજ અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા પછી રામ નામનો ભાજપ તરફથી સૌથી વધુ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ અંગે અરૂણ ગોવિલે સ્પષ્ટતા કરતાં કહ્યું કે... ભાજપના રામે સાંસદ બન્યા પહેલાં જ વિરોધીઓ પર નિશાન સાધ્યું કે જે પક્ષ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠામાં ન ગયા તેમણે જવું જોઈતું હતું.... તમે ભારતની સંસ્કૃતિનો ઈનકાર ક્યારેય કરી શકો નહીં.
જોકે મેરઠની ચૂંટણી ભાજપ માટે આ વખતે માથાનો દુખાવો સાબિત થવાની છે. કેમ કે મેરઠ લોકસભાનું જાતીય સમીકરણ આ વખતે કંઈક અલગ કરવાના મૂડમાં છે. મેરઠના જાતીય સમીકરણ પર નજર કરીએ તો....
મેરઠમાં 6 લાખ મુસ્લિમ....
3 લાખ દલિત....
2.5 લાખ વૈશ્ય....
70 હજાર બ્રાહ્મણ....
60 હજાર જાટ....
60 હજાર ગુર્જર....
60 હજાર ત્યાગી....
50 હજાર ઠાકુર....
50 હજાર સૈની....
45 હજાર કશ્યપ....
અને 30 હજાર પંજાબી લોકો વસવાટ કરે છે..
2017માં સુનીતા વર્માને મુસ્લિમ-દલિત સમીકરણના આધારે જીત મળી હતી. કેમ કે મેરઠમાં લગભગ 9 લાખ વોટરથી વધારે દલિત-મુસ્લિમ છે. તે મેરઠની કુલ વસ્તીના અડધા છે. જેના કારણે ભાજપે આ વખતે હિંદુત્વનો ચહેરો મનાતા અને ભગવાન રામના પ્રતિનિધિ ચરિત્રને મેદાનમાં ઉતાર્યા છે. ભાજપે કેમ આવું કરવાની ફરજ પડી તેના માટે છેલ્લી 4 ટર્મના ચૂંટણી પરિણામ પર નજર કરવી પડશે. 2004માં આ બેઠક પરથી બસપાના મોહમ્મદ શાહિદે 70,000 મતથી જીત મેળવી હતી. જ્યારે 2009માં ભાજપના રાજેન્દ્ર અગ્રવાલનો 50 હજાર મતથી વિજય થયો હતો. 2014માં ફરી એકવાર ભાજપના રાજેન્દ્ર અગ્રવાલની જીત થઈ હતી. જોકે તેમની લીડ 2 લાખ 32 હજાર થઈ ગઈ હતી. 2019માં યોજાયેલી ચૂંટણીમાં ભાજપના રાજેન્દ્ર અગ્રવાલની જીતનું અંતર માત્ર 4729 જ રહ્યું હતું.
એ તો સાચું છે કે અરૂણ ગોવિલને લોકો ભગવાન રામ સાથે જોડીને જુએ છે. અને તેમની સભામાં આવનારી ભીડ ખાસ કરીને મહિલાઓ રામની ઝલક જોવા આવે છે પરંતુ શું આ લોકપ્રિયતા અરૂણ ગોવિલ અને ભાજપને મેરઠની બેઠક પર વિજયનો ચોગ્ગો અપાવશે કે નહીં તે મોટો સવાલ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે