અમદાવાદમાં કોઈને મકાન ભાડે આપતા પહેલા ચેતજો! એવો કિસ્સો સામે આવ્યો કે, તમે વિચારતા રહી જશો

ગત 27 સપ્ટેમ્બરના રોજ મૃતકની પત્ની શાક માર્કેટમાં શાકભાજી લેવા ગઈ અને ઘરે પરત આવી બેડરૂમમાં જઈને જોતા દિલીપ ભાઈ સીલિંગ ફેન સાથે દુપટ્ટા વડે ફાંસો ખાધેલી હાલતમાં લટકતા હતા.

અમદાવાદમાં કોઈને મકાન ભાડે આપતા પહેલા ચેતજો! એવો કિસ્સો સામે આવ્યો કે, તમે વિચારતા રહી જશો

મૌલિક ધામેચા/અમદાવાદ: કૃષ્ણનગર વિસ્તારમાં રહેતા એક વ્યક્તિએ આપઘાત કરતા મૃતકના ઘરમાંથી સ્યુસાઇડ નોટ પણ મળ છે. મૃતકે મિલકત અને રૂપિયા માટે પ્રેમનું નાટક કરનાર ભાડુઆત સામે આરોપ લગાવ્યા છે. અને આરોપી મહિલા તેનો પતિ અને પુત્ર ટોર્ચર કરી પૈસા પડાવતા યુવકે આપઘાત કર્યો હોવાનું સામે આવ્યુ છે. હાલ પોલીસે એક જ પરિવારના ત્રણ સભ્યોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

શહેરના કૃષ્ણનગરમાં આવેલ શ્રીરામ ટેનામેન્ટમાં રહેતા દિલીપભાઈ શર્માએ થોડા દિવસ પહેલા આપઘાત કર્યો હતો. મૃતક દિલીપ ભાઈ સરદાર ચોક ખાતે હેર સલૂન ચલાવતા અને ત્યાં પુષ્પરાજ એપાર્ટમેન્ટમાં આવેલું તેમનું મકાન તેઓએ ભાડે રેખાબેન પ્રજાપતિને તથા તેમના પતિ અને દીકરાને આપ્યું હતું. 

ગત 27 સપ્ટેમ્બરના રોજ મૃતકની પત્ની શાક માર્કેટમાં શાકભાજી લેવા ગઈ અને ઘરે પરત આવી બેડરૂમમાં જઈને જોતા દિલીપ ભાઈ સીલિંગ ફેન સાથે દુપટ્ટા વડે ફાંસો ખાધેલી હાલતમાં લટકતા હતા. જેથી મૃતકની પત્ની ભાવનાબેને બુમાબૂમ કરતા આસપાસના લોકો આવી ગયા હતા અને દિલીપભાઈની લાશને નીચે ઉતારી હતી.

દિલીપભાઈની અંતિમવિધિ પૂર્ણ થયા બાદ પત્ની ભાવનાબેનને એક સ્યુસાઇડ નોટ મળી આવી હતી. જેમાં લખ્યું હતું કે પુષ્પરાજ એપાર્ટમેન્ટમાં ભાડુઆત તરીકે રહેતા રેખા બેને દિલીપભાઈને પ્રેમ જાળમાં ફસાવી બ્લેકમેલ કરી રૂપિયા પડાવ્યા હતા અને બળાત્કારના ખોટા કેસમાં ફસાવી જવાની ધમકી આપી મકાન તેમના નામે કરાવી લેવાનું કહ્યું હતું. અવારનવાર આ ભાડુઆત જાનથી મારી નાખવાની ધમકીઓ આપતા હતા. આરોપીનો પરિવાર ખૂબ હેરાન પરેશાન કરતો હતો.

અત્યાર સુધીમાં મૃતક દિલીપભાઈ પાસેથી આરોપીઓએ પાંચ લાખ રૂપિયા પડાવ્યા હતા. જેઓના ત્રાસથી કંટાળી તેઓએ આપઘાત કર્યો હતો. સમગ્ર બાબતને લઈને પોલીસે સ્યુસાઈડ નોટ આધારે રેખાબેન પ્રજાપતિ તેમના પતિ રમેશભાઈ પ્રજાપતિ અને પુત્ર ધવલ પ્રજાપતિ સામે ગુનો નોંધી ધરપકડ કરી છે.

ઉલ્લેખનીય છે કે મૃતક દિલીપભાઈ પાસેથી મળી આવેલી સ્યુસાઇડ નોટમાં તેઓએ લખ્યું છે કે એક વર્ષથી પ્રેમ જાળમાં આરોપી મહિલાએ ફસાવ્યો હતો. આટલું જ નહીં પરંતુ આ મહિલા પોલીસ ફરિયાદ કરીને ફસાવી દઈશ તેમ કહી ધમકાવતી હતી અને મકાન તેના નામે કરવા માટે દબાણ કરતી હતી. આરોપી મહિલાનો દીકરો ધવલ પ્રજાપતિ અવારનવાર મારી નાખવાની ધમકી આપતો હતો. જે પોતે દારૂ ગાંજો ચરસ જેવા નશા કરતો હતો અને મકાન નહીં ખાલી કરું તમારાથી થાય તે કરી લેજો તેમ કહી ધમકી આપતો હતો. 

આરોપી ધવલ કોઈ ગેંગનો માણસ પણ હોવાનો મૃતકે સ્યુસાઇડ નોટમાં આક્ષેપ કર્યો હતો. સાથે જ મૃતકે સુસાઇડ નોટમાં પોલીસને પણ વિનંતી કરી કે આ ત્રણ લોકોને જામીન આપતા નહીં નહીં તો પકડાશે નહીં અને આરોપીઓના કડકમાં કડક સજા થવી જોઈએ. ત્યારે આરોપીઓને લાંબી સજા મળવાની મૃતકની અંતિમ ઈચ્છા પૂર્ણ કરવા પોલીસ પણ ઠોસ પુરાવા આધારે કામગીરી કરી મૃતકને અને તેના પરિવારજનોને ન્યાય અપાવવા કોશિશ કરી રહી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news