પાકિસ્તાનની જેલમાં 28 વર્ષ કેદ રહેલા કુલદીપ યાદવ સ્થિતિ કંગાળ, રોજ નવા પડકાર આવે છે

Pakistan Return Kuldeep Yadav : 28 વર્ષથી પાકિસ્તાનની જેલમાં જેલવાસ ભોગવનાર ભારતીય કુલદીપ યાદવની તાજેતરમાં જ વતનવાપસી થઇ હતી... પરંતુ વતનવાપસી બાદ તેમની યાતનાઓ ઓછી થઈ નથી... જેલમાંથી મુક્ત થયા બાદ તેઓ બીમારીના શિકાર થયા

પાકિસ્તાનની જેલમાં 28 વર્ષ કેદ રહેલા કુલદીપ યાદવ સ્થિતિ કંગાળ, રોજ નવા પડકાર આવે છે

Ahmedabad News : તાજેતરમાં એક ભારતીય પાકિસ્તાની જેલમાંથી 28 વર્ષ વિતાવીને પરત ફર્યા હતા. 28 વર્ષ બાદ માદરે વતન આવ્યા ત્યારે 55 વર્ષના થઈ ગયા છે. કુલદીપકુમારની પાકિસ્તાની જેલમાં યાતનાની કહાની સાંભળીને ધ્રુજી જવાય. ૧૯૯૪ માં પાકિસ્તાનમાં જાસૂસીના આરોપમાં તેમને પકડવામાં આવ્યા હતા અને આજીવન કારાવાસની સજા સંભળાવાઈ હતી. પરંતુ હવે વતન આવીને પણ તેમની યાતનાઓ ઓછી થઈ નથી. હાલ પરિવાર પાસે પાછા ફરેલા કુલદીપ યાદવ ગંભીર બીમારીનો શિકાર બન્યા છે. હાલ તેમની આર્થિક સ્થિતિ પણ એટલી સારી નથી કે તેઓ સારવાર કરાવી શકે. 

28 વર્ષ પાકિસ્તાની જેલમાં રહ્યાં 
છેલ્લા 28 વર્ષથી પાકિસ્તાનની જેલમાં જેલવાસ ભોગવનાર ભારતીય કુલદીપ યાદવની તાજેતરમાં જ વતનવાપસી થઇ હતી. કુલદીપ યાદવ કે જેઓ વર્ષ 1992 માં પાકિસ્તાન ગયા હતા. તેઓ જ્યારે 1994માં ભારત પરત ફરતી વેળાએ બોર્ડર ક્રોસ કરવા જઈ રહ્યાં હતા એ દરમ્યાન એજન્સીએ તેમની ધરપકડ કરી હતી. અલગ અલગ એજન્સીઓએ તેમની પૂછપરછ કરી હતી. જેના બાદ 1996 માં તેમને આજીવન કારાવાસની સજા સંભળાવાઈ હતી. જેના બાદથી તેઓ લખપત જેલમાં કેદ હતા. 

ઘરે આવતા પરિવાર ઓળખી ન શક્યો
26 ઓકટોબર 2021ના રોજ કુલદીપની સજા પૂર્ણ થઈ હતી. ગત સપ્તાહે જ પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે કુલદીપ યાદવને મુક્ત કરવાનો આદેશ કર્યો હતો. તેમને વાઘા બોર્ડરથી 28 ઓગસ્ટના રોજ મોકલવામા આવ્યા હતા. કુલદીપ પાકિસ્તાનની લખપત જેલમાં બંધ હતા, જ્યાં તેમની બહેન તેમને નિયમિત રાખડી મોકલતી હતી. આ વર્ષે બહેનની દુવા ભગવાને સાઁભળી હતી, અને ભાઈને પરત મોકલ્યો. જોકે, 2013 બાદથી બહેનનો કુલદીપ સાથેનો સંપર્ક તૂટી ગયો હતો. આખરે 28 વર્ષ બાદ આખરે તેમને ભાઈ પરત મળ્યો. ત્યારે તેમનો પરિવાર પણ તેમને ઓળખી શક્યો ન હતો. પરંતુ બાદમાં જ્યારે બહેનને ખબર પડી તો તે ભાઈને વળગીને રડી પડ્યા હતા. બંને પોતપાતાના આસું રોકી શક્યા ન હતા.  

ચાર મહિનાથી બીમારીગ્રસ્ત છે કુલદીપ યાદવ
કુલદીપ યાદવને પાકિસ્તાનથી પરત ફરીને ચાર મહિના થઈ ગયા છે. પરંતું તેમની આર્થિક સ્થિતિ સારી નથી. તેમની પાસે હાલ કોઈ કામકાજ નથી. તેઓ ભાઈના પરિવાર સાથે રહે છે. વતન ફર્યા બાદ તેઓ ગંભીર બીમારીથી પીડિત થયા હતા. જેમાં હોસ્પિટલ અને એક સંસ્થાએ આર્થિક રીતે મદદ કરી હતી. હાલ તેમની આર્થિક સ્થિતિ જરા પણ સારી નથી. તેમને કોઈ કામનો અનુભવ ન હોવાથી તેઓ કોઈ ફિલ્ડમાં આગળ જઈ શક્તા નથી. પાકિસ્તાનથી આવ્યા બાદ તેમની જિંદગી વધુ કપરી રહી છે. તેમના માટે નવો દિવસ નવી સ્ટ્રગલ લઈને આવે છે. 

લોહીની ઉલટીઓ થઈ હતી
પાકિસ્તાનથી આવ્યા બાદ તેઓ બીમાર પડ્યા હતા. દૂધી, કુંવારપાઠું અને આમળાનો જ્યુસ પીને તેમને લોહીની ઉલટીઓ થઈ હતી. જેના બાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. એક મહિના બાદ તેઓ ધીરે ધીરે રિકવર થવા લાગ્યા હતા. તેઓ કહે છે કે, લોકોએ મને ઘણી મદદ કરી. લોકોની દુઆઓને કારણે હું સાજો થઈ શક્યો. 

જેલમાં મળ્યા હતા પંજાબના સરબજીત
કુલદીપ યાદવની મિત્રતા પાકિસ્તાનની જેલમાં પંજાબના સરબજીત સાથે થઈ હતી, જેમને આતંકી અને જાસૂસ માનીને પાકિસ્તાને પકડ્યા હતા. પરંતું બાદમાં જેલના કેદીઓના હુમલામાં સરબજીતનું મોત નિપજ્યુ હતું. ત્યાં ભારતીય કેદીઓએ એક જ બેરેકમાં રાખવામાં આવતા હતા, જ્યાં સરબજીત અને કુલદીપ યાદવ વચ્ચે મિત્રતા બંધાઈ હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news