કચ્છના ખેડૂતોએ કમાલ કરી, મગજ દોડાવીને એવી ખેતી કરી કે ઉનાળામાં પણ મબલખ કમાણી થશે

દુષ્કાળગ્રસ્ત કચ્છના ખેડૂતો મગફળી, એરંડા, કપાસ જેવા પાકોને છોડી બાગાયત ખેતી કરી રહ્યા છે. ત્યારે આ પંથકના કિસાનોએ આ વખતે સક્કરટેટીની ખેતી કરી રહ્યા છે. 

કચ્છના ખેડૂતોએ કમાલ કરી, મગજ દોડાવીને એવી ખેતી કરી કે ઉનાળામાં પણ મબલખ કમાણી થશે

રાજેન્દ્ર ઠક્કર/કચ્છ :કચ્છના ખેડૂતોએ અગાઉ સૌપ્રથમ વખત ઠંડા પ્રદેશમાં થતી સ્ટ્રોબેરી, કેસર કેરી, ડ્રેગન ફ્રૂટ,એક્ઝોટિક વેજિટેબલનું સફળ વાવેતર અને ઉત્પાદન કર્યું હતું. કચ્છ જિલ્લાના ડુંગરાળ વિસ્તારમાં સક્કરટેટીનું સફળ વાવેતર કરવામાં આવ્યું છે. 

કચ્છની કેસર કરી જેમ કચ્છની મધુરાજા સક્કરટેટીની પણ માંગ 
ભુજ તાલુકાના પદ્ધર, લાખોંદ, કાળી તલાવડી સહિત ગામોના ડુંગરાળ વિસ્તારમાં કચ્છના કિસાનોએ સક્કરટેટીની ખેતી કરી છે અને એકર દીઠ 10થી 12 ટન ઉત્પાદન મેળવી રહ્યાં છે. ભુજ તાલુકાના આ ગામડા બાગાયતી ખેતીમાં દાડમ, આંબા, જામફળ, ખારેક, ડ્રેગન ફ્રૂટ જેવા પાકોની ખેતી કરી ખેડૂતો સારા પ્રમાણમાં આવક મેળવી રહ્યા છે. દુષ્કાળગ્રસ્ત કચ્છના ખેડૂતો મગફળી, એરંડા, કપાસ જેવા પાકોને છોડી બાગાયત ખેતી કરી રહ્યા છે. ત્યારે આ પંથકના કિસાનોએ આ વખતે સક્કરટેટીની ખેતી કરી રહ્યા છે. 

કાળી તલાવડીમાં પોતાની વાડીમાં સક્કરટેટીનું વાવેતર કરનારા રાજેશભાઈ બરાડીયાએ જણાવ્યું કે, સક્કરટેટીનું વાવેતર ઠંડીનું પ્રમાણ ઓછું થાય છે, ત્યારે ડિસેમ્બર મહિનાના અંતમાં કરવામાં આવે છે. વાવેતર સમયે પાયામાં છાણીયું ખાતર નાખવામાં આવે છે. ઉપરાંત DAP નો પણ ઉપયોગ કરવામાં આવે છે અને પછી પેક કરીને મિલચિંગ કરવામાં આવે છે. મિલ્ચિંગ કરવાથી પાકમાં ભેજનું વાતાવરણ જળવાઈ રહે છે અને ઉત્પાદનમાં વધારો થાય છે. સક્કરટેટીનું વાવતેર થયા બાદ અઢીથી ત્રણ મહિને તે પાકે છે અને તે દરમિયાન ટપક પદ્ધતિ દ્વારા ગૌમુત્ર પણ આપવામાં આવે છે. ગરમીનો પારો વધે તેમ ફૂગ અથવા રોગનાં કારણે પાક બગડી શકે છે. ત્યારે સમયસર દવાનો છંટકાવ કરવો જરૂરી હોય છે. આ પાકને ડુંગરાળ અને રેતાળ જમીન ચાલે છે. એક એકર દીઠ 400 થી 500 ગ્રામ બિયારણનું વાવેતર કરાય છે અને સમયસર પાણી અપાય તો એકરદીઠ 10થી 12 ટન ઉત્પાદન મેળવી શકાય છે.

આ વર્ષે સ્થાનિક બજારમાં ભાવ આ વખતે સારા મળશે તેવી આશા છે. આ ઉપરાંત આ સક્કરટેટી ડીસા, સુરત,વલસાડ, અમદાવાદ અને મુંબઈ જેવા જુદા-જુદા શહેરો અને જિલ્લાઓમાં પણ મોકલવામાં આવી રહી છે અને આ વખતે કિલોદીઠ 20 થી 25 રૂપિયા જેટલો ભાવ મળી રહ્યો છે. જે તેમના માટે ફાયદાકારક છે.
 
કચ્છના ખેડૂતો ઘણા વર્ષોથી 3 પ્રકારની સક્કરટેટીનું વાવેતર કરતા હોય છે. જેમાં મધુરાજા, ડોક્ટર અને માલીનો સમાવેશ થાય છે. પંરતુ આ વખતે વાડીના 15.5 એકરમાં મધુરાજા જાતની સક્કરટેટીનું વાવેતર કરવામાં આવ્યું છે. આ મધુરાજા સક્કરટેટીની ગુણવત્તા સારી હોય છે. ઉપરાંત સારા પ્રમાણમાં ઉત્પાદન થતું હોય છે અને મીઠાશ પણ ખૂબ પ્રમાણમાં હોય છે. જેમ કચ્છની કેસર કેરી વખણાય છે અને તેની માંગ દેશ વિદેશમાં રહેતી હોય છે તેમ કચ્છની મધુરાજા સક્કરટેટીની માંગ પણ તેની મીઠાશના કારણે રહેતી હોય છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news